તિહાર જેલમાં કેજરીવાલ આપનું સ્વાગત છે, તમારી ધરપકડને હું મારી સૌથી સારી બર્થ ડે ગિફ્ટ માનું છુઃ સુકેશ ચંદ્રશેખર

sukesh-kejriwal

હું ખૂબ જ ખુશ છું કે મારા ત્રણ ભાઈઓ હવે તિહાર ક્લબ ચલાવવા અહીં આવ્યા છે, “ચેરમેન બિગ બોસ- અરવિંદ કેજરીવાલ, સીઈઓ- મનીષ સિસોદિયા, સીઓઓ- સત્યેન્દ્ર જૈન.”
સત્યની જીત થઈ છે, દિલ્હી એક્સાઇઝ કેસ તો લગભગ શરૂઆત છે, તમારા બધા ભ્રષ્ટ મિત્રો તિહાર ક્લબમાં જોડાવા માટેની યાદીમાં છે.
મુખ્યમંત્રી રહીને તમેં ઓછામા ઓછા 10 કૌભાંડો કર્યા, આ 10માંથી 4નો તો હું સાક્ષી છું, મારી પાસે પુરાવા છે અને હું તમને ખુલ્લા પાડીશ.

અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ શુક્રવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કેજરીવાલનાં 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. કેજરીવાલ 28 માર્ચ સુધી ઈડીનાં રિમાંડ પર છે.

અરવિંદ કેજરીવાલની ધરપકડ પર સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી 22 માર્ચે 5 પાનાનો લેટર લખ્યો હતો. તેણે કહ્યું હતું કે, મેં પહેલા પણ કેજરીવાલ અને તેમની પાર્ટી વિરુદ્ધ પુરાવા આપ્યા છે હવે હું સરકારી સાક્ષી બનીશ હું તેમની સામે તમામ પુરાવા રજૂ કરીશ.” પછી તેણે કહ્યું, “સત્યની જીત થઈ છે”. લેટરમાં તેણે કેજરીવાલને સંબોધીને લખ્યું હતું કે “તિહાર ક્લબમાં તમારું સ્વાગત છે. હું ખૂબ જ ખુશ છું કે મારા ત્રણ ભાઈઓ હવે તિહાર ક્લબ ચલાવવા માટે અહીં આવ્યા છે.” આપને જણાવી દઈએ કે સુકેશ ચંદ્રશેખર 200 કરોડની છેતરપિંડીના આરોપમાં જેલમાં બંધ છે.

જાણો સુકેશે શું લખ્યું છે પત્રમાં…

સુકેશે પત્રમાં લખ્યું છે કે, અરવિંદ કેજરીવાલ, હંમેશની જેમ સત્યની જ જીત થઈ. આ નવા ભારતની તાકાત છે. આ નવા ભારતની શક્તિનું એક શાનદાર ઉદાહરણ છે કે કાયદાથી ઉપર કોઈ નથી.

અરવિંદ કેજરીવાલ જી, સૌથી પહેલા હું તમારું સ્વાગત કરું છું, તિહાર ક્લબના બોસ. 25 માર્ચે મારો જન્મદિવસ છે. આ દિવસે બમણી ખુશી ઉજવાશે. તેણે કહ્યું કે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મારા જન્મદિવસના ત્રણ દિવસ પહેલા તમારી ધરપકડ કરવામાં આવી. તમારી ધરપકડને હું મારી સૌથી સારી બર્થ ડે ગિફ્ટ માનું છું. તમારી ધરપકડ મારા જન્મદિવસની શ્રેષ્ઠ ભેટ છે.

સુકેશ કહ્યું કે હું ખૂબ જ ખુશ છું કે મારા ત્રણ ભાઈઓ હવે તિહાર ક્લબ ચલાવવા માટે અહીં આવ્યા છે, તેમણે ત્રણ નેતાઓને પદ આપતી વખતે કહ્યું કે A. ચેરમેન બિગ બોસ- A- અરવિંદ કેજરીવાલ, B. CEO- મનીષ સિસોદિયા, C. COO- સત્યેન્દ્ર જૈન.

