વિપક્ષના નેતાઓને બીજેપી ચૂંટણી સમયે હેરાન કરી રહી છે, કેજરીવાલને જેલ ભેગા કરવા માંગે છે : આપના આરોપ
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ એક્સાઈઝ પોલિસી મામલે પૂછપરછ માટે ત્રીજી વખત ED સમક્ષ હાજર થયા નહીં. આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે ઈડીના સમન્સનો જવાબ આપતા કહ્યું છે કે, દિલ્હીમાં રાજ્યસભાની ચૂંટણી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે હું તેમાં વ્યસ્ત છું. દિલ્હીના મુખ્યમંત્રી હોવાના કારણે હું 26 જાન્યુઆરીની તૈયારીમાં પણ વ્યસ્ત છું પરંતુ જો તમે સવાલોની યાદી મોકલવા માંગતા હોય તો હું તેનો જવાબ આપીશ.
ત્રીજા સમન્સ પર EDને લખેલા પત્રમાં, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એજન્સી પાસેથી પ્રશ્નાવલી માંગી છે અને તેમને મોકલવામાં આવેલા સમન્સના ઉદ્દેશ્ય પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે રાજ્યસભાની ચૂંટણી 19 જાન્યુઆરીએ થવાની છે અને તેમણે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં પણ દિલ્હીના સીએમ તરીકે ભાગ લેવાનો છે.
EDની નોટિસ પર AAPએ સવાલ ઉઠાવ્યા છે. પાર્ટીએ કહ્યું કે ચૂંટણી પહેલા જ કેમ નોટિસ જારી કરવામાં આવી? આ નોટિસ તેમને પ્રચાર કરતા રોકવાનું ષડયંત્ર છે. તપાસ એજન્સી સીએમ કેજરીવાલની ધરપકડ કરવા માંગે છે. આ નોટિસ ગેરકાયદેસર છે. તેમણે લખ્યું છે કે, હું EDની તપાસમાં સહકાર આપવા તૈયાર છું, પરંતુ એજન્સીની નોટિસ ગેરકાયદેસર છે. તેમનો ઈરાદો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાનો છે. તેઓ તેને પ્રચાર કરતા રોકવા માંગે છે.
કેજરીવાલે ઈડીને આપેલા જવાબમાં કહ્યું કે…
- હું આશ્ચર્યચકિત છું કે તમે મારા દ્વારા ઉઠાવેલા વાંધાઓનો જવાબ ન આપ્યો અને અગાઉના સમન્સ જેવું જ સમન્સ ફરીથી પાઠવ્યું.
- તમારું મૌન નિહિત સ્વાર્થની પુષ્ટિ કરે છે.
- હું એ માનું છું કે, તમારી પાસે આ સમન્સનું કોઈ જસ્ટિફિકેશન નથી.
- હું ફરીથી માંગ કરું છું કે, તમે મારા સવાલોના જવાબ આપો જેથી કરીને હું આ તપાસના ઉદ્દેશ્ય વિસ્તારને યોગ્ય રીતે સમજી શકું.
- EDનો વ્યવહાર મનસ્વી અને બિન પારદર્શક છે.
- પહેલાની જેમ જ હું ફરીથી કહું છું કે, હું કાયદાનું સમ્માન કરું છું અને તપાસમાં સહયોગ આપવા માટે તૈયાર છું.
- હું એવા ઘણાં મામલા વિશે જાણું છું જેમાં ED સમન્સ મેળવનાર વ્યક્તિના પૂછવા પર વિગતવાર સ્પષ્ટીકરણ આપે છે.
- દરેક વખતે સમન્સ મારા સુધી પહોંચતા પહેલા મીડિયામાં પહોંચી જાય છે. તેનાથી સવાલ ઉઠે છે કે, આ સમન્સનો ઉદ્દેશ્ય કોઈ તપાસ કરવાનો છે કે, પછી મારી પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો છે.
- દિલ્હીના મુખ્યમંત્રી હોવાના કારણે હું 26 જાન્યુઆરીની તૈયારીમાં પણ વ્યસ્ત છું. પરંતુ, જો તમે કોઈ સવાલોની સૂચિ મોકલવા માંગતા હોય તો હું તેનો જવાબ આપીશ.
- દિલ્હીમાં રાજ્યસભાની ચૂંટણી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે હું તેમાં વ્યસ્ત છુંઅગાઉ બે નોટિસ મોકલાવી હતી.
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવેલી આ ત્રીજી નોટિસ છે. અગાઉ, તેમને 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમણે એજન્સી સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હી સરકારના ભૂતપૂર્વ એક્સાઇઝ પોલિસી ભ્રષ્ટાચાર કેસમાં 2 નવેમ્બરના રોજ ED દ્વારા અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે પહેલું સમન્સ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેઓ પૂછપરછ પ્રક્રિયામાં ભાગ લેવા આવ્યા ન હતા. તે પછી, 21મી ડિસેમ્બરે ED દ્વારા તેને બીજું સમન્સ આપવામાં આવ્યું હતું, પરંતુ આ સમન પર પણ, તે EDની પૂછપરછ પ્રક્રિયામાં ભાગ લેવા આવ્યો ન હતો અને તેણે EDને પત્ર લખીને જવાબ આપ્યો હતો.
વાસ્તવમાં, દિલ્હીની આબકારી નીતિ કૌભાંડ જુલાઈ ૨૦૨૨ માં દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમાર દ્વારા લેફટનન્ટ ગવર્નર (એલજી) વિનય કુમાર સક્સેનાને ફાઈલ કરવામાં આવેલા અહેવાલ પર આધારિત છે. પાંચ પાનાના રિપોર્ટમાં તેમણે દિલ્હી લિકર પોલિસીની રચનામાં કથિત પ્રક્રિયાગત ખામીઓ દર્શાવી હતી. નરેશ કુમારે આરોપ લગાવ્યો કે તત્કાલિન આબકારી મંત્રી મનીષ સિસોદિયા દ્વારા ‘મનસ્વી અને એકપક્ષીય નિર્ણયો’ લેવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે નવી નીતિથી સરકારી તિજોરીને નાણાકીય નુકસાન થયું છે, જયારે કેટલાક ‘આપ’ નેતાઓ અને મંત્રીઓએ ‘લાંચ’ લીધી છે. સીબીઆઈએ કેસ સંભાળ્યો અને ફેબ્રુઆરીમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી. આ કેસમાં ઈડીએ મની લોન્ડરિંગના પાસાની તપાસ માટે સીબીઆઈ પાસેથી તપાસ સંભાળી હતી.
આમ આદમી પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓ – મનીષ સિસોદિયા અને રાજયસભા સાંસદ સંજય સિંહ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં પહેલાથી જ જેલમાં છે. સીબીઆઈએ મનીષ સિસોદિયાની એક્સાઈઝ પોલિસી ‘કૌભાંડ’માં કથિત ભૂમિકા બદલ ૨૬ ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. ત્યારથી તે કસ્ટડીમાં છે. સીબીઆઈ એફઆઈઆરના આધારે મની લોન્ડરિંગ કેસમાં ૯ માર્ચે તિહાર જેલમાં ED એ સિસોદિયાની પૂછપરછ કર્યા પછી ધરપકડ કરી હતી. મનીષ સિસોદિયાએ ૨૮ ફેબ્રુઆરીએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.