ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં એક વિમાન રહેણાક વિસ્તારમાં તૂટી પડતું નજરે પડે છે અને ત્યાર બાદ આગ લાગી રહી છે
રશિયા અને યુક્રેન વચ્ચે 2 વર્ષ કરતા વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેવામાં આજે રશિયાનું ઈલ્યૂશિન II-76 મિલિટ્રી પ્લેન યુક્રેનની સરહદ નજીક બેલગોરોડમાં ક્રેશ થઈ ગયુ છે. આ વિમાનમાં યુક્રેનના 65 યુદ્ધ બંધકોને લઈ જવામાં આવી રહ્યા હતા. આ વિમાનમાં યુક્રેનના 65 યુદ્ધ બંધકો સહિત 74 લોકો સવાર હતા. આ તમામના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
રશિયાની એક સરકારી ન્યૂઝ એજન્સીએ રક્ષા મંત્રાલયનો હવાલો આપતા જણાવ્યું કે, યુદ્ધ બંધકોને કેદીઓની અદલા-બદલીના કરાર હેઠળ યુક્રેન લઈ જવામાં આવી રહ્યા હતા. આ દુર્ઘટના પશ્ચિમી બેલગોરોડ ક્ષેત્રમાં સવારે નવ વાગ્યે થઈ હતી. તૂટી પડેલું પ્લેન રશિયાનું ઈલ્યૂશિન IL-76 મિલિટ્રી ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ હતું. વિમાનમાં ધરપકડ કરાયેલા 65 યુક્રેની સૈન્યના જવાનો હતા. તેમને એક્સચેંજ માટે યુક્રેન સરહદે લઈ જવામાં આવી રહ્યા હતા. આમાં છ ક્રૂ મેમ્બર્સ, 3 એસ્કોર્ટ અને બંધક બનાવેલ યુક્રેની સૈન્યકર્મીઓ હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક વિમાન રહેણાક વિસ્તારમાં તૂટી પડતું દેખાય છે. આસપાસના લોકો આ ઘટનાને લઈ ચીસાચીસ કરતા દેખાઈ રહ્યા છે.
બેલગોરોદના ગવર્નર યાશેસ્લાવ ગ્લાડકોવે આ ઘટનાની પુષ્ટિ કરી છે, પરંતુ તેમણે પણ વિસ્તૃતથી આ ઘટના અંગે કંઈ કહેવાનો ઈનકાર કરી દીધો. અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તમામ લોકોના મોત થઈ ગયા છે. જોકે, રશિયન સરકાર દ્વારા તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી.
રશિયા અને યુક્રેનમાં થોડા મહિના અગાઉ એક કરાર થયો હતો. જે મુજબ યુદ્ધ ચાલુ હોવા છતાં તેઓ બંધક બનાવેલ સૈનિકોને એક બીજાને સોંપતા રહેશે એટલે કે કેદીઓની અદલા બદલી કરતા રહેશે. આ પ્લેનમાં બંધક બનાવેલ 65 યુક્રેની સૈન્યકર્મીઓ હતા, જે યુક્રેનને સોંપવાના હતા અને તેના બદલામાં યુક્રેન પણ રશિયન કેદીઓને છોડવાનુ હતું.
રશિયાના સ્થાનિક ગવર્નર વયાચેસ્લાવ ગ્લાડકોવે કહ્યું કે આ ઘટના કોરોચાન્સકી જિલ્લામાં બની છે અને તેઓ ઘટના સ્થળ પર જઈને નિરીક્ષણ કરશે. તપાસકર્તાઓ અને કટોકટી કર્મચારીઓ પહેલાથી જ ઘટના સ્થળ પર હાજર છે.