રોંગ સાઇડમાં વાહન ચલાવતા પકડાશો તો નોંધાશે એફઆરઆઈ

wrong-side-drive

22 જૂનથી આગામી 31 જૂન સુધી આ સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવશે
પોલીસ દ્વારા શહેરના દરેક વિસ્તારના રોંગ સાઇડ પર જતા બે સ્પોટને આઇડેન્ટીફાઇ કરવામાં આવ્યા છે

અમદાવાદ શહેરમાં રોંગસાઇડ વાહન ચલાવવાના કારણે અકસ્માત થવાનાં ગંભીર બનાવો અવાર નવાર બનતા હોય છે. શહેરમાં રોંગ સાઈડે વાહન ચલાવવાથી થતા અકસ્માતોની ઘટનાને અટકાવવા માટે 10 દિવસ મેગા ડ્રાઈવ ચલાવવામાં આવશે.

અમદાવાદ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો ઘટે અને તેમજ ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીત પાલન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી રોંગ સાઇડ ચાલતા વાહનો માટે ખાસ ડ્રાઇવ યોજાશે. આવતીકાલે 22 જૂનથી આગામી 31 જૂન સુધી આ સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવશે. આ ડ્રાઈવમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહનચાલકોને દંડ ફટકારવામાં નહીં આવે. પરંતુ વાહનચાલક સામે એફઆઇઆર નોંધી પોલીસ કેસ કરવામાં આવશે. આ ડ્રાઈવ દરમિયાન જે વાહનચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હોય તેમની ધરપકડ થઈ હોય તેવા વાહનચાલકોએ પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે.

શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની મદદ આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે. પ્રાથમિક ધોરણે આ ડ્રાઈવ એસજી હાઈવે સહિતના મુખ્ય રોડ પર અને ત્યારબાદ અંદરના રોડ પર શરૂ કરવામાં આવશે. જો રોંગ સાઇડ પર વાહન ચલાવતું કોઇ નજરે ચડશે તો તેમની વિરુદ્ધ સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ બન્ને ગુનો દાખલ કરી શકશે. આ ડ્રાઇવ દરમિયાન રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનાર વિરૂદ્ધ IPC-279 તથા MV Act-184 મુજબ FIR પોલીસ વિભાગ દ્વારા દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ દ્વારા શહેરના દરેક વિસ્તારના રોંગ સાઇડ પર જતા બે સ્પોટને આઇડેન્ટીફાઇ કરવામાં આવ્યા છે. આ સ્પેશિયલ ડ્રાઇવ ખાસ સ્કૂલોની આસપાસ પણ ચલાવવામાં આવશે. જેથી બાળકોને સ્કૂલે મૂકવા જતા વાલીઓમાં પણ રોંગ સાઇડમાં વાહન ન ચલાવવા અંગે જાગૃતિ આવે. જેથી રોંગ સાઇડમાં ડ્રાઇવ કરનારા માટે ખાસ ચેતાવણી છે કે જો રોંગ સાઇડમાં વાહન ચલાવવાની ટેવ હોય તો આવતીકાલથી સુધારી દેજો અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરજો.