ગંભીર ઈજા સાથે ફિઝિયોથેરાપિસ્ટ યુવતીને હોસ્પિટલ ખસેડી હતી જ્યાં સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતુ
મૃતક યુવતીના પરિવારજનોએ અકસ્માત સર્જનાર મહિલાની ધરપકડની માંગ કરી
અમદાવાદના કેશવબાગ પાસે ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતી યુવતી શિવરંજની નજીક આસોપાલવ ચાર રસ્તા પાસે એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી. ત્યારે કારચાલક મહિલાએ તેને અડફેટે લેતાં એક્ટિવા ચાલક યુવતી 50 મીટર સુધી ઢસડાઈ હતી. ગંભીર ઈજા સાથે યુવતીને હોસ્પિટલ ખસેડી હતી. જોકે સારવાર દરમિયાન યુવતીનું કરુણ મોત થયુ હતું. ગઈકાલે સર્જાયેલા અકસ્માતના CCTV સામે આવ્યા છે.
શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતો વધી રહ્યા છે ત્યારે ગુરુવારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. નારણપુરા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય વિશ્વા શાહ નામની યુવતી ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતી હતી. ગઈ કાલે તે એક્ટિવા પર જઈ રહી હતી ત્યારે શિવરંજની નજીક આસોપાલવ ચાર રસ્તા પાસે ફુલ સ્પીડે આવતી કારે તેને અડફેટે લેતા તે દૂર સુધી ફંગોળાઈ હતી. અકસ્માત થતા તે રોડ પર 50 મીટર દૂર સુધી ઢસડાઈ હતી અને તેને પાંસળી અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેને તાત્કાલિક યુવતીને ઝાયડસ કેડિલા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માતમાં ગંભીર ઈજાના કારણે યુવતિને આખા શરીર પર મલ્ટીપલ ફ્રેક્ચર થઈ ગયા હતા અને તે કોમામાં જતી રહી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ થતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
અકસ્માત સમયે હાજર લોકોના જણાવ્યા અનુસાર, સિગ્નલ બંધ થવાની તૈયારી હતી જેના કારણે મહિલા કાર ચાલકે કાર પૂરપાટ દોડાવી હતી અને અકસ્માત સર્જ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કાર ચાલક મહિલા બેફામ ઝડપે કાર દોડાવતી નજરે પડી રહી છે. મહિલાની થોડી સેકેન્ડોની ઉતાવળને કારણે એક આશાસ્પદ યુવતીની જિંદગી છીનવાઇ ગઇ.
મૃતક યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશન બહાર એકઠા થઈને ન્યાયની માંગ કરી છે. આશાસ્પદ ફિઝિટોથેરાપિસ્ટ યુવતીને ગુમાવનાર તેમના પરિવારજનો અકસ્માત સર્જનાર મહિલાની ધરપકડ કરવા આવે તેવી માગ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. આશાસ્પદ યુવતીના આકસ્મિક નિધનથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. જો કે પરિવારે દુ:ખની ઘડીમાં પણ અન્યના જીવનમાં અજવાળા કરવા અંગદાનનો નિર્ણય કર્યો છે.