ભારત તેમજ એશિયાના સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં તેમણે મુકેશ અંબાણીને પણ પાછળ છોડ્યા
2024નું વર્ષ અદાણી માટે નવી સફળતા લઈને આવ્યું છે. લગભગ એક વર્ષ બાદ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ફરી એકવાર ભારત અને એશિયામાં સૌથી વધુ સંપત્તિ ધરાવનાર વ્યક્તિ બની ગયા છે. હવે તે અબજપતિઓની યાદીમાં 12મા સ્થાને પહોચ્યા છે.
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેમના શેરોમાં 10%ની તેજી જોવા મળી હતી. એશિયાના સૌથી અમીર વ્યક્તિની યાદીમાં તેમણે મુકેશ અંબાણીને પણ પાછળ છોડ્યા છે. એટલું જ નહીં ગૌતમ અદાણીએ વિશ્વના અબજોપતિઓની યાદીમાં પણ જોરદાર છલાંગ લગાવી છે અને 12મા સ્થાને પહોંચી ગયા છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બ્લૂમબર્ગ ઇન્ડેક્સના તાજેતરના રેન્કિંગ પ્રમાણે ગૌતમ અદાણીની નેટવર્થ 97.6 બિલિયન ડોલર છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ જબરદસ્ત વધારો થયો છે. તેમની સંપત્તિમાં 24 કલાકમાં 7.6 અબજ ડોલરનો વધારો થયો છે. તેઓ વર્લ્ડના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં 12મા સ્થાને પહોંચી ગયા છે. મુકેશ અંબાણી 12મા સ્થાનેથી 13મા સ્થાને આવી ગયા છે. મુકેશ અંબાણીની સંપત્તિ 97 બિલિયન ડોલર છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા બાદ ગૌતમ અદાણીની સંપત્તિમાં 34%નો ઘટાડો થયો હતો. હવે એક વર્ષ બાદ તેમણે આ નુકસાનમાંથી રિકવરી કરી લીધી છે અને ફરી એકવાર ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.