સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આજે સવારથી મેઘ-મહેર, હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા, જામનગર અને વલસાડમાં રેડ એલર્ટ

rain-gujarat

દ્વારકાનો દરિયો બન્યો ગાંડોતૂર

ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે. ત્યારે આજે વહેલી સવારથી સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. આજે બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના કુલ 92 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જામનગરના લાલપુરમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકા અને ભાવનગરમાં સર્વત્ર વરસાદ જોવા મળ્યો છે. દ્વારકાના દરિયામાં આજે વરસાદી કરંટ જોવા મળ્યો છે.

દેવભૂમિ દ્વારકામાં વરસાદી માહોલ છવાયો છે. જેને લઈને દ્વારકાના દરિયામાં વરસાદી કરંટ જોવા મળ્યો છે. મેઘરાજાના આગમન સાથે જ દરિયામાં 12થી 15 ફુટ મોજા ઉછળી રહ્યા છે. જેને લઈને તંત્ર દ્વારા લોકોને દરિયા કિનારે ન જવા અપીલ કરવામાં આવે છે. આ ઉપરાંત ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે.

સવારે 10 થી 12ની વચ્ચે કુલ 20 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ભરૂચને છોડીને સૌરાષ્ટ્રના જ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 34 મીમી, ભાણવડમાં 5 મીમી, ખંભાળિયામાં 3 મીમી જ્યારે ભાવનગરના ઉમરલામાં 9 મીમી, સિહોર, ઘોઘા, ભાવનગર અને તળાજામાં 3-3 મીમી, ગારિયાધાર અને જેસરમાં 2 મીમી વરસાદ નોંધાયો છે.

બોટાદના ગઢડામાં 18 મીમી, ભરૂચમાં 9 મીમી, બરવાળામાં 8 મીમી, લાઠીમાં 5 મીમી, દસાડામાં 3 મીમી, પોરબંદર, માળિયા હાટિના, બાબરા, જાફરાબાદમાં 2 મીમી અને લોધિકામાં 1 મીમી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ અનુસાર આજે દેવભૂમિ દ્વારકા, જામનગર અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના પગલે આ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ, બોટાદ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, અરવલ્લી, મહીસાગરમાં યેલો એર્ટલ જાહેર છે.