ભારતે પહેલીવાર એક નાણાકીય વર્ષમાં 21 હજાર કરોડ રુપયાની નિકાસ કરી, વિશ્વના 84 દેશોમાં નિકાસ કરી

rajnathsingh

ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં 32.5%નો વધારો થયો

સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની નિકાસ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે. ભારતે 21 હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ સાધનોની નિકાસ કરી સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ બાબતને ખૂબ જ મોટી સફળતા ગણાવી છે અને કહ્યું કે, ભારતે 84 દેશોમાં સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી આશ્ચર્યજનક લક્ષ્ય હાંસલ કર્યું છે. તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર ભારતની સંરક્ષણ નિકાસ અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી છે અને 21 હજાર કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગઈ છે. નાણાંકીય વર્ષમાં સંરક્ષણ નિકાસમાં 32.5 ટકાનો ઉછાળો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2023-24માં ભારતની સંરક્ષણ નિકાસ 21,083 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

રાજનાથ સિંહે એક પોસ્ટમાં કહ્યું કે, દરેકને જણાવતા આનંદ થાય છે કે ભારતીય સંરક્ષણ નિકાસ અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી ગઈ છે અને સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત રૂ. 21000 કરોડના આંકને પાર કરી ગઈ છે! ભારતે પ્રથમવાર વર્ષ 2023-24માં 21,083 કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ કરી અને હવે આપણો દેશ સૌથી વધુ સંરક્ષણ આયાત કરનાર દેશમાંથી બહાર આવી સૌથી મોટા નિકાસકાર દેશ બનવાની દિશા તરફ આગળ વધ્યું છે. સંરક્ષણ મંત્રાલયે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ઘણા આવા પગલા ઉઠાવ્યા છે, જેના કારણે ભારતે એક મોટી સફળતા હાંસલ કરી છે.

વિશ્વના 85 દેશોમાં નિકાસ કરી
ડિસેમ્બર 2023 ના રિપોર્ટ અનુસાર, ભારત વિશ્વના 85થી વધુ દેશોમાં નિકાસ કરી રહ્યું છે. ભારતીય ઉદ્યોગે તેની ડિઝાઇન અને વિકાસ ક્ષમતાઓ વિશ્વને બતાવી છે. 100 ભારતીય કંપનીઓ સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી રહી છે. નિકાસ કરાયેલા મુખ્ય ઉત્પાદનોમાં ડોર્નિયર-228, 155 MM એડવાન્સ ટોવ્ડ આર્ટિલરી ગન, બ્રહ્મોસ મિસાઇલ, આકાશ મિસાઇલ સિસ્ટમ, રડાર, સિમ્યુલેટર, માઇન પ્રોટેક્ટેડ વ્હીકલ, આર્મર્ડ વ્હીકલ્સ, પિનાકા રૉકેટ અને લોન્ચર્સ, દારૂગોળો, થર્મલ ઇમેજર્સ, બૉર્ડી આર્મરનો સમાવેશ થાય છે.

ભારતની સંરક્ષણ નિકાસ વિશ્વના ખૂણે ખૂણાં સુધી પહોંચી રહી છે. ભારત દ્વારા ઈટાલી, માલદીવ, શ્રીલંકા, રશિયા, યુએઈ, પોલેન્ડ, ફિલિપાઈન્સ, સાઉદી અરેબિયા, ઈજિપ્ત, ઈઝરાયેલ, સ્પેન, ચિલી સહિત ઘણા દેશો સુધી સંરક્ષણ નિકાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભારતીય સંરક્ષણ સાધનોની વિશ્વભરમાં માંગ વધી રહી છે.

તેમણે કહ્યું કે, દેશના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને પ્રેરિત કરવા ઉપરાંત ટેકનિકલ મામલે આધુનિક સુવિધા વધારાતા સંરક્ષણ નિકાસમાં વધારો થયો છે. આવી સુવિધાઓ વધવાના કારણે સરકારી અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ માટે પણ ઉત્સાહજનક વાતાવરણ ઉભું થયું છે. સંરક્ષણ ક્ષેત્રે ભારતની નિકાસ વધારવામાં 50 ભારતીય કંપનીઓએ પણ મહત્વનું યોગદાન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારની રચના બાદ તમામ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા પર ભાર મૂક્યો હતો. આ સાથે જ પીએમ મોદીનું હંમેશા સંરક્ષણ ક્ષેત્ર પર ખાસ ધ્યાન રહ્યું છે. આવી સ્થિતિમાં સંરક્ષણ ક્ષેત્રની આ સિદ્ધિને તેમના આત્મનિર્ભર ભારતના વિઝન સાથે જોડવામાં આવી રહી છે.