ઈટાલી PM જ્યોર્જિયા મેલોનીએ PM મોદીને G-7 કોન્ફરન્સમાં ભાગ લેવા આપ્યું હતું આમંત્રણ
ત્રીજી વખત શપથ લીધા બાદ PM મોદીનો પહેલો વિદેશ પ્રવાસ
લોકસભા ચૂંટણીમાં જીત બાદ મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ શરૂ થઈ ગયો છે. ત્યારે હવે સરકારનું સંપૂર્ણ ધ્યાન ફરી મોટા મુદ્દાઓ પર કેન્દ્રિત થયું છે. જે સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ઈટાલીના પ્રવાસે જઈ રહ્યા છે. 9 જૂને ત્રીજી વખત શપથ લીધા બાદ PM મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે.
ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ PM મોદીને G-7 કોન્ફરન્સમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે.
https://x.com/ANI/status/1800826051683094987
વિદેશ સચિવ વિનય મોહને PM મોદીની ઈટલી મુલાકાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી PM જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર 13થી 15 જૂન વચ્ચે આયોજિત થનારા G7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે કાલે ઈટાલી જવા રવાના થશે. PM મોદી G-7ની 50મી કોન્ફરન્સમાં ભાગ લેશે. આ સમિટ 14 જૂને ઈટાલીમાં યોજાશે.
વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલાં ખાલિસ્તાની સમર્થકોએ ઈટાલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને ક્ષતિગ્રસ્ત કરી દીધી છે. ખાલિસ્તાની સમર્થકોએ હરદીપસિંહ નિઝ્ઝરનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઘટનાની તસવીરો સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે ખાલિસ્તાની સમર્થકોએ મહાત્મા ગાંધીની પ્રતિમા તોડ્યા બાદ ત્યાં વિરોધમાં સૂત્રો પણ લખ્યા છે.

આ ઘટના પર વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા સામે આવી છે. વિદેશ સચિવે કહ્યું કે,ભારતે ઈટાલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાનો મુદ્દો ઉઠાવ્યો છે. પ્રતિમા ઠીક કરી દેવાઈ છે. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાને લઈને ઈટાલીના અધિકારીઓ સાથે વાતચીત કરી છે, આ મામલે જરુરી કાર્યવાહી કરવામાં આવી છે.
ભારત G-7 જૂથનો ભાગ નથી. પરંતુ ઈટાલીએ ભારતને મહેમાન તરીકે આમંત્રણ મોકલ્યું છે. વિનય મોહને માહિતી શેર કરતા કહ્યું કે પીએમ મોદીનો તેમના ત્રીજા કાર્યકાળમાં આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. G-7 દેશો વચ્ચે ભારત અને ગ્લોબલ સાઉથના મુદ્દા ઉઠાવવાની આ સારી તક છે.
https://x.com/narendramodi/status/1798201897473720393
આ વર્ષે G7 શિખર સંમેલનનું આયોજન ઈટાલીના અપુલિયા એરિયા સ્થિત બોર્ગો એગ્નાઝિયાના લક્ઝરી રિસોર્ટમાં કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત G7 શિખર સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો સામેલ થશે. G-7 દેશોની યાદીમાં અમેરિકા, કેનેડા, જાપાન, ફ્રાન્સ, બ્રિટન, જર્મની અને ઈટાલીના નામ સામેલ છે.