ફોટો પડાવતી વખતે પગ લપસતા યુવક તેની પત્ની સામે જ પાણીમાં ડુબી ગયો
આજકાલ સેલ્ફી અને રીલ્સ બનાવવાના ચક્કરમાં નવયુવાનો પોતાનો તેમજ બીજા લોકોનો જીવ જોખમમાં મુકતા હોય છે. પોતાના જીવની ચિંતા કર્યા વિના જોખમી સેલ્ફી લેતા હોય છે તેમજ રીલ્સ બનાવતા હોય છે. આવી જ એક ઘટના અમદાવાદનાં સાબરમતી રીવરફ્રન્ટ ઉપર બનવા પામી છે. રિવરફ્રન્ટનું આકર્ષણ કેમેરામાં કેદ કરવાની ઈચ્છા એક યુવક માટે મોતનું કારણ બની છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફોટો પડાવતી વખતે યુવકનો પગ લપસતા તે નદીમાં પડી ગયો હતો. નદીમાં ડૂબી જતા આસપાસના લોકો અને યુવકની પત્નીએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીમાંથી બહાર કાઢતા પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. જે મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ઘરી છે.
મળેલ માહિતી મુજબ ઘોડાસરના રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા 29 વર્ષનો યશ કંસારા પોતાની પત્ની સાથે સોમવારે પાલડી નાસ્તો કરવા ગયો હતો. આ બાદ બંને રિવરફ્રન્ટ પર ફરવા માટે ગયા હતા. બંને રિવરફ્રન્ટ પર ફરતા ફરતા પૂર્વ ભાગ તરફ વોકવે પાસે પહોંચ્યા હતા. અહીં યુવક રેલિંગ પાસે ગયો હતો અને તેની પત્ની તેના ફોટો ક્લિક કરી રહી હતી. અચાનક તેનો પગ લપતી જતા તે નદીમાં પડ્યો હતો. તેની પત્નીએ બુમાબુમ કરતા આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવકનું પાણીમાં ડુબી જતા મોત નિપજ્યુ હતું.
બીજી બાજુ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરાતા તે પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને નદીમાંથી યુવકને બહાર કાઢ્યો હતો. જોકે ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે યશનું મોત થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. આ મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.