પાણીપુરીની લારીવાળો પગથી બટાકા ધોતો હોય તેવો વીડિયો વાયરલ

panipuri-vadodara

આ વીડિયો જોયા બાદ પણ જો તમને બહારની પાણીપુરી ખાવાનું મન થાય તો ચેતી જજો.

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારનો વીડિયો હોવાની જાણ થતા વીએમસીની આરોગ્ય શાખાની ટીમે કરી કાર્યવાહી

પાણીપુરીના ચટકો લેતા શહેરીજનો માટે ચોંકાવનારો કિસ્સો સપાટી પર આવ્યો છે. પાણીપુરીનાં શોખીનો જે પાણીપુરી હાઈજેનિક સમજીને ખાતા હોય છે, અસલમાં તે કેટલી હાઈજેનિક હોય છે તેવુ બતાવતો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયોમાં એક માણસ મોટા તપેલામાં પગથી બટાકા ધોતો હોય તેવું જોવા મળી રહ્યું છે. વીડિયો વડોદરાના દાંડિયા બજાર વિસ્તારનો હોવાનું જાણવા મળેલ છે.

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભેરૂનાથ આઈસ્ક્રીમની દુકાને દેવનારાયણ પાણીપુરીનાં નામે પાણીપુરી વેચવામાં આવતી હતી. આ પાણીપુરી બનાવવા માટે વપરાતાં બટાકાને દેવનારાયણ પાણીપુરીના કારીગર દ્ધારા એક મોટા તપેલામાં બધા બટાકા ભેગા કરી તેમાં પાણી નાખી પગેથી ધોવામાં આવતા હતા. જેનો એક જાગૃત નાગરિકે પોતાનાં મોબાઈલમાં વીડિયો બનાવી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. વીડિયોમાં જોઇ શકાય છે કે બટાકા રોડ પર પડી જતા તે ફરીથી તપેલામાં નાખી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વડોદરા મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળો પહોંચી હતી અને કાર્યવાહી કરી પાણીપુરીના કાઉન્ટરને સીલ કરવામાં આવ્યું હતું. આ સાથે ભેરુનાથ આઈસ્ક્રીમની દુકાનમાં પણ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ભેરૂનાથ આઈસ્ક્રીમની દુકાનમાંથી આઈસ્ક્રીમના સેમ્પલ લઇ ફતેગંજ ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલી આપ્યા હતા. હાઇજીનના નામે પાણીપુરી વેચતા લોકો પર આ વીડિયો સવાલો ઉભો કરી રહ્યો છે.

શહેરના ભરચક રોડ પર જાહેરમાં જ બિન્દાસ્ત સ્વાસ્થય સાથે ચેડાં થઈ રહ્યા છે. તો બીજી તરફ વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય અમલદાર ડો મુકેશ વૈધે જણાવ્યુ હતું કે, “વીડિયો સામે આવતા તાત્કાલિક અમારા ફૂડ ઇન્સ્પેકટર દ્ધારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં આવી ઘટના ફરીના બને તે માટે ફૂડ સેફ્ટી અધિકારીઓની ચાર ટીમ બનાવવામાં આવશે. અલગ-અલગ વિસ્તારોમાં આ ટિમ પાણી પુરી સહીતની અન્ય ખાણીપીણીની લારીઓ પર ચકાસણી હાથ ધરશે.

ખાણીપીણીનો ધંધો કરવા વાળા લોકોના આરોગ્ય સાથે અવાર-નવાર આવી રીતે ચેડા કરતા હોય છે. શહેરમાં ભેળસેળવાળી ચીજવસ્તુનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. જેને રોકવામાં પાલિકાની ખોરાકી શાખા નિષ્ફળ નીવડી છે.આવી અનેક ઘટના જોવા મળતી હોય છે.

હજુ ગયા મહિને જ અમદાવાદનાં વસ્ત્રાલમાં વિસ્તારમાં આવેલા બ્રિટિશ પિત્ઝામાં સલાડમાંથી ઇયળ નીકળવાની ઘટના સામે આવી હતી. તેમજ ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલ રિયલ પેપરિકામાં પણ આલું ટીક્કી બર્ગરમાંથી ઈયળ નીકળી હોવાની ઘટના બની હતી. અડધું બર્ગર ખાઈ ગયા બાદ ઈયળ દેખાતા ગ્રાહકે ફરિયાદ કરી હતી. બોપલ વિસ્તારમાં આવેલા લા પિનોઝના પિત્ઝામાં જીવાત નીકળવાની ઘટના બની હતી. એલિસબ્રિજ વિસ્તારમાં લા પિનોઝ પિત્ઝામા જીવજંતુઓ નીકળ્યા હોવાની ઘટના બની હતી. રામદેવનગર પાસે આવેલી કોર્ટીયાર્ડ મેરિયટ હોટલની સેન્ડવિચમાંથી જીવાત નીકળતા ગ્રાહકે જીવાતનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. રાજકોટની સંકલ્પ હોટલમાં ઢોંસા સાથે અપાતા સાંભરમાંથી માખી નીકળી હોવાની ઘટના બની હતી. તેનો પણ વીડિયો સામે આવ્યો હતો.

આ વીડિયો જોયા બાદ પણ જો તમને બહારની પાણીપુરી ખાવાનું મન થાય તો ચેતી જજો. કારણ કે, આવી પાણીપુરી કેટલાયના જીવ લઈ શકે છે.