સુકેશે કહ્યું, કેજરીવાલજી, તમને ખબર ન હતી કે સત્ય લાંબા સમય સુધી છુપાવી શકાતું નથી. તમારા જેવા કટ્ટર ઈમાનદાર માણસના તમામ નિવેદનો અને ડ્રામા હવે સમાપ્ત થઈ ગયા છે. હવે તમારા બધા જ ભ્રષ્ટાચાર બધાની સામે આવી જશે.

તમે મુખ્યમંત્રી રહીને ઓછામાં ઓછા 10 કૌભાંડો કર્યા છે. તેમાંથી દિલ્હીના ગરીબોને લૂંટવામાં આવ્યા છે. આ 10 કૌભાંડોમાંથી 4નો તો હું પોતે સાક્ષી છું અને મારી પાસે પુરાવા પણ છે. હું તમને ખુલ્લા પાડીશ અને આ 4 કૌભાંડોમાં હું તમારા વિરુદ્ધ સાક્ષી બનીશ. તમે આનાથી ડરી રહ્યા છો. દિલ્હી એક્સાઇઝ કેસ તો હજુ શરૂઆત છે.

તમે તમારા તિહાડ ક્લબની બહારનો પ્રકાશ જલ્દી જોઈ શકશો નહીં. આ બધા જ તમારા કર્મ છે. તમે ગરીબ દર્દીઓને નકલી દવા આપીને છેતર્યા, ગરીબ બાળકોના અભ્યાસના રૂપિયાની છેતરપિંડી કરી અને પાણીના પૈસાની પણ ચોરી કરી. તમે વિચારી પણ કેમ શકો કે તમને માફી મળી જશે.

સુકેશે કહ્યું કે તમે એક વાત સાચી કહી કે આ રામ રાજ્ય છે. ભગવાન રામ સ્વયં તમને તમારા કર્મોની સજા આપશે. ભગવાન ઉપર છે અને તે બધું જોઈ રહ્યો છે. ખાસ કરીને તમારો અહંકાર, તમારો ઘમંડ, તમારું જૂઠાણું અને તમે જે રીતે લોકોની લાગણીઓ સાથે રમો છો. તેથી જ તમે ફરી એકવાર શૂન્ય પર પહોંચી ગયા છો.

સુકેશે આગળ લખ્યું છે કે, તમારા અન્ય બે ભ્રષ્ટ ભાગીદારો પણ તમને તિહાર ક્લબમાં સામેલ કરશે, હું કેજરીવાલનીને જાણું છું કે જેલમાં જવાથી તેમને કોઈ ફરક નથી પડતો, કારણ કે જેલ સંપૂર્ણપણે તમારા નિયંત્રણમાં છે અને જેલ અધિકારીઓ તમારી કઠપૂતળી છે. હું જાણું છું કે હવે તમે જેલમાંથી ઓપરેટ કરશો અન જેલમાંથી જ કામ કરશો. હું એ પણ જાણું છું કે તમે મારી સાથે બદલો લેશો. આમ છતાં હું તમને ખુલ્લા પાડીશ. હું સાબિત કરીશ કે તમારા સાથીઓ અને તમારી પાર્ટી દુનિયાની સૌથી મોટી ભ્રષ્ટ પાર્ટી છે. તમે તમારો શ્રેષ્ઠ વાર કરો, તેમ છતા પણ હું બધું જ જણાવીશ. હું દુનિયામાં એવું સાબિત કરી દઇશ કે તમે, તમારી સાથે જોડાયેલાં લોકો અને તમારી પાર્ટી દુનિયાની સૌથી મોટી કટ્ટર કરપ્ટ પાર્ટી છે.

કેજરીવાલજી તમારા અન્ય ભ્રષ્ટાચારી સાથી બેશરમોની જેમ હજુ પણ એવું કહી રહ્યા છે કે બેશરમીથી કહી રહ્યા છે કે, કેજરીવાલ એક વિચાર છે. મને યાદ છે કે 2016માં અમારા મિત્રોની બર્થ ડે પાર્ટીમાં તમે તમારા ગુરૂજી અન્ના હજારેનો મજાક ઉડાવી રહ્યા હતા. તમે એવા વ્યક્તિ છો કે જેની પાસે નૈતિકતા નથી, તમારી વિચારસરણી નબળી છે, તમે નકામા વ્યક્તિ છો. તમારા વિચારો ઘટિયા છે, તમારા વિચાર માત્ર ને માત્ર તમારા માટે અને તમારા ભ્રષ્ટાચારી સાથીઓ માટે છે. અન્ય કોઈ માટે નથી.

