મોરબી બ્રિજ દુર્ઘટનામાં પીડિત પરિવાર તરફથી કેસ લડતા એડવોકેટ ઉત્કર્ષ દવેએ કરી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી
સ્કૂલ સંચાલક, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સામે કાર્યવાહી કરવા માંગ
ગુજરાતના વડોદરાના હરણી તળાવમાં ગુરુવારે શાળાની પિકનિક દરમિયાન બોટ પલટી જતાં 10-13 વર્ષની વયના ઓછામાં ઓછા 12 શાળાના બાળકો અને બે શિક્ષકોના મોત થયા હતા. ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. વડોદરાના હરણી તળાવમાં બોટ ડુબી જતાં 15 બાળકોના મોત થયાં હતાં જેને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે કે, જવાબદાર લોકો સામે પગલાં લેવા અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.
મોરબી બ્રિજ દુર્ઘટનામાં 112 પીડિત પરિવાર તરફથી કેસ લડતા વકીલ ઉત્કર્ષ દવેએ આજે સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે. વકીલ ઉત્કર્ષ દવેએ પીઆઈએલ કરી છે જેમાં સ્કૂલના પ્રિન્સીપાલ અને ટ્રસ્ટી વિરુદ્ધ પગલા લઈને વડોદરાના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને પણ સસ્પેન્ડ કરવામાં આવે. તેમજ જવાબદાર લોકો સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. વડોદરા શહેરના વહીવટી તંત્રની બેદરકારીથી સ્કૂલના બાળકો માર્યા ગયા હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં બાર એસોસિએશનએ આ અંગે સુઓમોટો દાખલ કરવા માટે અરજી કરી હતી.
આ ઉપરાંત વકીલ ઉત્કર્ષ દવેએ અરજીમાં એવી પણ રજૂઆત કરી છે કે, આ ઘટના માટે સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના નિરીક્ષણમાં SITની રચના કરના કરવામાં આવે અને વડોદરાના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને પાર્ટી બનાવવામાં આવે. વકીલ ઉત્કર્ષ દવેએ વધુમાં આ અરજી અંગે એવું પણ કહ્યું છે કે, વડોદરાના કલેક્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત જવાબદાર છે. જેથી તેમની સામે પણ કાયદેસરના પગલા લેવામાં આવે અને પીડિતોને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી 6 લાખ રૂપિયા કરતા વધારે વળતર ચૂકવવામાં આવે.
વડોદરાના હરણી તળાવ દુર્ઘટનાની તપાસ માટે વડોદરા પોલીસે SITની રચના કરી છે. આ અંગે પત્રકાર પરિષદને સંબોધતા વડોદરા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે દુર્ઘટના અંગે જવાબદાર મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો/ભાગીદારો/ડાયરેકટર, ઓપરેટરો કુલ 18 આરોપીઓ સામે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. હાલ સુધી આ ગુનામાં સંડોવાયેલ 6 આરોપીઓને શોધી કાઢી તેઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ ગંભીર ગુનાને ધ્યાનમાં લઇ ગુનાના તમામ મુદ્દાની તટસ્થ અને સચોટ તપાસ કરવા તેમજ અન્ય તમામ આરોપીઓની ધરપકડ થાય તે માટે SIT ની રચના કરવામાં આવી છે. આ ગંભીર ગુનાની પ્રાથમીક તપાસ હરણી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સપેકટર સી.બી.ટંડેલે કર્યા બાદ આ આગળની વધુ તપાસ માટે ક્રાઇમ બ્રાંચના મદદનિશ પોલીસ કમિશ્નરએચ.એ.રાઠોડને સોંપવામાં આવેલ છે.
આ ઘટનામાં કોઈપણ વકીલ આરોપીઓનો કેસ નહીં લડે તેવો વડોદરાના વકીલ મંડળએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જ્યારે એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓમોટો દાખલ કરવા રજૂઆત કરાઈ હતી. બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું છે કે, આ ખૂબ કરુણ ઘટના હોવાથી હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો લેવો જોઈએ. કોર્ટે ન્યુઝ પેપરમાં પ્રકાશિત થયેલા અહેવાલ સહિતના દસ્તાવેજો માંગ્યા છે. હવે કોર્ટને દરેક ડોક્યુમેન્ટ આપવા પડશે. વડોદરામા બોટ પલટી થવાની ઘટનામાં જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલના આચાર્ય અને પ્રતિનિધિઓને બોલાવ્યા છે. રુબરુ મુલાકાત બાદ શિક્ષણ વિભાગ જવાબદારી નક્કી કરાશે.