રુપાલાના વિરોધમાં આવતી કાલે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન, 1300 બસ અને 4600 કારથી પહોંચશે લોકો

rajkot-mahasammelan

રાજ્યભરમાંથી ક્ષત્રિયો આ મહાસંમેલનમાં હાજર રહેશે

રાજકોટના રતનપર ખાતે આવતીકાલે ક્ષત્રિય સમાજ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરાયું છે. રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનાં વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના ક્ષત્રિય આગેવાનો રાજકોટ પહોંચશે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આવતી કાલે રાજકોટ ખાતે આ સંમેલન યોજાવાનું છે તે પહેલા હિંમતનગરના રાજપુર ખાતે ક્ષત્રિય સમાજનું આંદોલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા. તેમની એક જ માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે..

રવિવારે સાંજે 5 વાગ્યે રતનપર ગામે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાવાનું છે. આ માટે પોલીસ પાસે મંજૂરી માંગવામાં આવી હતી. ત્યારે હવે તંત્ર દ્વારા સંમેલનને મંજૂરી મળી ચૂકી છે. જોકે મજૂરી મળે તે અગાઉ કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, ‘આપણું એક સામાજિક સંમેલન છે, રાજકીય નહીં. આપણને મંજૂરી મળે કે નહીં, અમે સંમેલન કરીશું.’

ક્ષત્રિયોના મહાસંમેલનને લઈને રાજકોટ આવતા તમામ રસ્તાઓ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. DCB, SOG, LCB, સ્થાનિક પોલીસ સહિતના 250 થી વધુ અધિકારીઓ અને જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. પોલીસ દ્વારા ટ્રાફિક બાબતે પણ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

રાજ્યભરમાંથી ક્ષત્રિયો આ મહાસંમેલનમાં હાજર રહેશે. આ સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે 1300 બસ અને 4600 કારમાં ક્ષત્રિય સમાજના લોકો રાજકોટ પહોંચશે. સંમેલનમાં કેસરી સાફા અને કેસરી સાડી પહેરેલી મહિલાઓ જોવા મળશે. સંમેલનમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.

આ અંદોલન રાજ્યને પાટીદાર આંદોલનની યાદ આપશે. ક્ષત્રિયોએ આ લડાઈને સમાજની અસ્મિતાની લડાઈ ગણાવી છે. ત્યારે આ આંદોલનની સીધી અસર ચૂંટણીમાં થાય તો નવાઈ નહીં.

ક્ષત્રિય સમાજની કોર કમિટીના આગેવાન કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, ‘જો રૂપાલાની ટિકિટ રદ ન કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ શું કરશે? આ સવાલ પર કરણસિંહ ચાવડાએ કહ્યું કે, જ્યારે પણ જરૂર પડશે અમે પોતાની ભવિષ્યની રણનીતિ નક્કી કરીશું અને જાહેર કરીશું. હાલમાં અમે રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. અમે તેના પર અડગ છીએ.’

પરશોત્તમ રૂપાલા દ્વારા માફી માગવા અંગે કરણસિંહ ચાવડાએ કહ્યું કે, ‘રૂપાલાએ સાચા અર્થમાં માફી માંગી નથી, માત્ર રાજકીય નાટક કર્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ માફી માગે છે, તો તેનું વલણ અને તેની ભાષાથી ખબર પડે છે કે આ વ્યક્તિ હકિકતમાં માફી માગી રહ્યો છે. રૂપાલાની શારીરિક ભાષા અને શબ્દોથી ખબર પડે છે કે તેમને બિલકુલ પણ અફસોસ નથી. તેમાં કોઈ સંવેદનશીલતા નથી.’

ક્ષત્રિય મહાસંમેલન માટેની શિસ્ત પૂરક માટેની ગાઈડલાઈનઃ-

  • સમયથી પહેલાં સ્થળ પર આવી ગ્રાઉન્ડ પર રાખેલ બેઠક વ્યવસ્થા મુજબ બેઠક લઇ લેવી
  • ઘરેથી માતાજીને પગે લાગીને નીકળવું અને રસ્તામાં કોઈપણ સાથે કોઈપણ સંજોગોમાં તકરારમાં ઉતરવું નહીં
  • સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી આવતા વાહનોને વ્યવસ્થિત પાર્ક કરવા અને કોઈ અવ્યવસ્થા ના થાય એવો સહયોગ આપવો
  • કોઈ જગ્યા પર ટ્રાફિક જામ થાય એ રીતે વાહન પાર્ક કરવા નહીં
  • રસ્તામાં સરકારી વ્યવસ્થા માટેની પોલીસ ટીમને સહયોગ કરવો
  • જે બસમાં આપ આવતા હોય એ બસના 2 ભાઈઓને જવાબદારી આપવી
  • એ બસમાં બેઠેલા દરેકે એમનો મોબાઈલ નંબર આપવો અથવા લઇ લેવો
  • મહાસંમેલનમાં આવતી વખતે આપની સાથે પાણીની બોટલ જરૂર સાથે લાવવી
  • પોતાનું આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ સાથે રાખવું
  • કાર અથવા બસમાં કોઈ રસ્તામાં તકલીફ થાય એવી વસ્તુ નહીં રાખવી
  • કાર્યક્રમ પૂર્ણ થાય પછી બધાજ બસમા બેસીને આવી જાય એ ચેક કરી લેવું
  • સંકલન સમિતિ દ્વારા આપેલા સ્ટીકર / બેનર આપની કાર અને બસ પર ફરજિયાત લગાવવા
  • (જેમ કે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન- જિલ્લો / તાલુકાનું નામ)
  • રસ્તામાં કોઈ અસગવડ કે તકલીફ પડે તો સંકલન સમિતિના કોઈપણ સભ્યો અથવા સ્વયં સેવકને કોલ કરવો

ઉલ્લેખનીય છે કે રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન બાદથી સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. અનેક જિલ્લાઓ, તાલુકાઓ અને ગામોમાં રેલી, સંમેલન સહિતના રૂપાલાના વિરોધમાં કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તો બીજી તરફ 16 એપ્રિલે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી નોંધાવવાના છે. આ પહેલા ક્ષત્રિય સમાજ શક્તિપ્રદર્શન કરશે.