આસામમાં બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 14 લોકોના મોત; 25થી વધુ ઈજાગ્રસ્ત

asam-accident

બસમાં 45 લોકો સવાર હતા જેઓ વહેલી સવારે બોગીબીલ વનભોજન માટે નીકળ્યા હતા

આસામના ગોલાઘાટ જિલ્લાના ડેરગાંવ વિસ્તાર પાસે આજે સવારે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત થયા હતા અને 25થી વધુ લોકો ઘાયલ થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે વાહનોના ટુકડા થઈ ગયા હતા. ગોલાઘાટના એસપી રાજેન સિંહે માહિતી આપી હતી કે ગોલાઘાટના ડેરગાંવ પાસે બલિજાન વિસ્તારમાં સવારે લગભગ 5 વાગે આ દુર્ઘટના બની હતી.

મળેલ માહિતી અનુસાર બસમાં 45 લોકો સવાર હતા જેઓ વહેલી સવારે બોગીબીલ વનભોજન માટે નીકળ્યા હતા. અધિક્ષક રાજેન સિંહે જણાવ્યું કે બસ એક ટીમ સાથે ગોલાઘાટ જિલ્લાના કમરબંધા વિસ્તારમાંથી તિલિંગા મંદિર તરફ જઈ રહી હતી. તે જ સમયે માર્ગેરિટા તરફથી આવતા કોલસા ભરેલા ટ્રક બસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે 10 મુસાફરો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. હાલ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સ્થળ પરથી 10 મૃતદેહો મળી આવ્યા હતા. મૃતદેહોને કબજે કરીને ડેરગાંવ સીએચસીમાં મોકલી દેવામાં આવ્યા છે. 27 ઘાયલ લોકોને જોરહાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બે લોકોના મોત થયા હતા. એક અધિકારીનાં જણાવ્યા અનુસાર ઘાયલ થયેલા ઘણા લોકોની હાલત ગંભીર છે. તેમજ પોલીસે સ્થળ પર મૃત્યુ પામેલા 14 મુસાફરોના મૃતદેહોને બહાર કાઢ્યા અને પોસ્ટમોસ્ટમ માટે મોકલી દીધા છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. હજુ સુધી મૃતકની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, જ્યાં ટક્કર થઈ હતી તે હાઈવેનો એક ભાગ તૂટી ગયો હતો. જેના કારણે બસ વિરુદ્ધ દિશામાં જઈ રહી હતી. એવું માનવામાં આવે છે કે ગાઢ ધુમ્મસ અને વિરુદ્ધ દિશામાં જઈ રહેલી બસને કારણે સામસામે ટક્કર થઈ હતી. જો કે હજુ સુધી અકસ્માતની સંપૂર્ણ વિગતો બહાર આવી નથી.