બિનહરીફ ચૂંટાયેલા 35 ઉમેદવારોમાંથી અડધા ઉમેદવાર કોંગ્રેસના હતા
સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીત્યા બાદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે લોકો પાસેથી તેમના નેતા પસંદ કરવાનો અધિકાર છીનવી લેવો તે બંધારણને ખતમ કરવા તરફનું પગલું છે. રાહુલ ગાંધીના આરોપ પર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું કે જરા ઇતિહાસ પર નજર કરશો તો ખબર પડશે કે સુરતની આ ઘટના પહેલી નથી. દેશના સંસદીય ઈતિહાસમાં આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ વ્યક્તિ બિનહરીફ સાંસદ તરીકે ચૂંટાયા હોય, આ પહેલા પણ 35 ઉમેદવારો બિનહરીફ જીતી ચુક્યા છે. બિનહરીફ ચૂંટાયેલા 35 ઉમેદવારોમાંથી અડધા કોંગ્રેસના હતા.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈતિહાસ જણાવ્યો
રાહુલ ગાંધીના આરોપ પર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જવાબ આપ્યો. હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ‘સુરતની ચૂંટણી પહેલી નથી જ્યાં સંસદની ચૂંટણી બિનહરીફ થઈ હોય. આઝાદી બાદથી અત્યાર સુધી 35 ઉમેદવારો વગર ચૂંટણીએ જીતી ગયા છે. સંસદમાં બિનહરીફ ચૂંટાયા છે. રાહુલ ગાંધી દ્વારા ફરી એકવાર સંપૂર્ણ માહિતી વિના ટિપ્પણી કરવામાં આવી છે. સુરતમાં મુકેશ દલાલની બિનહરીફ થયેલી ચૂંટણી પર આવી ટીપ્પણી કરીને કોંગ્રેસના યુવા નેતાએ ફરી એકવાર પોતાના પ્રખ્યાત ઉપનામને યોગ્ય ઠેરવ્યુ છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ‘લોકશાહીમાં તેમનો વિશ્વાસ ત્યારે મજબૂત થશે જ્યારે તેઓ જાણશે કે કોઇ વિરોધ વગર બિનહરીફ ચૂંટાયેલા 35 ઉમેદવારોમાંથી અડધા તો કોંગ્રેસના હતા. તેમનો વિશ્વાસ ત્યારે તૂટશે જ્યારે ખબર પડશે કે 1980માં તેમના ગઠબંધનના નેતા ડૉ. ફારૂક અબ્દુલ્લા અને ડિમ્પલ યાદવે 2012માં કન્નૌજ લોકસભા પેટાચૂંટણીમાં બિનહરીફ જીત મેળવી હતી. તેમણે કદાચ દક્ષિણ ગોવાની બેઠક પરથી તેમના પક્ષના ઉમેદવાર વિરિએટો ફર્નાન્ડીઝનું નિવેદન સાંભળ્યું નથી, જેઓ બેવડી નાગરિકતાની માંગ કરી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે તેમના પર ગોવા સંવિધાન થોપવામાં આવ્યુ છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
રાહુલ ગાંધીએ સુરતની ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે ‘તાનાશાહનો અસલી ચહેરો ફરી એકવાર દેશની સામે આવ્યો છે. લોકોને તેમનો નેતા પસંદ કરવાનો અધિકાર છીનવી લેવો એ બાબા સાહેબ આંબેડકરના બંધારણને નષ્ટ કરવા તરફનું બીજું પગલું છે. હું ફરી એકવાર કહી રહ્યો છું કે આ માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી, આ દેશને બચાવવાની ચૂંટણી છે, બંધારણની રક્ષા માટેની ચૂંટણી છે.
બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો
બિનહરીફ ચૂંટાયેલા 35 ઉમેદવારોમાં વાયબી ચવ્હાણ, ફારૂક અબ્દુલ્લા, હરે કૃષ્ણ મહતાબ, ટીટી કૃષ્ણાચારી, પીએમ સઈદ જેવા નેતાઓ પણ કોઈપણ હરીફાઈ વિના લોકસભામાં પહોંચ્યા છે. થોડા દિવસો પહેલા અરુણાચલ પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દસ ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા. મુખ્યમંત્રી પેમા ખાંડુએ 2014ની અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ બિનહરીફ જીતી હતી. જૂન 2011માં પણ, પેમા ખાંડુએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મુક્તો વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી બિનહરીફ જીતી હતી.