પોલીસ આવતાં પાંચમા માળેથી ચોથા માળની છત પર કૂદવાનો પ્રયાસ કરતાં બેને ઈજા, US મેડ પિસ્તોલ, 7 ખાલી કારતૂસ મળી
અમદાવાદનાં બોપલ વિસ્તારમાં દારુનાં નશામાં ફાયરીંગ થયુ હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં આરોપીઓ પાસેથી બિયર અને દારૂની બોટલ પણ મળી આવી છે. 24 જેટલી બિયર અને એક સ્કોચની બોટલ પોલીસે કબજે કરી છે.
બોપલનાં એક કોમ્પલેક્ષમાં દારૂના નશામાં 6 લોકોએ સ્ટાર્ટર ગનથી હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના અવાજથી આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. નજીકમાં ક્યાંક ફાયરિંગ થયું હોવાનું જણાઇ આવતા સ્થાનિક લોકો દ્વારા બોપલ પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને 6 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસ પહોંચી ત્યારે બે લોકો પાંચમા માળેથી ચોથા માળની અગાસીમાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો. આથી બન્નેને ઈજા પહોંચી છે. હાલ પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખીને ફાયરિંગ કરવા સંદર્ભનો ગુનો દાખલ કર્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ લોકો દારૂની મેહફિલ માણવા માટે ભેગા થયા હતા. જ્યારે કેટલાક જમીન દલાલ છે અને પિસ્તોલ મળી આવી છે જે લાઇસન્સ વગરની હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે બોપલ પોલીસે આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
બોપલ પોલીસે ધરપકડ કરેલા 6 શખ્સોમાંથી ત્રણ લોકો કચ્છના હોવાનું જ્યારે અન્ય ત્રણ શખ્સો અમદાવાદના હોવાનું સામે આવ્યું છે. તેઓ દારૂનો નશો કરી રહ્યાં હતા. દારૂના નશામાં આ શખ્સો વચ્ચે કોઇ કારણસર બોલાચાલી થતા સ્ટાર્ટર ગનથી હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બનાવ સ્થળેથી પોલીસને સ્ટાર્ટર પિસ્ટલ, જીવતા બે કારતૂસ અને ફૂટેલા 7 કારતૂસ મળી આવ્યા હતા, તેમજ દારૂ અને બીયરની બોટલો મળી આવી હતી. પોલીસે 1.28 લાખ રોકડા, બે મોંઘી કાર સહિત કુલ 27.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા 6 શખ્સો વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની હકિકત એવી છેકે, બોપલ સેલિબ્રેશન સેન્ટરના પાંચમા માળે એક ઓફિસમાંથી ફાયરિંગનો અવાજ આવ્યો હતો. બનાવ સ્થળે પોલીસ પહોંચતા પોલીસને જોઇને 6 શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક ઇસમને ઇજા પહોંચી હતી. પકેડાયેલા ઇસમો દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે રુતુરાજસિંહ ભૂપેન્દ્રસિંહ જાડેજા, ફતુભા બળવંતસિહ જાડેજા, મહાવીરસિંહ ભાવસંગજી જાડેજા, મહેન્દ્રભાઈ બાબુભાઈ ઠાકોર, સુરજ મણીલાલ ભરવાડ અને કેદાર ગોવિંદભાઈ પટવાની ધરપકડ કરી હતી.
તો બીજી તરફ અગાઉ દાહોદમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. દાહોદમાં એક કોન્સ્ટેબલે દારૂના નશામાં બે રાઉન્ડ હવાઈ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. કલેકટર કચેરીના EVM વેર હાઉસ કમ્પાઉન્ડમાં ફરજ પૂર્ણ કરીને ઘરે જતા સમયે કોન્સ્ટેબલે ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે પોલીસ કોન્સ્ટેબલે દારૂના નશામાં ફાયરિંગ કરતા પોલીસ વિભાગ સામે અનેક સવાલો ઉઠ્યા હતા.