સુકેશે લેટરમાં કેજરીવાલને સવાલ પૂછતા કહ્યું કે, તમે અને તમારા અન્ય સાથી મને મહાઠગ કહે છે. હવે તમે તમારી હકીકતથી વાકેફ થઈ જાવ કે તમે શું છો? મારી બહેન કવિતા જલ્દી જ સીબીઆઈ અને ઈડી સામે પુરાવા લઇને જશે. તમે જે પણ કંઇ કહ્યું, તે બધું જ વાસ્તવિકતામાં બદલાશે. હું તમારો સામનો કરવા માટે તૈયાર છું. કેજરીવાલ જી, પહેલાની જેમ આ વર્ષે પણ મને જન્મદિવસની શાનદાર ભેટ(બર્થ ડ ગીફ્ટ) આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

છેલ્લે હું તમને કહેવા માગુ છું કે તમે તિહાર જેલમાંથી જ વિધાનસભાની ચૂંટણી લડશો. હું વચન આપું છું કે હું તમારી સીટ પર અને તમારી સામે ચૂંટણી લડીશ અને તમને નિરાશ નહીં કરું. આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તમારી પાર્ટીને હારનો સામનો કરવો પડશે. આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી પછી જનતા તમને, તમારા ભષ્ટ સાથીદારોને અને તમારા પક્ષને સિસ્ટમમાંથી બહાર ફેંકી દેશે. તમારી પાર્ટીનો નાશ થશે.

તમે આ લોકસભા ચૂંટણીમાં તમારી મોટી હાર સાથે સત્યનો સામનો કરવાનું શરૂ કરશો. તમારા બધા ભ્રષ્ટ મિત્રો તિહાર ક્લબમાં જોડાવા માટે યાદીમાં છે. ઈડી અને સીબીઆઈ સાથે તમારા રોકાણનો આનંદ માણો. અંતમાં હું કહેવા માગુ છું કે હું તિહારના બિગ બોસનું દિલથી સ્વાગત કરું છું. જલ્દી મળીશું મારા ભાઈ કેજરીવાલ જી. આભાર.

પહેલા પણ સુકેશે કેજરીવાલ પર આરોપ લગાવ્યા હતા
આ પહેલી વાર સુકેશે અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યા છે એવુ નથી. આની પહેલા 6 મે, 2023ના રોજ દિલ્હીના એલજીને પત્ર લખીને તેણે જણાવ્યું હતું કે કરોલ બાગમાં એક પ્રોજેક્ટ અપાવવાના બદલામાં તેણે 90 લાખ રૂપિયાના ચાંદીના વાસણો ગિફ્ટમાં આપ્યા હતા. જેમાં 15 ચાંદીની પ્લેટ, 20 ગ્લાસ, મૂર્તિઓ, વાટકા અને ચાંદીની ચમચીનો સમાવેશ થાય છે.

સુકેશ ચંદ્રશેખર કોણ છે?
નોંધનીય છે કે, ઈડીએ 24 ઓગસ્ટે ચેન્નાઈમાં સુકેશનો સી-ફેસિંગ બંગલો જપ્ત કર્યો હતો. તેના બંગલામાંથી 82.5 લાખ રૂપિયા રોકડા, 2 કિલો સોનું અને એક ડઝનથી વધુ લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી હતી.

દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સીસ વિંગે સુકેશ અને અન્ય સામે ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને આશરે રૂ. 200 કરોડની ખંડણી માટે એફઆઈઆર દાખલ કરી હતી. ઈડીએ દરોડા પછી પોતાના નિવેદનમાં કહ્યું હતું કે- સુકેશ ચંદ્રશેખર આ છેતરપિંડીનો માસ્ટરમાઈન્ડ છે. તે 17 વર્ષની ઉંમરથી જ ગુનાખોરીની દુનિયાનો હિસ્સો છે.