પીએમ મોદી પહોંચ્યા અયોધ્યા, મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ તેમજ અયોધ્યાધામ રેલ્વે સ્ટેશનનું કર્યું ઉદ્ઘાટન, 16 હજાર કરોડના પ્રોજેક્ટની આપી ભેટ

Modi

22 જાન્યુઆરીએ ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થાય, ત્યારે દેશવાસીઓ પોતાના ઘરે રામ જ્યોતિ પ્રગટાવીને દિવાળી મનાવે: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શ્રી રામની નગરી અયોધ્યાની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં પોતાના સાડા 3 કલાકના પ્રવાસ દરમિયાન રામનગરીને 16 હજાર કરોડ રુપિયાના પ્રોજેક્ટની ભેટ આપી છે. આ દરમિયાન પીએમ મોદીએ મહર્ષિ વાલ્મીકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું હતું. પીએમે ત્યાં મુસાફરોની સુવિધાઓ વિશે પૂછપરછ કરી હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ 3D મૉડલ દ્વારા એરપોર્ટ વિશે માહિતી આપી હતી. ઈન્ડિગોની પ્રથમ ફ્લાઈટ દિલ્હીથી અયોધ્યા એરપોર્ટ પર અયોધ્યા પહોંચશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પ્રવાસે છે. અહીં તેમણે 8 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. લોકોએ તેમના પર ફૂલોની વર્ષા કરી. આ પછી તેમણે અયોધ્યા સ્ટેશનનું ઉદઘાટન કર્યું. 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપી. રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન દરમિયાન રાજ્યપાલ આનંદી બેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

ઉત્તરપ્રદેશની અયોધ્યાને નવો લૂક આપવામાં આવી રહ્યો છે. 22 જાન્યુઆરીએ ભગવાન રામલલ્લાના નવા મંદિરના અભિષેક પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં એક અલગ જ માહોલ સર્જ્યો હતો. પીએમ મોદીએ અહીં રૉડ શૉ કર્યો હતો જે લગભગ 15 કિલોમીટર લાંબો હતો. મહર્ષિ વાલ્મિકી એરપોર્ટથી શરૂ થયેલો રોડ શો અયોધ્યા ધામ જંકશન પર સમાપ્ત થયો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ જય શ્રી રામ અને મોદી-મોદીના નારા લગાવ્યા હતા. રોડ શો દરમિયાન બંને તરફ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 51 સ્થળોએ લગભગ એક લાખ લોકોએ પીએમનું સ્વાગત કર્યું હતું.

પીએમ નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યા પહોંચ્યા અને અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું. તેમણે અયોધ્યા સ્ટેશન પર કરવામાં આવેલી તમામ વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કર્યું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમને વિકાસ યોજનાઓ વિશે જણાવ્યું. આ પછી પીએમ અમૃત ભારત ટ્રેન પહોંચ્યા. તેણે અંદરથી આ સ્લીપર અને જનરલ ક્લાસ ટ્રેન જોઈ. તેમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને જનકપુરીથી આવતા લોકો સાથે વાતચીત કરી. આ દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ સભાને સંબોધતા આખી દુનિયા 22 જાન્યુઆરીની ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહી છે. અયોધ્યાના લોકોમાં આ ઉત્તેજના અને ઉત્સાહ સ્વાભાવિક છે. થોડા સમય પહેલા અયોધ્યાના રસ્તાઓ ઉપર પણ ઉત્સાહ પૂરેપૂરો દેખાઈ રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે જાણે આખું અયોધ્યા શહેર રસ્તા પર આવી ગયું હતું. આ પ્રેમ અને આશીર્વાદ માટે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જય સિયાવર રામચંદ્ર…ના પીએમ મોદીએ ત્રણવાર નારા લગાવ્યા. 30મી ડિસેમ્બરની તારીખ ખૂબ જ ઐતિહાસિક છે.

આ ઐતિહાસિક ક્ષણ આપણા જીવનમાં ખૂબ જ સદભાગ્યે આવી છે. હું ભારતના 140 કરોડ દેશવાસીઓને હાથ જોડીને પ્રાર્થના કરું છું… જ્યારે 22 જાન્યુઆરીએ ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થાય, ત્યારે દેશવાસીઓ પોતાના ઘરે રામ જ્યોતિ પ્રગટાવીને દિવાળી મનાવે.

વધુમાં પીએમ મોદીએ કહ્યું- આજના ભારતનો મિજાજ અયોધ્યામાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આજે પ્રગતિનો ઉત્સાહ છે, થોડા દિવસો પછી પરંપરાની ઉજવણી થશે. વારસાની ભવ્યતા અને દિવ્યતાના દર્શન થવાના છે. આ જ તો ભારત છે. વિકાસ અને વારસાની સહિયારી તાકાત ભારતને અગ્રેસર કરશે.