રુપાલાએ પક્ષ માટે માફી માંગી છે, જે તેમની ગંદી રાજનીતિ દર્શાવી રહી છેઃ સંકલન સમિતિ

rupala-vs-sankalan-samiti

મત એ જ શસ્ત્ર સમજીને શાંતિપૂર્ણ મતદાન એ અમારી રણનીતિનો એક ભાગ હતો
આજદીન સુધી એકપણ વખત ક્ષત્રિય સમાજની સામાજિક સંસ્થા વચ્ચે જઈને માફી નથી માંગી

ગુજરાતમાં લોકસભા ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ લોકસભાની ચૂંટણીમાં પરષોત્તમ રુપાલાને લઈને ક્ષત્રિયોનો વિરોધ સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો છે. મતદાનમાં પણ રુપાલા વિરોધની અસર જોવા મળી હતી, ત્યારે મતદાન પૂર્ણ થતા જ પરષોત્તમ રુપાલાએ પ્રેસ કોન્ફરન્સમાં ફરી એક વાર ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. તો બીજી તરફ સંકલન સમિતિએ રૂપાલાની માફીને રાજકીય ગણાવી હતી.

રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ આજે વધુ એક વખત મીડિયા સમક્ષ ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. બીજી તરફ રુપાલાએ માફી માગ્યા બાદ રાજકોટ ખાતે રાજપૂત સમાજની સંકલન સમિતિએ પણ પત્રકાર પરિષદ સંબોધી હતી અને પરષોત્તમ રુપાલા ગંદી રાજનીતિ ખેલી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

સંકલન સમિતિના સભ્ય દેવેન્દ્રસિંહ જાડેજાએ રૂપાલાની માફીને રાજકીય ગણાવતા જણાવ્યું હતુ કે, રૂપાલાને ક્ષત્રિય સમાજ માફી ક્યારે આપશે તે હવે પછીની બેઠકમાં નક્કી કરવામાં આવશે. આ મામલે સંકલન સમિતિના બધા સભ્યો બેઠક કરીને આગળની રણનીતિ નક્કી કરશે. અમે દરેક વાતો ભૂલવા તૈયાર છીએ, પરંતુ બહેનોની અસ્મિતાની વાત આવે, ત્યારે કોઈ પણ કોમ્પ્રોમાઈઝ કરવા સમાજ તૈયાર નથી. કોઈ રીતે માફી સ્વીકાર્ય નથી. આજે પણ અમારા એકપણ બહેનોની માફી તેમણે માંગી નથી. તેઓ કોઈ ચોક્કસ વોટિંગ વર્ગને ખુશ કરવા માટે માફી માંગતા હોય તેવું લાગી રહ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે શાંતિપૂર્ણ મતદાન અમારી રણનીતિનો એક ભાગ હતો. અમે કોઈ પણ જાતના ઉશ્કેરાટ વિના મત એ જ શસ્ત્ર સમજીને અમે શાંતિપૂર્ણ રીતે મતદાન કરાવ્યું છે. આ સાથે તેમણે રુપાલાની માફી વિશે જણાવ્યું કે, તેઓએ ક્ષત્રિય સમાજના કોઈ પ્લેટફોર્મ ઉપરથી માફી ક્યારેય માંગી નથી. આજે પણ તેમણે મીડિયા દ્વારા મધ્યસ્થ કાર્યાલય ખાતેથી પ્રેસ કરી માફી માંગી છે. આજે પણ તેમને પક્ષ માટે માફી માંગી છે, જે તેમની ગંદી રાજનીતિ દર્શાવી રહી છે.

આ સાથે જ સંકલન સમિતિના મહિલા આગેવાન ભાર્ગવીબા ગોહિલે જણાવ્યું કે, રુપાલાએ ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ પર કરેલી અભદ્ર ટિપ્પણી બાદ તેમણે આજદીન સુધી એકપણ વખત ક્ષત્રિય સમાજની સામાજિક સંસ્થા વચ્ચે જઈને માફી નથી માંગી. રુપાલા દરેક વખતે મીડિયા સમક્ષ માફી માગીને પોતાની ગંદી રાજનીતિ ખેલી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. રુપાલા દરેક વસ્તુને રાજકારણ સાથે તોલી રહ્યાં છે. આજે રુપાલા દ્વારા જે માફી માંગવામાં આવી, તે પણ તેમની રાજકીય માફીનો એક ભાગ છે. જે તેમણે ભાજપ માટે માંગી હોય, તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પરષોત્તમ રુપાલા સહિત અન્ય આગેવાનો દ્વારા ક્ષત્રિય સમાજના આંદોલનને તોડી પાડવા અનેક નિષ્ફળ પ્રયત્નો કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, મારા એક નિવેદનના કારણે આખી ચૂંટણી દરમિયાન વિવાદના વમળો સર્જાયા. પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે, મારી ભૂલથી વડાપ્રધાન મોદીને સાંભળવુ પડ્યું, એ વાતનું મને દુખ છે. આ મારી ભૂલ છે. મારા કારણે મારી પાર્ટીને સહન કરવું પડ્યું. જે મારા માટે સૌથી કષ્ટદાયક છે. આ પરિસ્થિતિ માટે હું જ જવાબદાર છું.