ઘરે બેઠા ગૂગલ મેપ પર રિવ્યૂ આપો અને રુપયા કમાવાની લાલચમાં સ્ટીલ કંપનીના માલિકે 82.72 લાખ રુપયા ગુમાવ્યા

googlemapScam

પાર્ટ ટાઈમ જૉબમાં દરરોજના 2 થી 8 હજાર રૂપિયા કમાવાની લાલચ આપી 4 ભેજાબાજે છેતરપિંડી કરી
લાખો રૂપિયાની પેનલ્ટીઓ લગાવી હતી અને VIP એકાઉન્ટ ખોલાવવા માટે 2 કરોડ રૂપિયાની પણ માગણી કરી હતી

આજકાલ સોશિયલ મીડિયા પર ઘરે બેઠા પૈસા કમાવવાની અનેક જાહેરાતો જોવા મળતી હોય છે, જેમાં લોકો ઓછી મહેનતે વધારે પૈસા કમાવવાની લાલચમાં આવીને છેતરપીંડીનો શિકાર બનતા હોય છે. આવો જ એક કિસ્સો આજે વડોદરામાં બન્યો છે. જેમાં ઘરે બેઠા ઓનલાઇન ગૂગલ મેપ પર રિવ્યૂ આપીને પૈસા કમાવવાની લાલચ આપીને વડોદરાના બિઝનેસમેન પાસેથી 4 ભેજાબાજે 82.72 લાખ રૂપિયા પડાવ્યા છે. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના અકોટા વિસ્તારમાં ચિનાર વુડ સોસાયટીમાં રહેતા અને સ્ટીલ કંપની ચલાવતા અમન શાહના વ્હોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી ગત તા. 30 ડિસેમ્બરના રોજ પૂજા નામની યુવતીનો મેસેજ આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું HCL ડિજિટલ ટ્રાન્સફોર્મ કંપનીમાં કામ કરું છું. અમારા ઇન્ડિયા ફોક્સ પ્રોજેક્ટમાં તમે ઘરે બેઠા જોડાઇ શકો છો અને તમારી નોકરી છોડ્યા વિના પાર્ટ ટાઇમ કે ફૂલ ટાઈમ કામ કરીને પૈસા કમાઈ શકો છો. ત્યારબાદ પાર્ટ ટાઈમ કામ કરવા માટે માહિતી માંગતા તેમને જણાવાયુ હતું કે પાર્ટ ટાઈમ જૉબમાં તમારે ગૂગલ મેપ પર જઈને 5 સ્ટાર રિવ્યૂ આપવાના રહેશે. જે બાદ 1 થી 2 મિનિટમાં નાણાં UPI દ્વારા તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે. આ ટાસ્કમાં તમે દરરોજના 2 થી 8 હજાર રૂપિયા કમાઈ શકો છો.

અમનભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, મે ટાસ્ક આપવા જણાવતા તેમણે મને લિંક મોકલી આપી હતી. જેને મેં 5 સ્ટાર આપીને સ્ક્રીન શોટ સાથે એ નંબર પર મોકલી આપ્યા હતા. જે બાદ પહેલા ટાસ્કના રૂપિયા આપવા માટે મને એક સેલેરી કોડ આપશે તેવું જણાવેલ અને એક નવા ટેલિગ્રામ આઈ.ડી. ધારકનુ આઈ.ડી. આપેલ તે ટેલિગ્રામ આઈ. ડી ધારક @Anusha Sabharwal95B ને સેલેરી કોડ આપેલ. તેઓએ મારા ખાતામાં રૂપિયા 150 જમા કરેલ. જે બાદ બીજા ટાસ્ક માટે મારી પાસે નામ, ઉંમર, જાતિ, પ્રોફેશન, વ્હોટ્સેપ નંબર, શહેર અને UPI ID માંગતા તે માહિતી મોકલી આપી હતી.

આ ગ્રૂપમાં શરૂઆતમાં કુલ 24 જેટલા ટાસ્ક કરવા માટે જણાવેલ, જેમાં દર 20 મિનિટ પછી એક નવો ટાસ્ક આવતો હતો. જેના કમિશનમાં એક ટાસ્કમાં 50 રૂપિયાનો વધારો થઈને આવતો હતો. જેમાં અમનભાઈને 24 ટાસ્કના ટાઈમ ટેબલનો સ્ક્રિનશોટ મોકલ્યો હતો. 24 ટાસ્ક આપીને અમનભાઈને રૂપિયા આપીને વિશ્વાસમાં લીધા બાદ ભેજાબાજોએ ધીમે-ધીમે ટાસ્ક માટે રૂપિયા લેવાનું શરૂ કર્યું હતું અને લાખો રૂપિયાની પેનલ્ટીઓ લગાવી હતી અને VIP એકાઉન્ટ ખોલાવવા માટે 2 કરોડ રૂપિયાની પણ માગણી કરી હતી.

આમ કટકે-કટકે અમનભાઈ પાસેથી 82.72 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. આખરે અમનભાઈને પોતે ભેજાબાજોની છેતરપિંડીનો શિકાર બન્યા હોવાનું ભાન થતાં તેમણે ઠગો વિરુદ્ધ વડોદરા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.