રાજ્યની તમામ શાળાઓમાં 9 મે થી 12 જૂન સુધી ઉનાળું વેકેશન, 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરાયું

summer-vacation

13 જૂનથી શાળાના નવા સત્રનો પ્રારંભ થશે
અગાઉ ઉનાળુ વેકેશન 6 મે 2024થી 9 જૂન 2024 સુધી જાહેર કરવામાં આવ્યું હતું

રાજ્યની સરકારી શાળાઓમાં ઉનાળું વેકેશનની તારીખ આજે જાહેર કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં આગામી 9મી મેથી 12 જૂન દરમિયાન ગુજરાત રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ઉનાળુ વેકેશન આપવામાં આવ્યું છે.

રાજ્યમાં 9 મેથી કોલેજોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે શાળાઓમાં ઉનાળું વેકેશન ક્યારથી થશે તે અંગે કોઇ નિર્ણય કરવામાં ન આવતા શિક્ષકો મુંઝવણમાં મુકાયા હતા. ગઇકાલે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા પણ સત્વરે ઉનાળું વેકેશ જાહેર કરવામાં આવે તેવી માગ કરી હતી. ત્યારે આજે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગની જાહેરાત મુજબ આગામી 9મી મે 2024થી 12 જૂન 2024 દરમિયાન રાજ્યમાં ઉનાળુ વેકેશન રહેશે. આમ, 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરાયુ છે. તો સાથે સાથે, 13મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.

ઉનાળુ વેકેશનને લઈને નાયબ શિક્ષણ નિયામકે વેકેશનને લઈ પરિપત્ર જાહેર કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર અનુસાર, શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર મુજબ શૈક્ષણિક વર્ષ 2023-24માં ઉનાળુ વેકેશન 6 મે 2024થી 9 જૂન 2024 સુધી જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ ઉપરોક્ત તારીખોમાં ફેરફાર કરીને તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન આગામી 9 મે 2024થી12 જૂન 2024 સુધી જાહેર કરવામાં આવે છે. જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ઉનાળુ વેકેશનનો સમયગાળો: તા. 09/05/2024 થી તા. 12/06/2024 સુધી (35 દિવસ) સુધી રહેશે. તા. 13/06/2024ના રોજથી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે.