લોકસભાની ચૂંટણી 2024 શરૂ થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે. જેને લઈને કોંગ્રેસે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. દિલ્હીમાં કોંગ્રેસનાં મુખ્યાલયમાં સોનિયા, રાહુલ, ખડગે અને મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ પી. ચિદંબરમની હાજરીમાં 5 ન્યાય અને 25 ગેરંટીનું એલાન કર્યું છે. કોંગ્રેસે પાર્ટીના ચૂંટણી ઢંઢેરા(મેનિફેસ્ટો)ને ‘ન્યાય પત્ર’ નામ આપ્યું છે.
કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં યુવા, મહિલા, મજૂર અને ખેડૂતો પર ફોકસ કર્યું છે. આ બધા વર્ગો માટે વિવિધ પ્રકારની સ્કીમનું વચન આપ્યું છે. કોંગ્રેસનો ‘ન્યાય પત્ર’ વર્ક, વેલ્થ અને વેલ્ફેર પર આધારિત છે. અહીં વર્ક એટલે રોજગાર, વેલ્થ એટલે આવક અને વેલફેર એટલે સરકારી સ્કીમના ફાયદા આપવાની વાત કહેવામાં આવી છે. પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે તેના વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ ત્રણ મુદ્દાઓ પર અમે ખાસ ધ્યાન આપવાના છીએ. તેમણે કહ્યું કે આજે દેશમાં રોજગારી, નોકરી સૌથી મોટા મુદ્દા છે.
મેનિફેસ્ટોમાં મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયા અને 30 લાખ નોકરીઓની વાત
કોંગ્રેસના ન્યાય પત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો ખાલી પડેલી 30 લાખ જગ્યાની ભરતી કરવામાં આવશે. કોંગ્રેસે ‘ભાગીદારી ન્યાય’ હેઠળ જાતિ ગણતરી હાથ ધરવા અને અનામતની 50 ટકા મર્યાદાને નાબૂદ કરવાની ‘ગેરંટી’ આપી છે. ‘કિસાન ન્યાય’ હેઠળ, લઘુત્તમ ટેકાના ભાવ (MSP), લોન માફી કમિશનની રચના અને GST-મુક્ત ખેતીને કાનૂની દરજ્જો આપવાનું વચન આપ્યું છે. ‘શ્રમ ન્યાય’ હેઠળ શ્રમિકોને આરોગ્યનો અધિકાર આપવાનું, લઘુત્તમ વેતન રૂ. 400 પ્રતિદિન સુનિશ્ચિત કરવાનું અને શહેરી રોજગારની ખાતરી આપવાનું વચન આપ્યું છે. તેમજ ‘નારી ન્યાય’ હેઠળ ‘મહાલક્ષ્મી’ ગેરંટી હેઠળ ગરીબ પરિવારની મહિલાઓને પ્રતિ વર્ષ એક લાખ રૂપિયા આપવા સહિતના અનેક વચનો આપવામાં આવ્યા છે.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને વિકલાંગોના માટે જાહેરાત
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને વિકલાંગોના પેન્શનમાં વધારો કરવાનું વચન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ, વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને અપંગ લોકો માટે પેન્શનમાં કેન્દ્ર સરકારનું યોગદાન દર મહિને રૂ. 200 થી રૂ. 500 સુધીની છે. કોંગ્રેસનું કહેવું છે કે આ રકમ વધારીને 1000 રૂપિયા પ્રતિ મહિના કરવામાં આવશે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સંભાળ માટે 25 લાખ રૂપિયા સુધીના કેશલેસ વીમાનું રાજસ્થાન મોડલ અપનાવવામાં આવશે. વૃદ્ધોને રેલવેમાં રાહત આપવાનું વચન આપ્યું છે. કોરોના બાદ કેન્દ્ર સરકારે તેને લગભગ ખતમ કરી દીધું છે.
કેન્દ્રીય તપાસ એજન્સીઓ વિધાનસભાની દેખરેખ હેઠળ લાવવામાં આવશે
પોલીસ, તપાસ અને ગુપ્તચર એજન્સીઓ સખ્તાઈથી કાયદા અનુસાર કામ કરે. જે તાકાતનો તેઓ ઉપયોગ કરે છે, તેને દુર કરવામાં આવશે. ગમે તેવો મામલો હોય, તેમને સંસદ અથવા રાજ્ય વિધાનસભાની દેખરેખ હેઠળ લાવવામાં આવશે. પક્ષપલટો કરવા પર આપમેળે સંસદ અથવા વિધાનસભાની સદસ્યતા રદ થઈ જાય તેવો કાયદો લાવીશું
‘ન્યાયના દસ્તાવેજ’થી દરેક વર્ગને ફાયદો થશે
કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહે છે કે અમારા ચૂંટણી ઢંઢેરાને દેશના રાજકીય ઈતિહાસમાં ‘ન્યાયના દસ્તાવેજ’ તરીકે યાદ કરવામાં આવશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલતી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ આના પર કેન્દ્રિત હતી. યાત્રા દરમિયાન, પાંચ સ્તંભો – યુવા ન્યાય, ખેડૂત ન્યાય, મહિલા ન્યાય, શ્રમ ન્યાય અને ભાગીદારીના ન્યાયની જાહેરાત કરવામાં આવી હતી. આ પાંચ સ્તંભોમાંથી 25 ગેરંટી બહાર આવે છે અને દરેક 25 ગેરંટીમાંથી કોઈને કોઈ ફાયદો થાય છે.
રાહુલે કહ્યું- આ ચૂંટણી લોકતંત્ર અને બંધારણને બચાવવા માટે છે
રાહુલ ગાંધીએ કહ્યું- આ ચૂંટણી લોકશાહી અને બંધારણને બચાવવા માટેની ચૂંટણી છે. એક તરફ NDA અને વડાપ્રધાન મોદી છે જેઓ બંધારણ અને લોકશાહી પર પ્રહારો કરી રહ્યા છે અને બીજી બાજુ INDIA ગઠબંધન છે જે બંધારણ અને લોકશાહીનું રક્ષણ કરે છે.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા ‘ન્યાય પત્ર’માં કરવામાં આવેલ મોટી જાહેરાતો
- જાતિઓ અને પેટા જાતિઓ અને તેમની સામાજિક-આર્થિક પરિસ્થિતિઓની ગણતરી કરવા માટે દેશવ્યાપી સામાજિક-આર્થિક અને જાતિ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. ડેટાના આધારે સકારાત્મક એક્શન એજન્ડાને મજબૂત બનાવવામાં આવશે
- SC, ST અને OBC માટે અનામત મર્યાદા 50 ટકાની મર્યાદાને નાબૂદ કરાશે
- આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામત કોઈપણ ભેદભાવ વિના તમામ જાતિઓ અને સમુદાયો માટે લાગુ કરવામાં આવશે
- SC, ST અને OBC માટે આરક્ષિત જગ્યાઓની તમામ બેકલોગ ખાલી જગ્યાઓ પર એક વર્ષની અંદર ભરતી
- કોંગ્રેસ સરકારી અને જાહેર ક્ષેત્રના સાહસોમાં નિયમિત નોકરીઓની કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરશે
- ઘર બનાવવા, વ્યવસાય શરૂ કરવા અને મિલકત ખરીદવા માટે SC અને STને સંસ્થાકીય ધિરાણ આપવામાં આવશે
- જમીન ટોચમર્યાદા અધિનિયમ હેઠળ ગરીબોને સરકારી જમીન અને ફાજલ જમીનના વિતરણ પર દેખરેખ રાખવા માટે એક ઓથોરિટીની સ્થાપના કરવામાં આવશે
- SC અને ST સમુદાયોના કોન્ટ્રાક્ટરોને વધુ જાહેર કામના કોન્ટ્રાક્ટ આપવા માટે જાહેર પ્રાપ્તિ નીતિનો વ્યાપ વિસ્તારવામાં આવશે
- ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ માટે OBC, SC અને ST વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની રકમ બમણી કરવામાં આવશે. એસસી અને એસટી વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા અને પીએચડી કરવા માટે મદદ કરવા માટે શિષ્યવૃત્તિની સંખ્યા બમણી કરવામાં આવશે
- ગરીબ, SC અને ST વિદ્યાર્થીઓ માટે રેસિડેન્શિયલ સ્કૂલનું નેટવર્ક બનાવવામાં આવશે અને દરેક બ્લોક સુધી તેને વિસ્તારવામાં આવશે.
કોંગ્રેસની અન્ય 4 મોટી જાહેરાતો
- વન નેશન વન ઇલેક્શનનો વિરોધ. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સમયસર જ યોજાશે.
- મતદાન EVM દ્વારા થશે, પરંતુ VVPAT સ્લિપ મેચ કરવામાં આવશે.
- 10મી અનુસૂચિમાં સુધારો કરવાનું વચન. આ હેઠળ, પક્ષપલટો પર વિધાનસભા અથવા સંસદની સદસ્યતા આપોઆપ રદ થઈ જશે.
- પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ કાયદા મુજબ સખ્તાઈથી કામ કરશે. દરેક બાબતને સંસદ અથવા રાજ્ય વિધાનસભાની દેખરેખ હેઠળ લાવવામાં આવશે.
મહિલાઓ માટે કોંગ્રેસની 5 યોજનાઓ
- મહાલક્ષ્મી ગેરંટીઃ આ યોજના હેઠળ દરેક ગરીબ પરિવારની એક મહિલાને વાર્ષિક 1 લાખ રૂપિયાની મદદ આપવામાં આવશે.
- અડધી વસ્તી-સંપૂર્ણ હકઃ આ યોજના હેઠળ કેન્દ્ર સરકારની નવી નિમણૂકોમાં અડધો હક મહિલાઓને મળશે.
- શક્તિનું સન્માનઃ આ યોજના હેઠળ આંગણવાડી, આશા અને મિડ-ડે મીલ વર્કર્સના માસિક વેતનમાં કેન્દ્ર સરકારનું યોગદાન ડબલ થશે.
- અધિકાર મૈત્રીઃ આ યોજના હેઠળ દરેક પંચાયતમાં મહિલાઓને તેમના હક માટે જાગરૂત કરવા અને જરૂરી મદદ માટે અધિકાર મૈત્રી સ્વરૂપમાં એક પેરા-લીગલ એટલે કાનૂની સહાયકની નિમણુંક કરવામાં આવશે.
- સાવિત્રી બાઈ ફુલે હોસ્ટેલઃ બધા જિલ્લા મુખ્યાલયોમાં કામકાજી મહિલાઓ માટે ઓછામાં ઓછી એક હોસ્ટેલ બનાવવામાં આવશે અને આખા દેશમાં આ હોસ્ટેલની સંખ્યા બેગણી કરવામાં આવશે.