સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટીમમાંથી સંન્યાસની જાહેરાત, કુવૈત સામે છેલ્લી મેચ રમશે

Captain Sunil Chhetri

ભારતીય પુરૂષોની સિનિયર ફૂટબોલ ટીમના કેપ્ટને ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. સુનીલ છેત્રી આવતા મહિને 6 જૂને કુવૈત સામે તેની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ કરિયરની છેલ્લી મેચ રમશે.

ભારતીય ફૂટબોલ પ્રશંસકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતીય પુરૂષોની સિનિયર ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આવતા મહિને 6 જૂને કુવૈત સામે તેની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ કરિયરની છેલ્લી મેચ હશે. છેત્રીએ પોતે પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને આ જાણકારી આપી છે.

સુનિલે વર્ષ 2002માં એક એમેચ્યોર તરીકે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું. પોતાનો પહેલો આંતરરાષ્ટ્રીય ગોલ 20 વર્ષની ઉંમરે કર્યો હતો. સુનિલે 2008 ની એફસી ચેલેન્જ કપ ફાઇનલમાં તજાકિસ્તાન સામે ત્રણ ગોલ કર્યા હતા. આ ગોલના આધારે ભારતીય ટીમ 27 વર્ષ બાદ AFC એશિયન કપ માટે ક્વોલિફાય થઈ હતી. 2010-11 માં, સુનિલને ફૂટબોલ લીગના કેન્સાસ સિટી વિઝાર્ડ્સ દ્વારા તેમની ટીમ માટે કરારબદ્ધ કરવામાં આવ્યો હતો. ભારતની આઝાદી પછી, તે વિદેશમાં કોઈ પ્રોફેશનલ લીગમાં જોડાનાર બીજા ખેલાડી બન્યા.

2018 માં ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ દરમિયાન, સુનીલ ડેવિડ વિલા સાથે વિશ્વનો ત્રીજો સૌથી વધુ સક્રિય આંતરરાષ્ટ્રીય ગોલ સ્કોરર બન્યો. હાલમાં જ 4 જૂને સુનીલે તેની 100મી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. કેન્યા સામેની આ મેચમાં તેણે બે ગોલ કર્યા હતા. તે તેની 100મી આંતરરાષ્ટ્રીય મેચ રમનાર બીજો ભારતીય ફૂટબોલ ખેલાડી છે.

છેત્રીએ તેની શાનદાર કારકિર્દીમાં છ વખત એઆઈએફએફ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. આંતરરાષ્ટ્રીય મંચ પર, છેત્રી 2008માં AFC ચેલેન્જ કપ, 2011 અને 2015માં SAFF ચેમ્પિયનશિપ, 2007, 2009 અને 2012માં નેહરુ કપ તેમજ 2017માં ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ જીતનારી ભારતીય ટીમોનો ભાગ રહી ચૂક્યો છે.

9 મિનિટ 51 સેકન્ડના આ વીડિયોમાં તે પોતાની ફૂટબોલ કારકિર્દી વિશે માહિતી આપી રહ્યો છે. અત્યાર સુધીમાં લાખો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.