રાજકોટમાં પરષોત્તમ રૂપાલાએ 4 લાખથી વધુની લીડ મેળવી, ક્ષત્રિય આંદોલનની અસર નહીં

Rupala

લોકસભાની ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા છે. ભાજપાએ રેકોર્ડબ્રેક 24 બેઠકો પર જીત મેળવી છે. સૌરાષ્ટ્રમાં સૌથી હાઈવોલ્ટેજ ગણાતી ક્ષત્રિય આંદોલનની જનક રાજકોટ બેઠક ઉપર ભાજપની ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સામા પૂરે તરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લીડે ચૂંટાયા છે. આ બેઠક ઉપરથી ક્ષત્રિય આંદોલ શરૂ થયું હતું અને દેશભરમાં ભાજપને ભીંસમાં મૂકી દીધું હતું, પરંતુ રાજકોટની બેઠક ઉપર રૂપાલાએ એકલા હાથે લડીને 4,35,000 જેવી ઐતિહાસિક લીડ મેળવી છે.

રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ 775091 મત મળવ્યા હતા. તેમજ પરેશ ધાનાણીએ 327532 મત મળવ્યા હતા. પરિણામે રૂપાલાએ 447559 મતથી આગળ રહી જીત મેળવી હતી. સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરા ભાજપ તરફથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. તેમણે 662622 મતો મેળ્યા હતા. જ્યારે ઋત્વિકભાઈ મકવાણાએ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી 402504 મત મેળવ્યા હતા. આ સાથે જ ભાજપ 260118 મતોની લીડ સાથે વિજેતા જાહેર થયું હતું.

પોરબંદરની હાઈ પ્રોફાઈલ બેઠક ઉપર ભાજપના કદાવર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો પણ કોંગ્રેસના લલિત વસોયા સામે 3.80 લાખ મતની લીડથી વિજય થયો છે. આ બેઠક ઉપર કોઈપણ જાતની ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળી ન હતી અને માત્ર 51.83 ટકા જેવું નીચું મતદાન થવા છતાં ડો.માંડવિયાને તોતિંગ લીડ મળી છે.

ભાવનગરની બેઠક ઉપર સતત 9મી વખત ભાજપનો વિજય વાવટો ફરકયો છે. ભાજપે આ બેઠક ઉપર ઉમેદવાર બદલી કરેલો અખતરો સફળ થયો છે અને નિમુબેન બાંભણીયા 3.76 લાખ મતે વિજેતા થયા છે. આ બેઠક ઉપર ભારતીબેન શિયાળની ટિકિટ કાપી નિમુબેન બાંભણીયાને ટિકિટ આપી હતી. નિમુબેનને પોણા ચાર લાખ મતની લીડ મળતાં ક્ષત્રિય આંદોલનની ખાસ અસર જોવા મળી નથી.

અમરેલી બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાએ પણ 3.20 લાખ મતની તોતિંગ લીડ મેળવી છે. આ બેઠક ઉપર કોંગ્રેસના તોખાર મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર ચૂંટણી લડતા હોવાથી ભાજપ પણ આ બેઠક નબળી માનતું હતું. જો કે મતદારોનો મિજાજ કંઈક અલગ જ હોય તેમ ભરત સુતરીયાને 3.20 લાખથી વધુ મતની લીડ આપી વિરોધીઓના મોંઢા બંધ કરી દીધા છે.

જામનગરની બેઠક ઉપરથી વર્તમાન સાંસદ પૂનમબેન માંડમ સતત ત્રીજી વખત વિજેતા બન્યા છે. પૂનમબેનને 2.35 લાખથી વધુ મતની લીડ મળી છે. આ બેઠક ઉપર કોંગ્રેસે જે.પી.મારવીયા જેવા નવા નિશાળીયા ઉપર દાવ અજમાવ્યો હતો, પરંતુ તેણે પણ શરૂઆતમાં પૂનમબેનને સારી ફાઈટ આપી હતી. અને બે ત્રણ રાઉન્ડ સુધી લીડ મેળવી હતી. પરંતુ બપોર સુધીમાં મારવીયા પાછળ રહી ગયા હતા.

જૂનાગઢની બેઠક ઉપર ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા ફરી એક વખત વિજેતા બન્યા છે. જો કે તેની લીડ સૌરાષ્ટ્રમાં સૌથી ઓછી 1.40 લાખ મત જેવી રહી છે. ક્ષત્રિય આંદોલન ઉપરાંત વેરાવળના ડો.ચગના આપઘાત કેસમાં સાંસદ ચુડાસમાનું નામ ઉછળતા આ બેઠક ઉપર ભાજપ માટે કપરા ચઢાણ મનાતા હતાં. જો કે આજે પરિણામ આવી જતાં રાજેશ ચુડાસમા સાંગોપાંગ વેતરણી પાર કરી ગયા છે.

ક્ષત્રિય સમાજનાં આંદોલનના પ્રભાવ વાળી મનાતી સુરેન્દ્રનગર બેઠક ઉપર પણ ભાજપના નવા અને નબળા મનાતા ઉમેદવાર ચંદુભાઈ શિહોરા લગભગ અઢી લાખની મતથી ચૂંટાઈ ગયા છે. આ બેઠક ઉપર કોળી સમાજમાં ચુવાળીયા અને તળપદાનો વિવાદ હતો સાથોસાથ ક્ષત્રિય આંદોલન પણ અસરકારક ભુમિકા ભજવી રહ્યું હતું. આમ છતાં ચંદુલાલ શિહોરા અઢી લાખ મતે ચુંટાઈને દિલ્હી પહોંચ્યા છે.

કચ્છની અનામત બેઠક ઉપર વધુ એક વખત ભાજપના સાંસદ વિનોદ ચાવડા 2.40 લાખથી વધુ મતે વિજેતા થયા છે. એક સમયે વિનોદ ચાવડાને ટિકિટ નહીં મળે તેવા અનુમાનો લગાવવાતા હતાં, પરંતુ ભાજપે ફરી એક વખત તેના નામ ઉપર દાવ લગાવ્યો હતો અને વિનોદ ચાવડાને લોકસભાની ટિકિટ આપી હતી. જો કે ક્ષત્રિય આંદોલને પ્રચાર દરમિયાન ભારે વિક્ષેપો ઉભા કરતાં આ બેઠક ભાજપ માટે કસોટી રૂપ બની ગઈ હતી. આમ છતાં વિનોદ ચાવડા ચૂંટાઈને ફરી દિલ્હી ભણી રવાના થયા છે.

નવસારી બેઠક ઉપર ભાજપના સી,આર.પાટીલે 8,02,826 મત મેળવ્યા હતા. જ્યારે કોંગ્રેસના નૈષધ દેસાઈએ 2,02,181 મત મેળવ્યા હતા. આમ, ભાજપના સી,આર.પાટીલે 7,01,217 મતની લીડ મેળવી હતી. જ્યારે ભરૂચમાં ભાજપના મનસુખ વસાવાને 513477 મત મળ્યા આપના ચૈતર વસાવાને 41245 મત મળ્યા હતા.

ગાંધીનગર બેઠક પરકોંગ્રેસના નેતા સોનલ પટેલ સામે અમિત શાહની 7 લાખની લીડથી જીત થઈ છે. ગુજરાતની ગાંધીનગર બેઠક 35 વર્ષથી ભાજપ પાસે છે. અમિત શાહ પહેલા આ સીટ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની હતી. વર્ષ 2019માં ભાજપે ગાંધીનગર બેઠક પરથી અમિત શાહને મેદાનમાં ઉતાર્યા હતા, ત્યારે તેઓ અડવાણીનો રેકોર્ડ તોડીને 5 લાખ મતોથી જીત્યા હતા.

આ 24 બેઠકો પર ભાજપાની જીત
અમદાવાદ પશ્ચિમ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, ખેડા, વડોદરા, વલસાડ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, નવસારી, ભાવનગર, ભરુચ, કચ્છ, બાર઼ડોલી, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ પૂર્વ, પંચમહાલ, પાટણ, આણંદ, સાબરકાંઠાની બેઠકો ઉપર ભાજપાએ જીત મેળવી હતી.