ઈરાનમાં કાસિમ સુલેમાનીની કબર પાસે બે પ્રચંડ વિસ્ફોટ, 103 લોકોનાં મોત: 141 લોકો ઘાયલ, આતંકવાદી હુમલાની આશંકા

iran

પૂર્વ જનરલ કાસિમ સુલેમાની ચોથી પુણ્યતિથિની ઉજવણી કરવા લોકો એકઠા થયા હતા

ઈરાનના કેમરન શહેરમાં કબ્રસ્તાન પાસે બુધવારે થયેલા બે વિસ્ફોટમાં 103 લોકોનાં મોત થયાં છે જ્યારે 141 લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ દેશના ભૂતપૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર પર થયા હતા. પોલીસે કહ્યું- આ આતંકવાદી હુમલો હતો, એની તપાસ ચાલુ છે. તેમના મૃત્યુની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી હતી. ઈરાનના રાજ્ય મીડિયાએ એક કબ્રસ્તાન નજીક કેર્મન શહેરમાં બે વિસ્ફોટના અહેવાલ આપ્યા છે.

બુધવારે કાસિમ સુલેમાનીના મૃત્યુની ચોથી વર્ષગાંઠ હતી. સુલેમાનીના મૃત્યુની ચોથી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભીડ એકઠી થઈ હતી. ત્યારે થયેલા બે વિસ્ફોટમાં ઓછામાં ઓછા 103 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અહેવાલો અનુસાર ભીડમાં નાસભાગ મચી જવાને કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, કાસિમ સુલેમાનીની 3 જાન્યુઆરી 2020ના રોજ હત્યા કરવામાં આવી હતી. તેઓ ગુપ્ત મુલાકાતે બગદાદ ગયા હતા. મિટિંગ પછી જ્યારે તેઓ કારમાં બેસવા લાગ્યા ત્યારે તેમની કાર પર મિસાઈલ વાગી અને આ હુમલામાં સુલેમાની સહિત ઘણા લોકો માર્યા ગયા. સુલેમાનીએ બે દાયકાથી વધુ સમયથી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની વિદેશી ઓપરેશન શાખા કુડ્સ ફોર્સનું નેતૃત્વ કર્યું હતું.