આમ આદમી પાર્ટી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ થયા બાદ હવે પાર્ટીના પદાધિકારીઓની મુશ્કેલીઓ વધી શકે છે. પાર્ટીના સંયોજક હોવાના નાતે અરવિંદ કેજરીવાલની મુશ્કેલી હજુ વધી શકે છે
EDએ દિલ્હીના કથિત શરાબ કૌભાંડ મામલે મોટી કાર્યવાહી કરી છે. EDએ શુક્રવારે આમ આદમી પાર્ટી અને તેના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. EDએ રાઉઝ એવેન્યૂ કોર્ટમાં દાખલ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે સાથે હવે તેમની પાર્ટી (AAP)ને પણ આરોપી બનાવવામાં આવી છે.
ED દ્વારા દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં વધુ એક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ પહેલો પ્રંસગે છે જ્યારે કોઈ રાજકીય પક્ષને PML કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કથિત કૌભાંડમાં પહેલી વખત દિલ્હીના મુખ્યમંત્રીને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. ED દ્વારા દાખલ આ કેસમાં આ આઠમો આરોપ પત્ર છે. ED મુજબ આ ચાર્જશીટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ થયા બાદ હવે પાર્ટીના પદાધિકારીઓની મુશ્કેલીઓ વધી શકે છે. પાર્ટીના સંયોજક હોવાના નાતે અરવિંદ કેજરીવાલની મુશ્કેલી હજુ વધી શકે છે. ઈડીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, ‘તેને આબકારી નીતિ મામલે આરોપીની કથિત આવકના સંબંધમાં અરવિંદ કેજરીવાલ અને હવાલા ઓપરેટરો વચ્ચે ચેટ અંગે જાણ થાય છે.’ તપાસ એજન્સીએ દાવો કર્યો કે, જ્યારે કેજરીવાલે પોતાના ફોન અને અન્ય ઉપકરણોનો પાસવર્ડ આપવાની ના પાડી તો હવાલા ઓપરેટરોએ ડિવાઈસથી ચેટ મેળવી.
સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને ચૂંટણી પ્રચાર માટે 1 જૂન સુધીના વચગાળાના જામીન આપ્યા હતા. તેમની જામીનનો વિરોધ કરતા EDએ કહ્યું હતું કે તેઓ આ કૌભાંડમાં ટૂંક સમયમાં જ આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવા જઈ રહી છે. ED અત્યાર સુધીમાં આ મામલે સાત આરોપ પત્ર દાખલ કરી ચુક્યું છે.
ઈડી તરફથી રજૂ થતા સૉલિસિટર જનરલ એસવી રાજૂએ ગુરૂવારે (16 મે) સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની પીઠને કહ્યું કે, ‘અમે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવાનો પ્રસ્તાવ કરી રહ્યા છીએ.’
EDએ પોતાના આઠમા આરોપપત્રમાં કહ્યું કે, મનીષ સિસોદિયા અને કે કવિતાની સાથે અરવિંદ કેજરીવાલ પણ આ મામલાના માસ્ટરમાઈન્ડ છે. સાથે જ કહ્યું કે PMLAની કલમ 70 અંતર્ગત આમ આદમી પાર્ટી કંપનીન રુપમાં કેસ ચલાવ્યા બાદ ઉત્તરદાયી છે. EDનું કહેવું છે કે તપાસથી ખ્યાલ આવે છે કે આ કૌભાંડથી પ્રાપ્ત આવકનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ ગોવા ચૂંટણી અભિયાનમાં કર્યો હતો.
એસવી રાજૂએ દાવો કર્યો હતો કે, તપાસ એજન્સીની પાસે આ સાબિત કરવા માટે જરૂરી પૂરાવા છે કે કેજરીવાલને 100 કરોડ રૂપિયાની લાંચની માંગ કરી હતી, જેનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ ગોવા વિધાનસભા ચૂંટણી અભિયાનમાં કર્યો હતો. એસવી રાજૂએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, ‘અમારી પાસે પ્રત્યક્ષ પ્રમાણ છે કે કેજરીવાલ એક સેવેન સ્ટાર હોટલમાં રોકાયા હતા, જેના બિલની અમૂક ચૂકવણી એક આરોપીએ કરી હતી.’