પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ અને તેમની પુત્રી માલતીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ
બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી સાથે અયોધ્યા પહોંચી છે. અયોધ્યા રામમંદિરમાં તેમણે પરિવાર સાથે રામ લાલાના દર્શન કર્યા. પ્રિયંકાની માતા મધુ પણ અયોધ્યામા તેમની સાથે જોવા મળ્યા હતા. પ્રિયંકા ચોપરા અને તેના પરિવારની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
તસવીરોમાં પ્રિયંકા ચોપરા પીળા વસ્ત્ર પહેરેલી જોઈ શકાય છે. તેણે દીકરી માલતીને ખોળામાં બેસાડી છે. ઓરેન્જ આઉટફિટમાં માલતી મેરી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. તેમજ પતિ નિક જોનાસ સફેદ કુર્તા-પાયજામામાં જોવા મળે છે. રામની નગરીમાં પહોંચેલી પ્રિયંકા અને તેના પરિવારનું રામ નામના ‘ગમછા’ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. અભિનેત્રીને મંદિરના પૂજારી દ્વારા માથા પર તિલક લગાવીને સ્વાગત કર્યુ. રામ લાલાના દર્શન કર્યા બાદ પ્રિયંકાએ કહ્યું કે,’ભગવાનના દર્શન કરવા એ મારા જીવનનું સૌભાગ્ય છે’.
વર્ષ 2024માં પહેલી વખત પ્રિયંકા ભારત આવી છે. નિક જોનાસ પણ આ વર્ષે પ્રિયંકા અને માલતી સાથે હોળીની ઉજવણી કરવા ભારત આવ્યા છે. તેમની પુત્રી માલતીની ભારતમાં આ પહેલી હોળી હશે.
મુંબઈ આવ્યા બાદ પ્રિયંકા ચોપરાએ સૌથી પહેલા પોતાની જ્વેલરી બ્રાન્ડ બુલ્ગારીના સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું. આ સ્ટોર ભારતનો પહેલો બલ્ગારી સ્ટોર છે જે જિયો વર્લ્ડ પ્લાઝા, મુંબઈમાં છે. ત્યારબાદ પ્રિયંકા ઈશા અંબાણી, રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતા સાથે હોળી પાર્ટી કરતી જોવા મળી હતી. કરોડોની કિંમતની ગુલાબી સાડી અને જ્વેલરી સાથેનો તેનો લુક વાયરલ થયો હતો. 19 માર્ચે પ્રિયંકા ચોપરા એમેઝોન પ્રાઈમ વીડિયોની ઈવેન્ટમાં પહોંચી હતી. અહીં તેમણે તેમના પ્રોડક્શન બેનર પર્પલ પેબલ પિક્ચર્સ હેઠળ બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ “વુમન ઓફ માય બિલિયન”ની જાહેરાત કરી.મ મુંબઈ આવ્યા બાદ પ્રિયંકા ચોપરા ઘણી ઈવેન્ટ્સમાં પણ જોવા મળી છે.