પ્રિયંકા ગાંધીએ વલસાડનાં ધરમપુરમાં સભા સંબોધી, મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર

PriyankaGandhi

જો ફરી વાર મોદી સરકાર આવશે તો તમે જ્યાં છો ત્યાં જ રહેશોઃ પ્રિયંકા ગાંધી
ભાજપ સંવિધાન બદલીને લોકતંત્ર નબળું પાડવા માંગે છેઃ પ્રિયંકા ગાંધી

દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે. વલસાડ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. અનંત પટેલને જંગી બહુમતી સાથે જિતાડવા માટે કોંગ્રેસનાં સ્ટારપ્રચારક પ્રિયંકા ગાંધી આજે વલસાડમાં ધરમપુર પહોંચ્યા હતા. ​​​​​​ હેલિકોપ્ટરમાં ખામી સર્જાતાં તેઓ સુરત એરપોર્ટ પર પહોંચ્યાં હતાં, જ્યાથી તેઓ બાય રોડ ધરમપુરમાં પહોંચ્યા હતાં, જ્યાં તેમણે દરબાર ગઢમાં યોજાયેલી સભામાં સંબોધન કરતા મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

પ્રિયંકા ગાંધીએ વલસાડના ધરમપુર ખાતે સભા સંબોધતા કહ્યું હતુ કે, “જો ફરી વાર મોદી સરકાર આવશે તો તમે જ્યાં છો ત્યાં જ રહેશો.” તેમણે કહ્યું હતું કે, “હું મારા મનની વાત મૂકવા આવી છું. ચૂંટણી ટાણે અનેક વાતો થઈ રહી છે. એક તીર એક કમાન આદિવાસી એક સમાન. તમે બધા ઘણા દૂર બેઠા છો પણ મારા દિલની નજીક છો. તમે લોકો દેશ અને સનાતન માટે લડ્યા છો.” આ પ્રસંગે પ્રિયંકા ગાંધીએ કહ્યું હતુ કે 45 વર્ષમાં બેરોજગારી આપડા દેશમાં સૌથી વધારે છે. પ્રિયંકા ગાંધીએ આ દરમિયાન એક નારો આપ્યો હતો કે એક તીર,એક કમાન, આદિવાસીઓ એક સમાન.

રેલીને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતુ કે ઇન્દિરાજી દુર્ગમ વિસ્તારોમાં પણ આદિવાસીઓ વચ્ચે પહોંચતા હતા. જનતા સર્વોપરી તે કૉંગ્રેસની પરંપરા છે. ભાજપને સત્તાની ચિંતા, જનતાની નહીં. નામ લીધા વગર પ્રિયંકા ગાંધીએ ગૌતમ અદાણી પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ સરકારે દેશના બંદરો અને એરપોર્ટ આપી દીધા. વડાપ્રધાન મોદીએ ગરીબોના નહીં, કરોડપતિ મિત્રોના રૂપિયા માફ કર્યા છે.

વધુમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, “આજે દેશમાં મોંઘવારી અને બેરોજગારી ખૂબ જ વધી ગઈ છે. ભાજપના નેતા દરેક જગ્યાએ કહી રહ્યા છે કે સંવિધાન બદલવાનું છે. ભાજપ સંવિધાન બદલીને લોકતંત્ર નબળું પાડવા માંગે છે. ભાજપે છેલ્લા દસ વર્ષમાં તમારા અધિકારોને મજબૂત બનાવવા માટે કોઈ કામ કર્યું જ નથી. ભાજપે લોકતંત્રને બચાવતી તમામ સંસ્થાઓને નબળી પાડી છે. જો ફરીવાર મોદી સરકાર આવશે તો તમે જ્યાં છો ત્યાં જ રહેશો.”

પ્રિયંકાએ મીડિયા પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે ટીવી પર દેખાતા દ્રશ્યો અને જમીની હકિકત અલગ છે. મોંઘવારી સહિતના મુદ્દાઓને મહત્વ આપવામાં આવતું નથી. આજના દિવસે સૌથી વધુ બેરોજગારી છે. આદિવાસીઓના જમીન અને જંગલ છિનવાયા છે. જ્યા જ્યા ભાજપની સરકાર ત્યા આદિવાસીઓ પર અત્યાચાર થાય છે. અનંત પટેલ સંઘર્ષ સાથે આગળ વધી રહ્યા છે. ગરીબોને ન્યાય અપાવવા કૉંગ્રેસે ન્યાય પત્ર બનાવ્યુ છે. ગરીબોને ન્યાય અપાવવા રાહુલે ન્યાય યાત્રા કાઢી હતી.

મોંઘવારી અને બેરોજગારી મુદ્દે પ્રિયંકા ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. પ્રિયંકાએ કહ્યું કે ચૂંટણી આવે છે ત્યારે જ ભાજપને ગરીબો માટે હમદર્દી થાય છે. ચપટી વગાડતા યુદ્ધ રોકાવનાર ચપટી વગાડી મોંઘવારી ઘટાડે. બંધારણે તમામને એક સમાન અધિકાર આપ્યો છે. જળ,જંગલ અને જમીનનો અધિકાર બંધારણે આપ્યો છે.