દાઉદ સાથેના સંબંધ પર મને ગર્વ છે’: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદ
ભારતના મોસ્ટ વોન્ટેડ સાથેના સંબંધોની કબૂલાત કરી
પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વચ્ચેના સંબંધો કોઈનાથી છુપાયેલા નથી. જાવેદ મિયાંદાદે ભૂતકાળમાં પણ ઘણી વખત ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. હવે ફરી એકવાર જાવેદ મિયાંદાદ ચર્ચામાં આવી ગયો છે. આ વખતે જાવેદ મિયાંદાદે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથેના સંબંધો અંગે નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યુમાં જાવેદ મિયાંદાદે ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમ સાથેના પોતાના સંબંધોને પારિવારિક ગણાવ્યા છે. મિયાંદાદે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથેના સંબંધોનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો છે અને કહ્યું કે તેના માટે ગર્વની વાત છે કે દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ છે. સાથેનાં તેનાં સંબંધને સન્માનની વાત ગણાવી છે. 1992માં ODI વર્લ્ડ કપ જીતનાર પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં સામેલ જાવેદ મિયાંદાદે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે.
આ ઇન્ટરવ્યુ દરમિયાન, મિયાંદાદે કબૂલ્યું કે તે દાઉદને ઘણા લાંબા સમયથી ઓળખતો હતો. દુબઈમાં તેમની પ્રથમ મુલાકાત વિશે પણ વાત કરી હતી. આમ, હવે જાવેદ મિયાંદાદે પોતે જ દાઉદ ઈબ્રાહિમ સાથેના સંબંધોનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો છે. અત્યાર સુધી બંને પરિવારો વચ્ચેના સંબંધો ઘણા લોકોની નજરથી છુપાયેલા હતા. આ ઈન્ટરવ્યુમાં મિયાંદાદે બંને પરિવારો વચ્ચેના સંબંધો પર કહ્યું કે, ‘મારા માટે સન્માનની વાત છે કે તેની દીકરીએ મારા પુત્ર સાથે લગ્ન કર્યા છે.’
જાવેદ મિયાદાદે કહ્યું કે તે તેને ઘણા સમયથી ઓળખે છે અને અમારા પરિવારો વચ્ચે જૂના સંબંધ છે. વાસ્તવમાં દાઉદ ઈબ્રાહિમની મોટી દીકરી માહરુખ ઈબ્રાહિમ અને જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદ મિયાંદાદના લગ્ન વર્ષ 2005માં થયા હતા. દુબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં બંનેનું ગ્રાન્ડ રિસેપ્શન પણ યોજાયુ હતું. તે સમયે આ લગ્ને ભારે ચર્ચા જગાવી હતી.
આ ઈન્ટરવ્યુમાં જાવેદ મિયાંદાદે દાઉદના વખાણ કર્યા અને ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ અંગે કહ્યું કે તેણે મુસ્લિમ સમુદાય માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, તે ઈતિહાસના પાનામાં નોંધવામાં આવશે. મિયાંદાદે ખુલ્લેઆમ દાઉદના વખાણ કર્યા અને કહ્યું, ‘દાઉદે મુસ્લિમ સમુદાય માટે જે પણ કર્યું છે તે સુવર્ણ અક્ષરમાં લખાશે.’
નોંધનીય છે કે ઓગસ્ટ 2005માં જુનૈદ અને માહરુખના લગ્ન થયા ત્યારે દાઉદ રિસેપ્શન કે લગ્નમાં હાજર રહ્યો ન હતો. અંડરવર્લ્ડ ડોન દાઉદ 1993ના મુંબઈ વિસ્ફોટો માટે વોન્ટેડ છે. મુંબઈને હચમચાવી દેનારા સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં લગભગ 250 લોકો માર્યા ગયા હતા.
આપને જણાવી દઈએ કે જાવેદ મિયાંદાદ પાકિસ્તાન ક્રિકેટના મોટા ખેલાડી રહી ચૂક્યા છે. મિયાંદાદે 1975, 1979, 1983, 1987, 1992 અને 1996માં 6 ODI વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. 1992માં જ્યારે પાકિસ્તાને ODI વર્લ્ડ કપ જીત્યો ત્યારે તેણે ફાઈનલ મેચમાં 58 રનની શાનદાર ઈનિંગ રમી હતી. મિયાંદાદે પાકિસ્તાન માટે 124 ટેસ્ટ મેચ રમી અને 189 ઇનિંગ્સમાં 8832 રન બનાવ્યા. તે જ સમયે, મિયાંદાદે 233 ODI મેચોની 218 ઇનિંગ્સમાં 7381 રન બનાવ્યા હતા. ટેસ્ટ મેચમાં તેના નામે 17 અને વનડે મેચમાં 7 વિકેટ છે.