સમાજવાદી પાર્ટીના નેતાના વિવાદિત નિવેદનથી હોબાળો, ઉમેદવાર સામે ફરિયાદ દાખલ
લોકસભા ચૂંટણી 2024નો પ્રચાર દેશભરમાં જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે સમાજવાદી પાર્ટીના ઉમેદવારનો એક ધમકી આપતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેઓ વીડિયોમાં બોલી રહ્યા છે કે, જો આ વખતની ચૂંટણીમાં ગરબડ થશે તો મતગણતરી કેન્દ્રમાંથી મારી અથવા કલેક્ટરની લાશ બહાર આવશે.
શનિવારે સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશની બલિયા બેઠક પર સનાતન પાંડેને ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યારબાદ સનાતન પાંડેએ બલિયા પહોંચીને કહ્યું કે, ‘ગત ચૂંટણીમાં હું તમારો જીતેલો ઉમેદવાર હતો, પરંતુ તે સમયે પણ ભાજપની સરકાર હતી. તે સમયે અહીંના કલેક્ટર દબાણમાં આવી ગયા હતા અને તેમણે ચૂંટણી પરિણામમાં ફેરબદલ કરવાનું કામ કર્યું હતું. હું જ્યારે મતગણતરી કેન્દ્રમાંથી બહાર આવી રહ્યો હતો, ત્યારે ભાજપના લોકો દ્વારા મારા પર ડંડાથી હુમલો કરાવાયો હતો, જેના કારણે મારી ગાડીના કાચ તૂટી ગયા હતા.’
વધુમાં તેમણે કહ્યું કે, ‘હું વર્ષ 2019ની લોકસભા ચૂંટણી જીતી ગયો હતો, પરંતુ જિલ્લા વહિવટીતંત્રએ સત્તાના દબાણમાં આવી જાણીજોઈને ષડયંત્ર રચી મને હારેલો જાહેર કર્યો હતો. જો આ વખતની ચૂંટણીમાં કંઈ ગડબડ થશે તો મતગણતરી કેન્દ્રમાંથી મારી અથવા કલેક્ટરની લાશ બહાર આવશે. હવે અમારા પર સરકારના ડંડા નહીં, ચૂંટણી પંચના ડંડા ચાલશે. અગાઉ ચૂંટણી પંચની દેખરેખ હેઠળ ચૂંટણી યોજાતી હતી, પરંતુ અહીંનું વહીવટીતંત્ર ભાજપ સરકારના દબાણ હેઠળ આવી ગયું હતું અને અમારા પરિણામ બદલી નાખ્યા હતા. અમે તે વ્યવસ્થાનું અપમાન કરવા નહોતા માંગતા, તેથી તે ચૂંટણીમાં હાર સ્વિકારી લીધી હતી.’
તેમનો વીડિયો સામે આવ્યા બાદ કોતવાલી પોલીસે પાંડે સામે હેટ સ્પીચ મામલે ફરિયાદ નોંધી છે અને તેમની સામે આચાર સંહિતાનો ભંગ, કલમ-144 હેઠળ ધમકી અને લોકપ્રતિનિધિત્વની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરાઈ છે. સિવિલ લાઈન્સ ચોકીના ઈન્ચાર્જ માખન સિંહની ફરિયાદ પર સપા ઉમેદવાર વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.