2024ની ચૂંટણીમાં પ.બંગાળમાં મમતા ‘એકલા ચાલો રે..’ નીતિ અપનાવશે
ઉદ્ધવ ઠાકરેના પણ બદલાયા તેવર, લોકસભા ચૂંટણી પહેલા INDIA ગઠબંધનને મોટો ઝટકો
INDIA ગઠબંધનમાં લોકસભાની બેઠકોની વહેંચણી લઇને હજુ સુધી કોઈ સમજૂતી થઇ નથી
લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. પીએમ મોદીને હરાવવા માટે 28 દળો દ્વારા રચાયેલા વિપક્ષી ગઠબંધન INDIA એલાયન્સમાં અત્યાર સુધી સીટ વહેંચણી મુદ્દે કોઈપણ પ્રકારની સમજૂતી થતી દેખાઈ નથી. INDIA એલાયન્સમાં બ્લોકમાં સીટોની વહેંચણીને લઈને વિવાદો શરૂ થઈ ગયાં છે. તેવામાં મમતા બેનર્જીએ પ.બંગાળમાં એકલાહાથે લડવાની વાત કરી છે. મમતા બેનર્જીએ ગઠબંધનના સાથીઓને મોટો ઝટકો આપતાં કહ્યું છે કે પ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ ‘એકલા ચાલો રે…’ નીતિ અપનાવશે. તે કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓની સાથે ગઠબંધન નહીં કરે.
તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભા માટે ચૂંટણી અભિયાનનો આરંભ કર્યો હતો. જ્યારે રાહુલ ગાંધી નાગપુરમાં કોંગ્રેસની રેલીને સંબોધિત કરી રહ્યાં હતાં, ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી ઉત્તર 24 પરગના જિલ્લાનાં ચકલામાં કાર્યકર્તા સમ્મેલન બાદ રેલીને સંબોધિત કરી રહી હતી. તેમણે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન સમગ્ર દેશમાં ભાજપની સામે સાથે મળીને ચૂંટણી લડશે પણ બંગાળમાં ટીએમસી એકલાહાથે ભાજપની સામે લડશે. આ સાથે જ મમતા બેનર્જીએ એલાન કર્યું છે કે 2024માં TMC બંગાળમાં કોઈ પણ પાર્ટી સાથે ચૂંટણીને લઈને કોઈપણ કરાર નહીં કરે. તેમણે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનમાં આવ્યા બાદ પણ કોંગ્રેસ અને CPI(M)નાં નેતા બંગાળમાં ટીએમસી વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યાં છે.
બીજી તરફ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)એ મહારાષ્ટ્રમાં સીટની વહેંચણીને લઈને પહેલી ચાલ ચાલી છે. પાર્ટીનાં નેતા સંજય રાઉતે કોંગ્રેસને જણાવ્યું કે તેઓ મહારાષ્ટ્રની 23 લોકસભા સીટો પર ચૂંટણી લડશે. આવી જ કંઈક સ્થિતિ પંજાબ અને દિલ્હીમાં બની રહી છે જ્યાં આમ આદમી પાર્ટી કોંગ્રેસની સાથે સીટ શેર કરવા માટે તૈયાર નથી થઈ રહી. ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવે કોંગ્રેસ સાથે વિધાનસભામાં સપાની સાથે કરવામાં આવેલા વ્યવહારનો બદલો વાળવા માટે તૈયાર બેઠાં છે.
મમતા બેનર્જીએ CAA મુદ્દે ભાજપને આડેહાથ લેતાં કહ્યું કે દરેક લોકસભા ચૂંટણી પહેલા મતુઆ સમુદાયના વોટને આકર્ષિત કરવા માટે આ મુદ્દો ઉછાળવામાં આવે છે અને આ ભાજપની એક ચાલ છે. મમતા બેનર્જીએ ભાજપ પર આરોપ મૂકતાં કહ્યું કે CAA અંતર્ગત જો એક સમુદાયને નાગરિકતા મળી રહી છે તો બીજા સમુદાયને પણ હક મળવો જોઈએ. મતુઆ સમુદાયને સંબોધતાં મમતા બેનર્જીએ કહ્યું કે 1971 સુધી બાંગ્લાદેશથી બંગાળ આવેલા મતુઆ સમુદાયના લોકો ભારતના નાગરિકો છે. જો તે આ દેશના નાગરિક નથી તો તમને મફત રેશન, સ્વાસ્થ્ય સાથી, પાનકાર્ડ, આધારકાર્ડ કેવી રીતે મળી રહ્યા છે?