કોંગ્રેસે ભારત જોડો ન્યાય યાત્રાનો રોડ મેપ અને પેમ્ફલેટ બહાર પાડ્યું, મણિપુરથી શરૂ થશે, સરકાર પાસેથી શરતો સાથે મળી મંજૂરી

road-mp-nay-yatra

કોંગ્રેસની મણિપુરથી શરૂ થશે, સરકાર પાસેથી શરતો સાથે મળી મંજૂરી

આજે દિલ્લી કોંગ્રેસ કોમ્યુનિકેશનના પ્રભારી જનરલ સેક્રેટરી જયરામ રમેશ અને કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે ભારત જોડો ન્યાય યાત્રાનો રોડ મેપ અને પેમ્ફલેટ બહાર પાડ્યું છે.

જ્યારે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાને મણિપુરથી નિકાળવાની મંજૂરી ગૃહ વિભાગે કેટલીક શરતો સાથે કોંગ્રેસને પરવાનગી આપી છે.

મણિપુરમાં હિંસાને જોતા અગાઉ રાજ્ય સરકારે કોંગ્રેસની આ મુલાકાતને મંજૂરી આપી ન હતી, ત્યારબાદ કોંગ્રેસ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવતા ગૃહ વિભાગે આ મામલે મણિપુરના ઈમ્ફાલ ઈસ્ટના જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખ્યો હતો.

ભારત જોડો ન્યાય યાત્રાને ફ્લેગ ઓફ કરવાની શરતો સાથે ઇમ્ફાલ પૂર્વના ડીએમએ મંજૂરી આપી છે. શરત મુજબ યાત્રાની શરૂઆત દરમિયાન મર્યાદિત સંખ્યામાં લોકો ભાગ લેશે. આ ઉપરાંત જે લોકો ભાગ લેશે તેમના નામ અગાઉથી વહીવટી તંત્રને મોકલવાના રહેશે. તમામ જરૂરી સાવચેતીનાં પગલાં લેવા માટે કહેવામાં આવ્યું હતું.

મહાસચિવ કેસી વેણુગોપાલે શું કહ્યું?

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ભારત જોડો યાત્રાની જેમ જ ભારત જોડો ન્યાય યાત્રા પણ સફળ થવાની છે. આ કોઈ રાજકીય યાત્રા નથી, આ યાત્રા ભારતના લોકો માટે કરવામાં આવી રહી છે. હું દરેકને આ યાત્રામાં ભાગ લેવા અને તેને સફળ બનાવવા અપીલ કરું છું.

14 જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થશે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે અમે 14 જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ યાત્રા મણિપુરના ઈમ્ફાલથી શરૂ થશે અને દેશના 15 રાજ્યોમાંથી પસાર થઈને મુંબઈમાં સમાપ્ત થશે. આ યાત્રા 110 જિલ્લાઓ, 100 લોકસભા બેઠકો અને 337 વિધાનસભા બેઠકોને આવરી લેશે. હવે આ યાત્રાના રૂટમાં અરુણાચલ પ્રદેશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.