નખત્રાણામાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકો ફસાયા
આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે કચ્છના નખત્રણામાં ધોધમાર વરસાદના કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. શહેરની બજારોમાં જાણે કે નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. મુખ્ય બજારમાં પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પડવાની હવામાન વિભાગની આગાહી છે.
આજે કચ્છના નખત્રાણામાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતા ઘણા સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. નખત્રાણાની મુખ્ય બજારમાંથી પ્રચંડ પ્રવાહ સાથે પાણી વહી રહ્યું હતું. ત્યારે વરસાદી પાણીમાં બાઇકને તણાતા બચાવાયું હતું. બસ સ્ટેન્ડ પાસેના વોકળામાં પાણીનાં પ્રચંડ પ્રવાહમાંથી પસાર થતી વખતે એક બાઇક સવાર તણાવા લાગ્યો હતો.જોકે એ સમયે સ્થાનિક લોકોએ બાઇક સવાર બે લોકો અને બાઇકને બહાર કાઢ્યા હતા.

ભુજમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ પડતા માર્ગો પાણીમાં ગરકાવ થઇ જવાથી નખત્રણાણા-ભુજ હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી. વરસાદ દરમિયાન ભુજમાં વીજળી પડી હોવાની ઘટના સામે આવી છે. ઘનશ્યામ નગર વિસ્તારમાં સનરાઈઝ એપાર્ટમેન્ટ પર વીજળી પડી હતી. એપાર્ટમેન્ટના ચોથા માળની બાલકની તૂટી પડી હતી.
આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. આજે બપોર બાદ જુનાગઢ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સોમનાથ,ભુજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો.