ભારતે પાકિસ્તાનને કહ્યું કે “પુલવામાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી હાફિઝ સઈદને અમને સોંપો”
હાફિઝ સઈદ પુલવામા તેમજ મુંબઈ હુમલામાં થયેલા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે
લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદ 2019થી પાકિસ્તાનની જેલમાં છે
ભારત સરકારે પાકિસ્તાન સરકાર સમક્ષ લશ્કર-એ-તૈયબાના નેતા અને મુંબઈમાં 26/11ના હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી હાફિઝ સઈદને ભારતમાં લાવવાની સત્તાવાર માગણી કરી છે. ભારત સરકારે કહ્યું છે કે તે પ્રત્યાર્પણને લઈને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરશે.
ભારત સરકારે પાકિસ્તાનને લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓને અંજામ આપનાર હાફિઝ સઈદને નવી દિલ્હીને સોંપવા માટે કહ્યું છે. ભારતે પાકિસ્તાન પાસે હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરી છે. પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે ભારતે કહ્યું છે કે હાફિઝ સઈદ પુલવામામાં થયેલા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. આ સંદર્ભમાં મોદી સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ઔપચારિક અરજી પણ આપી છે. ભારતની આ માંગ બાદ હવે પાકિસ્તાન સરકારની હાલત કફોડી છે.
ભારતે આ માંગ એવા સમયે કરી છે જ્યારે હાફિઝ સઈદની પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગે જાહેરાત કરી છે કે તે આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ભાગ લેશે. ૮ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે હાફિઝની પાર્ટીએ દરેક રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા બેઠક પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. એટલું જ નહીં મહત્વની વાત એ છે કે હાફિઝનો પુત્ર તલ્હા સઈદ પણ ચૂંટણી લડવાનો છે અને તે લાહોર બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. હાફિસ સઈદ ૨૬\૧૧ મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ છે. સંયુક્ત રાષ્ટ્રે પણ હાફિઝ સઈદને આતંકવાદી જાહેર કર્યો છે. અમેરિકાએ હાફિઝ સઈદ પર ૧૦ મિલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં ભારતની આ પ્રત્યાર્પણની માંગને કારણે પાકિસ્તાન સરકાર ખરાબ રીતે ફસાઈ શકે છે. પાકિસ્તાને તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે ભારત તેના દેશમાં ટીટીપી દ્વારા આતંકવાદી હુમલાઓને પ્રોત્સાહન આપી રહ્યું છે.
પાકિસ્તાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે હજુ સુધી ન તો ભારતની માંગની પુષ્ટિ કરી છે કે ન તો નકારી કાઢી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં કોઈ પ્રત્યાર્પણ કરાર નથી. પાકિસ્તાની વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર એજાઝ સઈદના જણાવ્યા અનુસાર, ચૂંટણી પહેલા પાકિસ્તાન હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે કોઈ પગલું ભરે તેવી કોઈ શક્યતા નથી. તેણે દાવો કર્યો હતો કે હાફિઝ સઈદ હાલમાં જેલમાં છે. એજાઝે કહ્યું હતું કે હાફિઝ સઈદ પાકિસ્તાનની ચૂંટણી પર અસર કરી શકે છે.
ગયા વર્ષે, પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે હાફિઝ સઈદને આતંકવાદને નાણાં પૂરા પાડવાના બે કેસમાં 32 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ પહેલા હાફિઝને પાંચ અલગ-અલગ કેસમાં 36 વર્ષની જેલની સજા થઈ હતી. બંને સજા એકસાથે ચાલી રહી હોવા છતાં હાફિઝ પાકિસ્તાનની જેલમાં સજા કાપી રહ્યો છે કે કેમ તે અંગે સવાલો ઉભા થયા છે.
હાફિઝ સઈદ ભારતમાં અનેક આતંકી ગતિવિધિઓ માટે વોન્ટેડ છે. તેના પર 2008ના મુંબઈ હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ છે. હાફિઝના સંગઠન લશ્કર-એ-તૈયબાએ જમ્મુ-કાશ્મીરમાં અનેકવાર આત્મઘાતી હુમલા કર્યા છે. પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના ઘણા ઠેકાણા છે, જ્યાં તે આતંકવાદીઓને તાલીમ આપે છે. આ તાલીમ શિબિરોમાં વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. જેમાં 21 દિવસનો જેહાદી કોર્સ, દૌરા-એ-શુફા અને 21 દિવસનો કોમ્બેટ કોર્સ કરવામાં આવે છે અને તે આતંકવાદીઓને ભારત મોકલવામાં આવે છે.
ગયા વર્ષે એપ્રિલમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશનમાં એલઈટીના વરિષ્ઠ નેતા તરીકે તલ્હાની સ્થિતિ વિશે માહિતી આપી હતી. પિતાની જેમ તલ્હા પણ ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે. ગૃહ મંત્રાલયે તેને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, ૧૯૬૭ હેઠળ આતંકવાદી તરીકે નિયુક્ત કર્યા છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે લશ્કર-એ-તૈયબાના વરિષ્ઠ નેતા ભારતમાં લશ્કર અને અફઘાનિસ્તાનમાં ભારતીય હિતોની વિરુદ્ધ ભરતી, ભંડોળ એકત્ર કરવા અને આયોજન અને હુમલાઓ કરવામાં સક્રિયપણે સામેલ છે. ૨૦૧૮ માં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે મુંબઈ આતંકવાદી હુમલામાં હાફિઝ સઈદની સંડોવણી માટે એમએમએલ પર પ્રતિબંધો પણ લાદ્યા હતા.