ગુજરાતમાં 10 અને 11 એપ્રિલે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

rain

આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે ત્યારબાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદ થશે

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્ય છેલ્લાં થોડાં વર્ષોથી કલાયમેટ ચેન્જનો સામનો કરી રહ્યું છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર 10 અને 11 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદ થઇ શકે છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ આગામી 10 એપ્રિલના રોજ દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. અને 11 એપ્રિલના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદના કારણે કેરી સહિતના બાગાયતી પાક અને ઘઉં, જીરૂ સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે તો 10 એપ્રિલ બાદ વાતાવરણમાં પલટો આવતા કેટલાક દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે. તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો થતાં અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જઈ શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છમાં તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.

નોંધનીય છે કે ગઇકાલે અમદાવાદમાં 35.7 ડિગ્રી, ગાંધીનગરમાં 36, વલ્લભ વિદ્યાનગરમાં 36.7, વડોદરામાં 36.8, સુરતમાં 36.7, ડીસામાં 32.7, વલસાડમાં 36.2, ભુજમાં 33.2, નલિયામાં 31.2, કંડલા પોર્ટમાં 31.3, અમરેલીમાં 38.2, ભાવનગરમાં 36.6, દ્વારકામાં 29.8, ઓખામાં 31.2, પોરબંદરમાં 33, રાજકોટમાં 38.6, વેરાવળમાં 31.4, સુરેન્દ્રનગરમાં 38.3, મહુવામાં 38.4 અને કેશોદમાં 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.