ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે

geniben

ગેનીબેન હાલમાં જ બનાસકાંઠા લોકસભા બેઠકના સાંસદ તરીકે ચૂંટાયા છે

લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા સીટ પરથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના ગેનીબેન વાવ સીટ પરથી ધારાસભ્ય હતા. બનાસકાંઠાના સાંસદ તરીકે ગેનીબેન ઠાકોર ચૂંટાતા તેઓએ આજે વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.

સાંસદ બનેલા ગેનીબેન ઠાકોરને નિયમો મુજબ કોઇ એક હોદ્દો છોડવો પડે તેમ હતો તેથી તેમણે વાવના ધારાસભ્યપદેથી આજે રાજીનામુ આપ્યું હતું. તેઓ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીને મળ્યા હતા અને તેમને રાજીનામું સુપરત કર્યું હતું. બેનના રાજીનામા બાદ આગામી છ મહિનામાં વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી આવશે. આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત ઠાકરશી રબારીનું નામ ચર્ચાઈ રહ્યું છે, જે વાવ તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે.

કોંગ્રેસના આક્રમક નેતા ગણાતા ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના વાવના ધારાસભ્ય હતા. તેમને તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા હતા. ગેનીબેન ઠાકોર લોકસભા ચૂંટણી જીતી ગયા હતા. ગેનીબેને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 30,000 કરતાં વધુ મતથી હરાવ્યાં હતાં.

ગુજરાતમાં ભાજપનો 26માંથી 25 બેઠક ઉપર વિજય થયો હતો જ્યારે એકમાત્ર બનાસકાંઠાની બેઠક ઉપર કોંગ્રેસના ગેનીબેન ચૂંટાઈ આવ્યાં હતાં. આ રીતે તેમણે ગુજરાતમાં સતત ત્રીજી વખત તમામ 26 બેઠકો જીતીને રેકોર્ડ બનાવવાની ભાજપની આશા પર પાણી ફેરવ્યું હતું.

બનાસના બેને અગાઉ કોંગ્રેસમાં પડતી તકલીફો મુદ્દે ઘણીવાર જાહેરમાં બળાપો કાઢ્યો છે. એટલે ઘણાં સમયથી બેન કંટાળીને રાજીનામું આપશે એવી અફવાઓ અવારનવાર ઉડી હતી. પરંતુ ફાઇનલી હવે બેનના રાજીનામાની વાત સાચી પડી છે. જોકે, તેનુ કારણ કોંગ્રેસનો કંટાળો નહીં પણ લોકસભા ચૂંટણીમાં જીતનો શુભ અવસર છે.

વિધાનસભાના સંખ્યાબળની વાત કરીએ તો, ગેનીબેન ઠાકોરના રાજીનામાને પગલે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્યનું સખ્યા બળ ઘટયુ છે. હવે વિધાનસભામાં કોગ્રેસના માત્ર 12 જ ધારાસભ્ય બચ્યા છે.