ચીને તાઇવાનની જનતાને ચીન વિરોધી નેતાને પસંદ ના કરવાની ધમકી પણ આપી હતી છતા તાઇવાનની જનતાએ આ ધમકીને અવગણીને લાઈ ચિંગ-તેને દેશની કમાન સોંપી
તાઈવાનમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા અને ટાપુની સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છેઃ લાઈ ચિંગ તે
ચીનની ધમકી વચ્ચે તાઈવાનની સત્તારૂઢ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના નેતા લાઈ ચિંગ તે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. 23 મિલિયનની વસ્તીવાળા ટાપુ તાઇવાનમાં શનિવારે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઇ હતી, આ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ ચીનના કટ્ટર વિરોધી સત્તાધારી પક્ષ ડીપીપીની જીત થઇ છે. ડીપીપીનાં પ્રમુખપદના ઉમેદવાર અને ચીનનાં કટ્ટર વિરોધી એવા 64 વર્ષીય લાઇ ચિંગ તે તાઇવાનના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. સતત ત્રીજી વખત તેમના પક્ષે તાઇવાનમાં સત્તા પ્રાપ્ત કરી છે. ચીન વારંવાર તાઇવાન પર હુમલાની ધમકી આપતુ રહ્યું છે. આ ચૂંટણી પૂર્વે જ ચીને તાઇવાનની જનતાને ચીન વિરોધી નેતાને પસંદ ના કરવાની ધમકી પણ આપી હતી. તાઈવાનના લોકોએ ‘ડ્રેગન’ની ધમકીઓને સંપૂર્ણપણે ફગાવી દીધી છે.
રાષ્ટ્રપતિની ચુંટણી જીત્યા બાદ “લાઈ ચિંગ-તે”એ પ્રતિજ્ઞા લીધી કે, ‘તાઇવાન દુનિયાભરના લોકતંત્ર સાથે ખભે ખભા મિલાવવાનું ચાલુ રાખશે.’ આ સાથે જ તેમણે ચીન સાથેના વેપાર પર નિર્ભર તાઇવાનની સુરક્ષા અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. લાઈ ચિંગ-તેએ શનિવારે મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે અમારા દેશને ચીનના ખતરાથી બચાવવા માટે કામ કરીશું. હું આપણી લોકશાહી અને મુક્ત બંધારણીય વ્યવસ્થા અનુસાર સંતુલિત રીતે કામ કરીશ. અમે ચીન સામે અમારા દેશની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે અમને આશા છે કે ચીન ભવિષ્યમાં તેની નવી સ્થિતિ જાણશે. ચીને સમજવું પડશે કે હવે શાંતિથી વાત કરવામાં ફાયદો છે. તાઈવાનના નવા રાષ્ટ્રપતિએ કહ્યું કે ચીનની ધમકીઓ અમને કંઈ અસર કરશે નહીં.
‘ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેઇજિંગે માત્ર વારંવાર ડીપીપીની ટીકા જ નથી કરી પરંતુ ઘણી વખત લાઇ પર વ્યક્તિગત હુમલા પણ કર્યા છે. અગાઉ તાઇવાનના ઉપપ્રમુખ તરીકે, લાઇએ તાઇવાનના હિતોને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવામાં મદદ કરી હતી. લાઈ કહે છે કે તે તાઈવાન સ્ટ્રેટમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા અને ટાપુની સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.
યુએસએ ક્રોસ-સ્ટ્રેટ શાંતિ જાળવવા માટે તાઇવાનના સમર્થનની પુનઃપુષ્ટિ કરી
યુનાઇટેડ સ્ટેટ્સ અને તાઇવાન મિત્ર દેશો છે. અમેરિકાએ તાઈવાનની ચૂંટણીમાં જીત મેળવનાર નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તેને અભિનંદન પાઠવ્યા છે. અમેરિકા કહે છે કે અમે તાઈવાન સાથે મળીને કામ કરીશું અને તાઈવાનને સહકાર આપીશું.
અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે અમેરિકા ચિંગ-તેને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીત માટે અભિનંદન આપે છે. લોકતાંત્રિક પ્રક્રિયાને અનુસરવા બદલ અમે તાઈવાનના લોકોને પણ અભિનંદન પાઠવીએ છીએ. તેમણે કહ્યું કે અમેરિકા શાંતિ અને સ્થિરતા જાળવવાના પક્ષમાં છે. આ સાથે અમેરિકા ચીન સાથેના મતભેદોના શાંતિપૂર્ણ સમાધાન માટે પણ પ્રતિબદ્ધ છે.
“લાઈ ચિંગ-તે”ને રાષ્ટ્રપતિ પદ માટે બે વિરોધીઓનો સામનો કરવો પડ્યો હતો. તાઈવાનની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કુઓમિન્તાંગ (KMT) ના હો યુ-ઈહ અને 2019માં સ્થપાયેલી નાની તાઈવાન પીપલ્સ પાર્ટીના ભૂતપૂર્વ તાઈપેઈ મેયર કો વેન-જે, બંનેએ હાર સ્વીકારી હતી.
“લાઈ ચિંગ-તે”ની જીત બાદ ચીને કહ્યું કે ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (ડીપીપી) જનતાના સામાન્ય અભિપ્રાયનું પ્રતિનિધિત્વ કરતી નથી અને કોઈ પણ જીતે તો પણ તે ચીનના પુનઃ એકીકરણને અસર કરશે નહીં. “લાઈ ચિંગ-તે” ચીન સાથે એકીકરણના સખત વિરોધી છે અને આ જ કારણથી તેઓ ચીનના બદલે અમેરિકા સાથે નિકટતા વધારવાના પક્ષમાં છે. આથી જ ચીન તેમની પાર્ટીને અલગતાવાદી માને છે. 2017માં એક નિવેદન બાદથી ચીન લાઈને પોતાનો કટ્ટર દુશ્મન માને છે.
વાસ્તવમાં, લાઈએ પોતાને તાઇવાનની સ્વતંત્રતા માટે એક કાર્યકર્તા ગણાવ્યા હતા. જેને લઈને ચીન ગુસ્સે ભરાયું હતું. ચૂંટણી પહેલા ચીને લાઈને ખતરનાક ગણાવ્યા હતા. તાઈવાનની ઔપચારિક સ્વતંત્રતા તરફના કોઈપણ પગલાનો અર્થ યુદ્ધ થશે તેમ કહીને લાઈની નિંદા કરી અને વાટાઘાટો માટે લાઈના આહ્વાનને નકારી કાઢ્યું.
તાઈવાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ ચીને પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે તાઈવાનમાં થઈ રહેલા કોઈપણ ફેરફારોથી ચીનની સ્થિતિ બદલાશે નહીં. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાના હવાલાથી મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાઈવાનમાં ભલે ગમે તેટલો બદલાવ આવે, તે હકીકતને બદલી શકે નહીં કે દુનિયામાં માત્ર ચીન છે અને તાઈવાન ચીનનો એક ભાગ છે.
ચીનના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે અમારું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય એક ચીનના સિદ્ધાંતને સમજશે અને તેના માટે ગંભીર હશે. આંતરરાષ્ટ્રીય સમુદાય પણ સમજશે કે ચીનના નાગરિકો શા માટે તાઈવાનની સ્વતંત્રતાનો વિરોધ કરે છે.
વર્ષ 2023ના અંતમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું હતું કે તાઈવાનને ચીન સાથે ફરીથી જોડવામાં આવશે. જિનપિંગે અનેક પ્રસંગોએ સ્પષ્ટ કર્યું છે કે તાઈવાન ચીનનો ભાગ છે. જો જરૂરી હોય તો ચીન તાઈવાનને ફરીથી જોડવા માટે બળનો ઉપયોગ કરશે. આપણી માતૃભૂમિ ફરી એકવાર એક થશે.