સાંસદ બનતા જ કંગના રણૌતને ચંડીગઢ એરપોર્ટ ખાતે CISF મહિલા ગાર્ડે મારી થપ્પડ, જાણો કેમ?

kangana-thappad

કુલવિંદરને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે

હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી જીતનાર કંગના રણૌત સાથે ગંભીર ઘટના બની છે. ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગનાને ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફની મહિલા જવાને થપ્પડ માર્યો હોવાની ઘટના બની છે. આ મામલે કંગનાએ ફરિયાદ નોંધાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ક્ષેત્રથી સાંસદ ચૂંટાઈ આવેલ બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત આજે દિલ્હી માટે રવાના થઈ હતી. તેણે ઈન્સ્ટાગ્રામના સ્ટોરીઝ સેક્શનમાં એક તસવીર પણ શેર કરી હતી. કંગનાએ આ અંગેની એક તસવીરની કેપશન પણ લખી-‘સંસદ માટે જઈ રહી છું-મંડીની સાંસદ’

કંગનાની ફરિયાદ મુજબ તેઓ દિલ્હી જવા માટે ચંદીગઢ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં તેઓ સિક્યોરિટી ચેક ઈન બાદ બોર્ડિંગ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન એલસીટી કુલવિંદર કૌરે (CISF યુનિટ, ચંદીગઢ એરપોર્ટ) તેમનો થપ્પડ મારી, ત્યારબાદ કંગના રણૌત સાથે પ્રવાસ કરી રહેલા એક વ્યક્તિ મયંક મધુરે કુલવિન્દરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો. હાલ આરોપી સીઆઈએસએફ કર્મચારીને કસ્ટડીમાં લેવાઈ છે.

આ ઘટના બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. થપ્પડ મારવાને લઈ એવો દાવો કરવામાં આવે છે કે CISF ગાર્ડ કંગના રનૌતના ખેડૂત આંદોલન સામેના નિવેદનને લઈ નારાજ હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોના આંદોલનને લઈને કંગનાના નિવેદનથી કુલવિંદર કૌરને દુઃખ થયું હતું, તેથી જ તેણે બીજેપી સાંસદને થપ્પડ મારી હતી.

https://x.com/KanganaTeam/status/1798697545201569904

હાલ કંગના રણૌત દિલ્હી પહોંચી ગઈ છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં સીઆઈએસએફના મહાનિર્દેશક નીના સિંહને ઘટના અંગે માહિતી આપી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ચંદીગઢ એરપોર્ટ પર કર્ટનર એરિયામાં કૉન્સ્ટેબલ કુલવિંદર કૌરે મારી સાથે બોલાચાલી કરી અને મને થપ્પડ મારી. હાલ કુલવિંદરને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સીઆઈએસએફ દ્વારા CCTV ફુટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.

મીડિયા અને સોશિયલ મીડિયામાં હંમેશા હેડલાઈન્સમાં રહેનારી કંગનાએ ખેડૂતોના આંદોલનને લઈને સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે તેમણે નાગરિકતા (સંશોધન) કાયદા પર પણ સરકારને સમર્થન આપ્યું હતું. સિનેમાના પડદા પરથી રાજકારણમાં પ્રવેશેલી કંગનાએ આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહને 74,755 મતોથી હરાવ્યા છે.