IPL 2024 Schedule: 22 માર્ચથી થશે પ્રારંભ, CSK-RCB વચ્ચે ઓપનિંગ મેચ

ipl2024

લોકસભાની ચૂંટણીને કારણે સંપૂર્ણ શેડ્યુલ જાહેર નથી કરાયું, હાલ માત્ર 7 એપ્રિલ સુધીની 21 મેચોના શેડ્યૂલની જાહેરાત કરાઈ
સમગ્ર ટૂર્નામેન્ટ ભારતમાં જ આયોજિત કરવામાં આવશેઃ અરુણ ધૂમલ

ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની 17મી સિઝનનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. IPL 2024ની પ્રથમ મેચ 22 માર્ચના રોજ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ ચેન્નઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. લોકસભાની ચૂંટણીને કારણે હાલ સંપૂર્ણ શેડ્યુલ જાહેર નથી કરાયું. માત્ર સાતમી એપ્રિલ સુધી રમાનારી મેચોનું જ શેડ્યુલ જાહેર કરાયું છે, બાકીની મેચોનું શેડ્યુલ લોકસભા ચૂંટણી પછી જાહેર કરાશે.

લોકસભા ચૂંટણીના કારણે આ વખતે 3 તબક્કામાં આઇપીએલ રમાશે. અત્યારે 21 મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. IPLના અધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું છે કે સમગ્ર ટૂર્નામેન્ટ ભારતમાં જ આયોજિત કરવામાં આવશે. પ્રથમ મેચ 22 ફેબ્રુઆરીએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ તેના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમ સામે ટકરાશે. ચેન્નાઈની ટીમ રેકોર્ડ નવમી વખત કોઈપણ આઈપીએલ સિઝનની પ્રથમ મેચ રમશે. અગાઉ, ટીમ 2009, 2011, 2012, 2018, 2019, 2020, 2022 અને 2023માં ઓપનિંગ મેચ રમી ચૂકી છે.

વર્ષ 2009માં IPL દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી, જ્યારે 2014માં કેટલીક મેચો યુએઈમાં રમાઈ હતી. વર્ષ 2019માં IPL ટુર્નામેન્ટ ભારતમાં જ યોજાઈ હતી. ધૂમલે જણાવ્યું કે ટૂર્નામેન્ટ 22 માર્ચથી ચેન્નાઈમાં શરૂ થશે. IPL સમાપ્ત થયાના થોડા દિવસો બાદ જ T20 વર્લ્ડ કપ શરૂ થશે તે જોતાં, 26 મેના રોજ ફાઈનલ યોજાય તેવી શક્યતા છે.

અત્યાર સુધી જાહેર કરાયેલા શેડ્યૂલમાં ચાર ડબલ હેડર મેચો પણ થવાની છે. સિઝનના બીજા દિવસે 23 માર્ચ, ત્રીજા દિવસે 24 માર્ચ, 31 માર્ચ અને 7 એપ્રિલે ચાર ડબલ હેડર મેચો રમાશે. આ સમયગાળા દરમિયાન, દરેક ટીમ લગભગ 4 મેચ રમશે.

ગુજરાત ટાઇટન્સ તેની પ્રથમ બે મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ અમદાવાદમાં રમશે જ્યારે ત્રીજી મેચ વાઇઝેગમાં રમશે. દિલ્હી કેપિટલ્સ તેની પ્રથમ બે મેચ વિશાખાપટ્ટનમમાં રમશે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ગુજરાત ટાઈટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. મુંબઈ પહેલીવાર હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મેદાનમાં ઉતરશે. વિમેન્સ પ્રીમિયર લીગની ફાઈનલ દિલ્હીમાં રમાશે, તે પછી તરત જ આઈપીએલ માટે મેદાન તૈયાર કરવામાં સમય લાગશે. આ કારણોસર દિલ્હીની પ્રથમ બે મેચ વિશાખાપટ્ટનમમાં યોજાશે.

દેશમાં આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને કારણે IPLનું સંપૂર્ણ શેડ્યુલ જાહેર કરાયું નથી. હાલ માત્ર સાતમી એપ્રિલ સુધી રમાનારી મેચોના શેડ્યૂલની જાહેરાત કરાઈ છે.