‘રાજાબાબુ’ની શિવસેનામાં એન્ટ્રી, ગોવિંદા એકનાથ શિંદેની પાર્ટી શિવસેનામાં સામેલ થયા

govinda

સીએમ એકનાથ શિંદેએ પાર્ટીમાં તેમનું સ્વાગત કરતા કહ્યું કે તેઓ ડાઉન ટુ અર્થ છે અને દરેક તેમને પસંદ કરે છે.

બોલિવુડની ક્વીન કંગના રણૌત બાદ જાણીતા એક્ટર ગોવિંદાએ ફરી એકવાર રાજકારણમાં ઝંપલાવ્યું છે. ગોવિંદા આજે મહારાષ્ટ્રનાં સીએમ એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા છે. સીએમ એકનાથ શિંદેએ પાર્ટીમાં તેમનું સ્વાગત કરતા કહ્યું કે તેઓ ડાઉન ટુ અર્થ છે અને દરેક તેમને પસંદ કરે છે. સીએમ શિંદેએ કહ્યું, “ગોવિંદાની કોઈ શરત નથી. તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કામ ગમ્યું. તેને અમારી સાથે કામ કરવું છે. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે કંઈક કરવું છે. તેણે કહ્યું કે મારે કોઈ ટિકિટ જોઈતી નથી.

શિવસેનામાં જોડાયા બાદ ગોવિંદાએ કહ્યું, “જય મહારાષ્ટ્ર… હું સીએમ શિંદેનો આભાર માનું છું. હું 2004-09થી રાજકારણમાં હતો. તેમાંથી બહાર આવ્યા પછી, મેં વિચાર્યું નહોતું કે હું પાછો આવીશ. પરંતુ 2010-24 આ 14 વર્ષના આ વનવાસ પછી હું શિંદેજીના રામરાજ્યમાં પાછો આવ્યો છું.”

શિવસેનામાં સામેલ થવા અંગે ગોવિંદાએ કહ્યું કે હું વર્ષ 2004થી 2009 સુધી રાજકારણમાં હતો અને તે 14મી લોકસભા હતી. આ એક અદભૂત સંયોગ છે કે જ્યારે 14 વર્ષ બાદ આજે હું ફરી વખત રાજનીતિમાં આવ્યો છું.

ગોવિંદા ફરી એકવાર લોકસભાની ચૂંટણી લડી શકે છે. શિવસેનામાં જોડાયા બાદ હવે તેમને આ લોકસભા ચૂંટણી માટે ટિકિટ મળી શકે છે. ગોવિંદા ઉત્તર પશ્ચિમ મુંબઈ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. ઉત્તર-પશ્ચિમ મુંબઈ બેઠક પરથી ઉદ્ધવ જૂથના અમોલ કીર્તિકર ઉમેદવાર છે. તેમની સામે ગોવિંદાને શિંદેજૂથ મેદાને ઉતારી શકે છે.

મહારાષ્ટ્રમાં NDAની સીટો વચ્ચે સીટોની અંતિમ વહેંચણી હજુ થઈ નથી. જો કે ભાજપ અને અજિત પવારે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. સીએમ એકનાથ શિંદેની પાર્ટીએ હજુ સુધી કોઈને ટિકિટ આપી નથી. સૂત્રોનું માનીએ તો ગોવિંદાને ટિકિટ મળવાનું નિશ્ચિત છે.

વર્ષ 2004માં ગોવિંદા ઉત્તરી મુંબઈ લોકસભા બેઠકથી ચૂંટણી લડ્યા હતા અને તેમણે ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા. ઉત્તરી મુંબઈ લોકસભા બેઠક પારંપારિક રીતે ભાજપનો ગઢ ગણાય છે. જેમા બોરીવલી, દહિસર, મગાથેન કાંદિવલી પૂર્વ, ચારકોપ અને મલાડ પશ્ચિમ વિધાનસભા વિસ્તાર સામેલ છે.