દ્વારકામાં હોળી-ધૂળેટીનાં તહેવાર દરમ્યાન 5 લાખથી પણ વધુ ભક્તોએ દ્વારકાધીશના દર્શન કર્યા

hili-celebration-at-dwarka

ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિરમાં હોળીના દિવસે ખાસ ઉજવણી કરવામાં આવે છે. હોળી અને ધૂળેટીના તહેવારની ઉજવણી માટે દ્વારકાનું વિશેષ મહત્ત્વ છે. દ્વારકામાં ઉજવાતા ફૂલડોળ ઉત્સવનો ખૂબ જ મહિમા હોવાથી દર વર્ષે લાખો લોકો ભગવાન દ્વારકાધીશના ચરણને શીશ નમાવવા જતા હોય છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકાધીશના દર્શન માટે પહોંચે છે. તેમજ ઘણા ભક્તો હોળી અને ધૂળેટીના તહેવારે મંદિરમાં વિરાજિત શ્રીદ્વારકાધીશજીના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે આ વર્ષે હોળી-ધુળેટીનાં તહેવાર દરમ્યાન 3 દિવસમાં 5, 63, 650 ભાવિકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા.

કાળિયા ઠાકોરના ધામ દ્વારકામાં જઈને દ્વારકાધીશના સાનિધ્યમાં હોળી રમવાનું અનેરૂ મહત્વ છે. તેને લઈને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવી પહોંચ્યા હતા. દ્વારકાધીશના દર્શન માટે ભક્તોની ભારે ભીડને જોઈ પોલીસ દ્વારા પણ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 600 જેટલાં દર્શનાર્થીઓ પોતાના પરિવારથી વિખૂટા પડેલ જેનું સુખદ મિલન પોલીસ દ્વારા કરાવાયું હતું. તો બીજી બાજુ ઘણા બધા દર્શનાર્થીઓ કલાકો સુધી લાંબી-લાંબી લાઈનોમાં ઉભા હતા. જેમના માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અશક્ત વ્યક્તિઓ માટે ઇરિક્ષા તેમજ વહીલચેર દ્વારા 2, 415 દર્શનાર્થીઓને દર્શન કરાવ્યા હતા.