શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
પાલનપુરમાં આવેલ નવા માર્કેટયાર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. માર્કેટયાર્ડના G બ્લોકમાં આવેલી એક દુકાનમાં આગ લાગી હતી. ત્યાર બાદ આ આગ વધુ પ્રસરતા આજુબાજુની 7 જેટલી દુકાનો પણ આગની લપેટમાં આવી ગઈ હતી. અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલા નવા માર્કેટયાર્ડમાં સોમવારે એક વિશાળ આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આજુબાજીની 6 થી 7 દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. જેથી તેમાં પડેલ રાયડો, એરંડા સહિતના અનેક પાકોને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને સતત પાણીનો મારો ચલાવી માંડ માંડ આગ પર કાબૂ મેળવ્યો છે. આગ પર કાબુ મળે તે સુધીમાં માર્કેટયાર્ડની પેઢીઓમાં રહેલો કરોડો રૂપિયાનો માલ બળી ગયો હતો. આગના લીધે ત્રણ દુકાનો આગમાં બળીને ખાખ થઈ હતી.
આ અંગે સ્પીકર શંકર ચૌધરીએ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેના પગલે ગૃહ રાજ્યમંત્રીએ માહિતી આપતાં જણાવ્યું કે, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. દુકાનોમાં રાયડો હોવાથી આગ ભીષણ રીતે ફેલાય હતી. આ માટે સ્થાનિક ફાયર ફાયટરે આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન કર્યો હતો. જોકે સમગ્ર દુર્ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઇ નથી પરંતુ કરોડોનું નુકસાન થયું છે.
“આગ બપોરે 2.30 વાગ્યાની આસપાસ કાબૂમાં આવી હતી. આગને કારણે ચાર કે પાંચ વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે,” આગ એટલી ભીષણ હતી કે દૂર-દૂર સુધી આગના ગોટા જોવા મળ્યા હતા. બનાવના પગલે માર્કેટ યાર્ડ પાસે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠાં થયા હતા.