પૂનમ મહાજનની ટિકિટ કપાઈ, ભાજપે લોકસભા ચૂંટણીને લઈને પોતાના ઉમેદવારની 15મી યાદી જાહેર કરી
મહારાષ્ટ્રમાં મુંબઈની નોર્થ સેન્ટ્રલ બેઠક પરથી ભાજપ નેતા પૂનમ મહાજનની ટિકિટ રદ કરવામાં આવી છે. ભાજપે હવે અહીંથી ઉજ્જવલ નિકમને ટિકિટ આપી છે. ઉજ્જવલ નિકમ દેશના ઘણા હાઈ-પ્રોફાઈલ કેસોમાં વકીલ રહી ચૂક્યાં છે. પ્રમોદ મહાજનની પુત્રી પૂનમ મહાજન આ બેઠક પરથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે. હાલમાં પણ તેઓ આ બેઠક પરથી સાંસદ છે.
લોકસભા ચૂંટણીને લઈને ભાજપે આજે પોતાના કેન્ડિડેટ્સની 15મી યાદી જાહેર કરી છે. ભાજપે મહારાષ્ટ્રમાં વધુ એક બેઠક માટે તેના ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપે પૂનમ મહાજનની ટિકિટ કાપી છે. જ્યારે આતંકી કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમને મુંબઈ નોર્થ સેન્ટ્રલ પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ઉજ્જવલ નિકમ દેશના સૌથી જાણીતા સરકારી વકીલોમાંથી એક છે. તેઓ આતંકી અજમલ કસાબને ફાંસી અપાવવાથી લઈને 1993ના બોમ્બ વિસ્ફોટ, ગુલશન કુમાર હત્યાકાંડ અને પ્રમોદ મહાજન હત્યાકાંડ જેવા હાઈ પ્રોફાઈલ કેસમાં સરકારી પક્ષ તરફથી કેસ લડી ચુક્યા છે.
મળતી માહિતી મુજબ ભાજપે હાલના સાંસદ પૂનમ મહાજનને હટાવવાનો નિર્ણય કર્યો છે. તેના વિરુદ્ધ ભાજપના અનેક ચૂંટણી સર્વેમાં નેગેટિવ રેટિંગ જોવા મળી હતી. પૂનમ મહાજન 2006માં પિતા પ્રમોદ મહજાનની હત્યા બાદ ભાજપમાં સામેલ થયા હતા. 2009માં પહેલી વાર ઘાટકોપર વેસ્ટથી સંસદની ચૂંટણી લડ્યા હતા, પરંતુ હાર્યા હતા. ત્યાર બાદ વર્ષ 2014માં મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટથી તેમણે કોંગ્રેસની પ્રિયા દત્તાને હરાવ્યા હતા.
પૂનમ ટ્રેન્ડ પાયલટ છે. જેની ટ્રેનિંગ તેમણે અમેરિકાના ટેક્સાસમાં લીધી છે. તેની પાસે 300 કલાક ફ્લાઈંગનો અનુભવ છે. વર્ષ 2012માં બ્રાઈટન સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટથી બીટેકની ડિગ્રી પૂરી કરી હતી.
કોંગ્રેસે મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી વર્ષા ગાયકવાડને મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા સીટ પરથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. મુંબઈ ઉત્તર મધ્યથી વર્ષા ગાયકવાડના પિતા એકનાથ પણ સાંસદ હતા.
અત્યાર સુધીનો ઈતિહાસ જોવા જઈએ તો મુંબઈ નોર્થ સેન્ટ્રલ લોકસભા સીટ પર કોઈ એક પાર્ટીનો દબદબો નથી. એક વખત અહીં ભાજપ જીતે છે તો એક વખત કોંગ્રેસ. શિવસેના અને આરપીઆઈના ઉમેદવાર પણ અહીંથી જીતવામાં સફળ રહ્યાં છે. 2019ની લોકસભા ચૂંટણીમાં આ સીટ પર પૂનમ મહાજનની જીત થઈ હતી. તેમણે કોંગ્રેસ નેતા પ્રિયા દત્તને માત આપી હતી. પૂનમ મહાજનને 4,86,672 વોટ મળ્યાં હતાં તો પ્રિયા દત્તને 3,56,667 વોટ મળ્યાં હતાં.
મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટ 2014માં ભાજપની પૂનમ મહાજને જીતી હતી તો 2009માં કોંગ્રેસના સુનીલ દત્તની પુત્રી પ્રિયા દત્તે બાજી મારી હતી. પ્રિયા દત્તે ભાજપના મહેશ રામ જેઠમલાનીને હરાવ્યા હતા. જ્યારે 2004માં આ સીટ પરથી એકનાથ ગાયકવાડ, 1999માં શિવસેનાના મનોહર જોશી તો 1998માં આરપીઆઈના રામદાસ અઠાવલેએ કબજો જમાવ્યો હતો. 1996માં શિવસેનાના નારાયણ અઠાવલેએ તો 1991માં કોંગ્રેસના શરદ દિઘેને જીત મળી હતી. 1989માં શિવસેનાના વિદ્યાધર ગોખલેએ ઘણાં જ ઓછા માર્જિનથી કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા. તો 1984માં કોંગ્રેસના શરદ દિઘેએ અહીંથી જીત મેળવી હતી. 1980માં જનતા પાર્ટીની પ્રમિલા મુધ દંડવતેએ કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા તો 1977માં આ સીટ પર સીપીઆઈ(એમ)ના અહિલ્યા રાંગેકરની જીત થઈ હતી.