ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન, કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો, વૃક્ષો અને વીજપોલ ધરાશાયી

gujarat-unseasonal-rain

ભાવનગર, અમરેલી,ગીર સોમનાથ સહિતના કેટલા જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ
બોટાદમાં ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો

અમદાવાદ-ગાંધીનગરમાં તેજ પવન ફૂંકાતા આંધી જેવો માહોલ સર્જાયો, વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો અટવાયા

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમ તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને આજે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના કેટલા વિસ્તારોમાં આજે બપોર બાદ ભારે પવન ફૂકાયો હતો. તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં અંબાજી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તો ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ છવાયો છે.

અમદાવાદમાં સાંજે 4 વાગ્યા પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરતા દિવસભર કાળઝાળ ગરમીથી ત્રસ્ત શહેરીજનોએ રાહત અનુભવી હતી. શહેરના રાણીપ, ઘાટલોડિયા, નારણપુરા, ગોતા, એસજી હાઈવે, સાયન્સ સિટી, શાહીબાગ, ગોતા, ચાંદખેડા, ઝૂંડાલ સહિતના વિસ્તારોમાં વિસ્તારોમાં તેજ પવન ફૂંકાતા આંધી જેવો માહોલ સર્જાયો હતો. ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતાં શહેરમાં ધૂળિયું વાતાવરણ છવાઈ ગયું હતુ. જેના પગલે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો અટવાયા હતા.

આજે બપોર બાદ ભાવનગર, બોટાદ, અમરેલી, વલસાડ, સાબરકાંઠા-હિંમતનગર, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ સહિતના જિલ્લાઓ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતો ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે. આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને ઠંડકનો અનુભવ થયો છે.

સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન થતું હોય છે અને ખાસ કરી અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ કેસર કેરીનો ઉત્પાદન થાય છે. ત્યારે કમોસમી વરસાદને લઈને મોટા પ્રમાણમાં કેરીના પાકને નુકસાનની રીતે પણ જોવાય રહી છે.

બોટાદનાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગાજવીજ બાદ અનેક વિસ્તારમાં વરસાદ સાથે કરા પડ્યા છે, ભારે પવનનાં કારણે ત્રણથી ચાર જગ્યાએ વૃક્ષ ધરાશાય થયા હતા. એમ.ડી સ્કુલ પાસે વૃક્ષ ધરાશાયી થયું હતું. લાઠીના મતીરાળામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મતીરાળા ગામમાં કરા સાથે વરસાદ થયો છે. ઉનાળામાં કરા સાથે વરસાદ પડતાં મતીરાળા ગામની શેરીઓમાં નદીઓ વહે તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. કોઈ જાનહાનીનાં કોઈ સમાચાર મળ્યા નથી.

આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 16 મે સુધી વરસાદ પડવાની આગાહી કરાઈ છે. ઉત્તર અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસવાની શક્યતા કરવામાં આવી છે. આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરેલી છે. તો આ વર્ષે રાજ્યમાં પાંચ મહિનામાં આ ચોથી વખત કમોસમી વરસાદ પડ્યો છે.