વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડ અને સ્નિફર ડોગની મદદથી તપાસ, કશુ વાંધાજનક ન મળ્યું

vadodara-airport

એરપોર્ટ ઓથીરિટીને મેઈલ દ્વારા ધમકી અપાઈ, ધમકી ભર્યો ઇમેલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થયું

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એરપોર્ટ ઓથીરિટીને ધમકી ભર્યો ઇમેલ મળતા એરપોર્ટ તંત્ર દોડતું થયું છે. તેમજ સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જેને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલો એરપોર્ટ દોડી આવ્યો હતો અને એરપોર્ટની સિક્યુરિટી એજન્સી સાથે મળી બંદોબસ્ત ગોઠવીને ઊંડી તપાસ હાથ ધરી હતી. હાલ આ ઇમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો, કોણે મોકલ્યો હતો તે અંગે કોઈ ખુલાસો થયો નથી. હાલ પોલીસ અને તંત્ર સઘન ચેકિંગ કરી રહ્યું છે.

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ અફરાતફરી મચી ગઈ હતી. આ ધમકી પછી CISF પણ એક્શનમાં આવી ગઈ હતી અને સમગ્ર એરપોર્ટની ઊંડી તપાસ શરૂ કરી હતી. તપાસ માટે બોમ્બ સ્ક્વોડ અને સ્નિફર ડોગની પણ મદદ લેવાઈ હતી. હાલ ડોગ સ્કવોર્ડ અને બોમ્બ સ્કવોર્ડ દ્વારા સમગ્ર એરપોર્ટ સંકુલનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે 4 કલાકની તપાસ બાદ કશુ વાંધાજનક ન મળી આવતા તંત્રએ હાશકારો લીધો છે. જેમાં એરપોર્ટ ડાયરેકટર પ્રદીપ ડોબરિયાલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે 11.42 કલાકે ઇમેલ દ્વારા ધમકી મળી હતી. જેમાં દેશના 15 થી વધુ એરપોર્ટને એકસાથે ધમકી મળી છે. તેમાં ઈંગ્લીશ ભાષામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં કોઈ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

ડીસીપી પન્નાબેન મોમાયાનું નિવેદન છે કે સી.આઈ.એસ.એફ અને પોલીસે 4 કલાક તપાસ કરી છે. બોમ્બ સ્ક્વોડ,બોમ્બ થ્રેડ સિક્યુરિટી સહિતની એજન્સીઓ કામે લાગી હતી. તથા ઇમેલ મોકલનાર અજાણ્યા શખ્સ સામે હરણી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે.

બીજી બાજુ પોલીસે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી હતી. પોલીસે એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહન અને મુસાફરોની પણ ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી હતી. હાલ ફાયર બ્રિગેડની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ચેકિંગ દરમિયાન એરપોર્ટ બહાર અંદર પ્રવેશતી એક કારમાં શંકાસ્પદ ઈલેક્ટ્રિક ડિવાઈસ મળી આવ્યું હતું. જો કે,આ કારચાલકે એરપોર્ટના ગેટથી જ પાછો મોકલી દેવાયો હતો.

આ પહેલા જયપુરની SSG પરીક પીજી કોલેજ સહિત રાજ્યની 104 કોલેજોને બોમ્બની ધમકી મળી હતી. મંગળવારે સવારે લગભગ 9 વાગ્યે કોલેજ મેનેજમેન્ટને મેલ દ્વારા આ ધમકી મળી હતી. મેલ મોકલનારએ લખ્યું હતુ કે, તમારી કોલેજમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે. બોમ્બ કોઈકની બેગમાં છે. એક વ્યક્તિ કોલેજની અંદર રાઈફલ (બંદૂક) લઈને આવ્યો છે, તે બધાને ગોળી મારી દેશે. કોલેજ મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી. આ પછી પારીક કોલેજને ખાલી કરાવીને સઘન શોધખોળ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ દિલ્હી અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા.