અમદાવાદના જય ભોલે ગ્રુપે પૌરાણિક ધર્મગ્રંથોમાં વર્ણન પ્રમાણે ‘અજયબાણ’ની પ્રતિકૃતિનું નિર્માણ કર્યું છે
અજયબાણ 5 ફૂટ લાંબુ અને 11.5 કિલોગ્રામ વજન ધરાવે છે
અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તેના માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવનકારી અવસર માટે ગુજરાતના કરોડો ભક્તોમાં પણ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. અયોધ્યામાં રામ મંદિર માટે દેશભરમાંથી અનેક ખાસ વસ્તુઓ મોકલાઈ રહી છે. રામ મંદિર માટે ગુજરાતમાંથી અનેક ચીજવસ્તુઓ બનાવીને અયોધ્યા મોકલવામાં આવી છે. ગુજરાતનાં વડોદરાથી 108 ફૂટ લાંબી અગરબત્તી તેમજ અમદાવાદના ગોતામાંથી ધ્વજદંડ પણ અયોધ્યા મોકલાઈ રહ્યો છે. તેવામાં હવે ગુજરાતમાં બનેલા વિશેષ નગારા અને અજયબાણ પણ રામ મંદિરની શોભા વધારવા જઇ રહ્યા છે.
શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીની પ્રેરણાથી અમદાવાદના જય ભોલે ગ્રુપે પૌરાણિક ધર્મગ્રંથોમાં વર્ણન પ્રમાણે ‘અજયબાણ’ની પ્રતિકૃતિનું નિર્માણ કર્યું છે. અજયબાણને ગબ્બર ગઢ ઉપર લઇ જવાયું હતું અને અજયબાણની પૂજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી. તેને અયોધ્યામાં નિર્માણાધીન શ્રીરામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. શક્તિપીઠ અંબાજી મંદિરના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી આ અજયબાણની પૂજા કરવામાં આવી છે. આ અજયબાણ 10 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે.
મહત્વનું છે કે અંબાજી સાથે ભગવાન શ્રીરામનો જૂનો સંબંધ છે. કેમ કે ત્રેતાયુગમાં વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામઅને લક્ષ્મણજીની મુલાકાત જ્યારે ઋષિ શ્રૃંગિ સાથે થઈ તો તેમણે ભગવાન શ્રીરામને આદ્યશક્તિ મા અંબાની પૂજા કરી તેમને પ્રસન્ન કરવા માટે કહ્યું હતું. અને મા અંબાએ પ્રસન્ન થઈને શ્રી રામને વરદાન આપતા આશીર્વાદના રૂપમાં ‘અજયબાણ’ આપ્યુ હતું. આ જ અજયબાણથી ભગવાન શ્રી રામે દશાનન રાવણનો વધ કર્યો હતો. માતાજીની આરતીમાં પણ અજયબાણથી રાવણનો વધ કરવાનો ઉલ્લેખ જોવા મળે છે.
11.5 કિલો વજનના આ અજયબાણને બનાવવામાં સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને લોખંડ એમ પંચધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની લંબાઈ 5 ફૂટ રાખવામાં આવી છે. માત્ર 5 દિવસમાં આ અજયાબાણ અમદાવાદમાં બનીને તૈયાર થયુ છે. તેમાં 5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.