“મોદી ના હોત તો અમે તમારી સામે ના ઉભા હોત” કતારથી મુક્ત થઈને ભારત પહોંચેલા નેવીના પૂર્વ ઓફિસરોનું નિવેદન

qatar

કતારમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી ચૂકેલા ભારતીય નૌકાદળના 8 પૂર્વ સૈનિકાને મુક્ત કર્યા
કતારથી મુક્ત થઈને આવેલા 7 પૂર્વ સૈનિકોએ ભારત સરકાર તેમજ કતારના અમીર તમીમ બિન હમદ અલ થાનીનો આભાર માન્યો

ભારત સરકારે સોમવારે જાહેરાત કરી હતી કે કતારમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી ચૂકેલા ભારતીય નૌકાદળના 8 પૂર્વ સૈનિકાને મુક્ત કરી દીધા છે. તે પૈકી 7 નાગરિક ભારત પાછા ફર્યા છે. ભારત પરત ફરેલ પૂર્વ નૌસૈનિકોએ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે, “અમે ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છીએ કે અમે સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છીએ. સાથે સાથે ચોક્કસપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પ્રગટ કરવા માંગીએ છીએ, કારણ કે તેમના વ્યક્તિગત હસ્તક્ષેપથી જ આ શક્ય બન્યું છે.” જો વડાપ્રધાન મોદી ના હોત તો અમે તમારી સામે ના ઉભા હોત.

વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન આપીને નૌકાદળનાં અધિકારીઓના મુક્ત થવા અંગેની જાણકારી આપી હતી. જે 7 પૂર્વ નૌસૈનિકો પાછા ફર્યા છે તેમાં સૌરભ વશિષ્ઠ, પૂર્ણેન્દુ તિવારી, વીરેન્દ્ર કુમાર, સુગુનાકર પકાલા, સંજીવ ગુપ્તા, અમિત નાગપાલ અને રાજેશનો સમાવેશ થાય છે. આ તમામની ઓગસ્ટ 2022માં ધરપકડ કરવામાં આવી હતી. નૌકાદળના એક અન્ય પૂર્વ સૈનિકે કહ્યું કે,’વડાપ્રધાન મોદીએ કરેલા હસ્તક્ષેપ વિના આજે અહીં ઊભા ના હોત. ભારત સરકારના નિયમિત પ્રયાસોને કારણે આ સંભવ બન્યું છે.’ તેમણે કતારના અમીર તમીમ બિન હમદ અલ થાનીનો પણ આભાર માન્યો હતો.

કતારથી ભારત પરત ફર્યા બાદ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ જવાનોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. નેવીના ભૂતપૂર્વ અધિકારી કહે છે કે અમે ભારત આવવા માટે દોઢ વર્ષ રાહ જોઈ છે. આ માટે અમે પીએમ મોદીના ખૂબ જ આભારી છીએ. ભારત પાછા ફરેલા અન્ય એક નાગરિકે જણાવ્યું હતું કે,’ભારત પાછા ફરીને ખૂબ ખુશ છીએ. વડાપ્રધાન મોદીનો તે બદલ આભાર માનીએ છીએ. તેમણે અમને ભારત પાછા લાવવા તમામ પ્રયાસો કર્યા છે.’ તેમના હસ્તક્ષેપ વિના આ શક્ય બન્યું ન હોત.

વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારત સરકાર કતારમાં અટકાયતમાં રાખવામાં આવેલા અલ-દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિનું સ્વાગત કરે છે. તેમાંથી આઠ ભારતીયોમાંથી સાત સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે.

કતારમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી ચૂકેલા નૌકાદળના પૂર્વ સૈનિકો ભારત પાછા ફરતા સોશિયલ મીડિયા પર પણ સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા. યૂઝર્સ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી રહ્યા હતા. માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ એક્સ પર કહ્યું કે, ‘મોદી સરકાર આશ્વાસન આપ્યું હતું કે તમામ ભારતીયોને સુરક્ષિત પરત લાવવામાં આવશે. હમેશા વડાપ્રધાન મોદીની ગેરંટી જાદુ જેવું કામ કરે છે. તમામ 8 પૂર્વ સૈનિકો મુક્ત થઈ ચૂક્યા છે. 7 સ્વદેશ પાછા ફર્યા છે. મોદી હૈ તો મુમકીન હૈ.’ એક યૂઝરે લખ્યું હતું કે,’8 ભારતીયોનો જીવ બચાવીને વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં તેમની ઘરવાપસી કરાવવા બદલ મોદી સરકારની હું પ્રશંસા કરું છું.’

કતારમાં જે 8 ભારતીયોને ફાંસીની સજા આપવામાં આવી હતી તેમને હવે ત્યાંની સરકારે મુક્ત કરી દીધા છે. તેમના પર કથિત રીતે જાસૂસીનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી. ભારત સરકારના હસ્તક્ષેપ બાદ તેમને ફાંસીની સજામાંથી રાહત પણ આપવામાં આવી હતી. 8માંથી 7 નાગરિકો ભારત પરત ફર્યા છે. આ તમામે PM મોદીને આ સફળતાનો શ્રેય આપ્યો છે અને આભાર પણ માન્યો છે. તેમણે કહ્યું છે કે, જો PM મોદી ન હોત તો તેઓ આજે અહીં ન હોત. તેમણે વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકારના પ્રયાસોની પ્રશંસા કરી છે.