રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલ સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનાં હસ્તે એવોર્ડ એનાયત કરાયો
લાલકૃષ્ણ અડવાણીને આવતીકાલે તેમના નિવાસસ્થાને જઈને ‘ભારત રત્ન’ એનાયત કરાશે
Bharat Ratna: ‘ભારત રત્ન’ દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલ ‘ભારત રત્ન’ સન્માન સમારંભમાં બે ભૂતપૂર્વ વડાપ્રધાન (મરણોપરાંત) સહિત ચાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓને દેશના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કર્યાં છે.
આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ‘ભારત રત્ન’ સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, એસ જયશંકર સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં દેશના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથને (મરણોત્તર) ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે. ભાજપ નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સમારંભમાં સામેલ થઈ શક્યા ન હતા. જેથી આવતીકાલે તેમના નિવાસ્થાને આ સન્માન આપવામાં આવશે.
રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આજના કાર્યક્રમમાં ચાર વ્યક્તિનાં પરિવારજનોએ આ સન્માન મેળવ્યું હતું. નરસિમ્હા રાવના પુત્ર પીવી પ્રભાકર રાવ, ચૌધરી ચરણ સિંહના પૌત્ર જયંત ચૌધરી, કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુર અને એમએસ સ્વામિનાથનની પુત્રી નિત્યા રાવે રાષ્ટ્રપતિ પાસેથી સન્માન મેળવ્યું.
ઉલ્લેખનીય છે કે ભારત રત્ન સન્માન મેળવનારા લોકોના નામની જાહેરાત આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પાંચ વિભૂતિયોને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણસિંહની સાથે કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને (મરણોત્તર) દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન આપવામાં આવશે. આ જાહેરાત અગાઉ કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકોરને (મરણોત્તર) અને લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત પણ કરી હતી.
ભારત રત્નથી સન્માનિત થનાર પાંચ અગ્રણીઓમાં ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સીવાય બાકીના તમામ-ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ તથા પીવી નરસિંમ્હારાવ, જાણીતા કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથન તથા બિહારના ભૂતપુર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મરણોપરાંત સન્માન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારને રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર સમારંભમાં સામેલ થવા માટે વિશેષપણે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ. કર્પૂરી ઠાકુરના દીકરા રામનાથ ઠાકુરે તેમના પિતાના સન્માનને ગ્રહણ કર્યું હતું
કર્પૂરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્ન સન્માન આપવા અંગે લોક શક્તિ પાર્ટીના વડા ચિરાગ પાસવાને કહ્યું કે જનનાયક કર્પુરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવે તે અંગે અમે લાંબા સમયથી માંગ કરતા હતા.