વૈજ્ઞાનિકોએ સૌર તોફાનને લઈને એલર્ટ જાહેર કર્યું છે, રવિવાર સુધીમાં આ સૌર તોફાન પૃથ્વી સાથે ટકરાઈ શકે છે
વીજળી સપ્લાય ખોવાઈ શકે, જીપીએસ સિસ્ટમ, અંતરિક્ષ યાનને લઈને પણ વધારે ખતરો
કમ્યુનિકેશન સેટેલાઈટ અને પાવર ગ્રિડ્સને નુકસાનની ભીતિ, અવકાશયાત્રીઓને ખતરો
Solar Storm: 20 વર્ષ બાદ પછી સૌથી શક્તિશાળી સૌર વાવાઝોડું પૃથ્વી સાથે ટકરાશે. અમેરિકન એજન્સીએ જણાવ્યું કે આ સૌર તોફાન અઠવાડિયાના અંતમાં પૃથ્વી સાથે ટકરાશે. તેના કારણે અમેરિકાથી લઈને બ્રિટન સુધી આકાશમાં ચમકતો નજારો જોવા મળ્યો છે. આ સૌર તોફાનની અસર સપ્તાહના અંત સુધી રહેશે અને તેની અસરથી ઘણી જગ્યાએ કમ્યુનિકેશન સેટેલાઈટ અને પાવર ગ્રીડને નુકસાન થઈ શકે છે. જેના કારણે સંદેશાવ્યવહાર ખોરવાઈ શકે છે અને ઘણા વિસ્તારો અંધકારમાં ડૂબી શકે છે.
શુક્રવારે 12:37 પહેલુ તોફાન પૃથ્વી પર ટકરાયુ હતું. નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) ના સ્પેસ વેધર પ્રિડિક્શન સેન્ટર પ્રમાણે પૃથ્વી પર આ તોફાન અનેક કોરોનલ માસ ઈજેક્શનના કારણે આવ્યું છે. કોરોનલ માસ ઈજેક્શન એટલે સૂર્યના જ્વાળાઓમાં વધારો થવાને કારણે સૂર્યની સપાટી પરથી પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્રનુ નીકળવુ. જેના કારણે અરોરા દેશના ઉત્તરીય અડધા ભાગ પર અને કદાચ દક્ષિણમાં અલાબામાથી ઉત્તરી કેલિફોર્નિયા સુધી દેખાઈ શકે છે.
NOAAએ આ ચુંબકીય તોફાનને G4 કેટેગરી ગણાવ્યું છે. જીઓમેગ્નેટિક વાવાઝોડાને G1 થી G5 ના સ્કેલ પર માપવામાં આવે છે, જેમાં G5 તોફાન સૌથી ગંભીર શ્રેણી નું માનવામાં આવે છે. NOAAએ ચેતવણી આપી છે કે સૌર વાવાઝોડાથી પૃથ્વી પરના ઉપગ્રહો અને પાવર ગ્રીડને અસર થઈ શકે છે.
NOAAનું અનુમાન છે કે, આવનારા દિવસોમાં વધુ સૌર તોફાનો આવી શકે છે. સૌર તોફાનના કારણે ઓસ્ટ્રેલિયા અને ઉત્તર યુરોપમાં ધ્રુવીય જ્યોતિ (Auroras)ઘટનાઓ જોવા મળી હતી. ધ્રુવીય જ્યોતિની ઘટનામાં સૂર્યમાંથી આવતા પાર્ટિકલ્સ જ્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે ત્યારે તેના કારણે જે પ્રતિક્રિયા આવે છે તેની અસરથી સૂર્યમાંથી આવતા પાર્ટિકલ્સ ચમકદાર રંગ-બેરંગી રોશનીના રૂપમાં નજર આવે છે.
પૃથ્વી પર શું અસર થશે?
સૂર્યની તીવ્ર જ્વાળાઓ એક મજબૂત જીઓમેગ્નેટિક ક્ષેત્ર બનાવે છે, જે પૃથ્વીના ઉપરના વાતાવરણના ભાગને વિક્ષેપિત કરે છે. આનાથી સંચાર અને જીપીએસ પર તાત્કાલિક અસર થઈ શકે છે. આ સાથે સૂર્યમાંથી છૂટી પડતી અમર્યાદિત ઉર્જા અવકાશયાનના ઈલેક્ટ્રોનિક્સ પાર્ટને પણ ખોરવી શકે છે. અવકાશયાત્રીઓ 20 મિનિટથી કેટલાક કલાકો સુધી પ્રભાવિત થઈ શકે છે.
અમેરિકન સ્પેસ એજન્સી નાસાની સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીએ સૂર્યમાં આ વિસ્ફોટની તસવીર કેપ્ચર કરી છે. નાસાએ જણાવ્યું હતું કે 10 મે શુક્રવાર, 2024 ના રોજ સૂર્યએ એક તેજસ્વી જ્વાળા બહાર કાઢી હતી, જે સ્થાનિક સમય અનુસાર સવારે 2.54 વાગ્યે તેની ટોચ પર હતી. વૈજ્ઞાનિકો આગામી દિવસોમાં પૃથ્વી પર વધુ કોરોનલ માસ ઇજેક્શનની અપેક્ષા રાખે છે. સૂર્યનુ વર્તમાન ચક્ર જેનું નામ સોલાર સાયકલ 25 છે, તે અપેક્ષા કરતાં વધુ પ્રવૃત્તિથી ભરેલું છે. વિજ્ઞાનીઓએ અગાઉના ચક્ર કરતાં આ વખતે વધુ સનસ્પોટ્સ ટ્રેક કર્યા છે.
સૌર વાવાઝોડાના સંપૂર્ણ વિશ્લેષણ પછી, નાસાએ કહ્યું છે કે તે આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશન પર સવાર ક્રૂ માટે કોઈ ખતરો નથી અને કોઈ વધારાના સાવચેતીના પગલાંની જરૂર નથી. નાસા અતંરિક્ષ યાત્રીઓને સ્ટેશનની અંદર જ રહેવા માટે કહેવામાં આવી શકે છે. નાસાએ કહ્યું કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ગ્રહ પરના જીવનને અવકાશમાંથી આવતા કિરણોત્સર્ગથી સુરક્ષિત કરે છે. જો કે, સ્પેસ સ્ટેશન પૃથ્વીથી આશરે 400 કિલોમીટર ઉપર ભ્રમણ કરે છે. તેમ છતાં, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની નિકટતાને કારણે તેને થોડું રક્ષણ મળે છે. સૌર જ્વાળાને પૃથ્વી સુધી પહોંચવામાં 8 મિનિટ લાગે છે, જેનો અર્થ છે કે સૌથી તાજેતરની જ્વાળા પસાર થઈ ગઈ છે. આ વધેલી રોશનીથી ક્રૂ માટે કોઈ ખતરો નથી.
આ પહેલા ઓક્ટોબર 2003માં એક સૌર તોફાન પૃથ્વી સાથે અથડાયુ હતું. આ સૌર તોફાનને હેલોવીન તોફાન નામ આપવામાં આવ્યું હતું અને તેના કારણે આખા સ્વીડનમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને આ સાથે જ દક્ષિણ આફ્રિકામાં પાવર ગ્રિડ્સને પણ મોટા પાયે નુકસાન થયું હતું.
અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી તોફાન જેને કેરિંગટન ઈવેન્ટના નામથી ઓળખાય છે. આ તોફાન સપ્ટેમ્બર 1859માં ધરતી સાથે અથડાયુ હતું. આ તોફાનની અસરથી ટેલિગ્રાફ લાઈનોમાં અત્યધિક કરંચના કારણે ટેકનિશિયનોને વીજળીને જોરથી ઝટકો લાગ્યો હતો અને કેટલાક ટેલિગ્રાફ સાધનોમાં આગ પણ લાગી ગઈ હતી.