મૈત્રીપૂર્ણ સંબંધો જળવાઈ રહે તો ભારત અને પાકિસ્તાન બંનેને ફાયદો થશે
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ફરી ઉફાન પર છે, સતત વધી રહેલા આતંકી હુમલાએ ભારતમાં ફરી ચિંતા વધારી દીધી છે, ગત સપ્તાહે જમ્મુ કાશ્મીરના પૂંછમાં સેનાના વાહન પર થયેલા આતંકી હુમલાના આતંકીઓ હજુ પકડાયા નથી ત્યારે આ મુદ્દે રાજનીતિ તેજ થઇ ગઈ છે, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલાએ ભારત – પાકિસ્તાન વચ્ચેની વાતચીતને લઈને મોટું નિવેદન આપી દીધું છે.
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ પૂંછમાં આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચર્ચાની વકીલાત કરી છે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત નહીં થાય તો જમ્મુ કાશ્મીરના હાલ પણ ગાઝા જેવા જ થશે.
ફારૂક અબ્દુલ્લાએ કહ્યું, ‘જો અમે વાતચીત દ્વારા સમાધાન નથી શોધતા તો અમારા હાલ પણ તેવા જ થશે જે ગાઝા અને પેલેસ્ટાઇનનું થઇ રહ્યું છે, જેમના પર ઇઝરાયેલ બોમ્બ મારો કરી રહ્યું છે.’
સમાચાર એજન્સી ANI અનુસાર, નેશનલ કોન્ફ્રેન્સના પ્રમુખ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, જો ભારત અને પાકિસ્તાન વાતચીત દ્વારા વિવાદોને ખતમ નથી કરતા તો કાશ્મીરના પણ ગાઝા અને પેલેસ્ટાઇન જેવા હાલ થશે, જેમના પર બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. ફારૂક અબ્દુલ્લા ગત અઠવાડિયે પૂંછમાં આતંકવાદી હુમલા વિશે જણાવી રહ્યાં હતા જેમાં ભારતીય સેનાના ચાર જવાન શહીદ થયા હતા જ્યારે અન્ય કેટલાક જવાન ઘાયલ થયા હતા.
પત્રકારો સાથે વાત કરતા ફારુક અબ્દુલ્લાએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કરતા કહ્યું કે આપણે આપણા મિત્રો બદલી શકીએ છીએ, પરંતુ પાડોશી નહીં. તેમણે એ વાત પર ભાર આપ્યો કે જો મૈત્રીપૂર્ણ સંબંધો જળવાઈ રહે તો ભારત અને પાકિસ્તાન બંનેને ફાયદો થશે. જો દુશ્મનીમાં રહીશું તો અમે આગળ નથી વધી શકતા.
પીએમ મોદીનો ઉલ્લેખ કરતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે પીએમ મોદીએ પણ કહ્યું છે કે યુદ્ધ કોઈ વિકલ્પ નથી અને મામલાઓને વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ. અબ્દુલ્લાએ કહ્યું કે પરંતુ અહીં વાતચીત છે? નવાઝ શરીફ (પાકિસ્તાનના) વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે અમે ભારત સાથે વાતચીત કરવા તૈયાર છીએ પણ શું કારણ છે કે આપણે વાત કરવા તૈયાર નથી છે? જો આપણે વાતચીત દ્વારા કોઈ ઉકેલ નહીં શોધીએ તો અમારા પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવા જ હાલ થશે. જેના પર ઇઝરાયેલ દ્વારા બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. કંઇ પણ થઇ શકે છે, અલ્લાહ જ જાણે અમારા હાલ શું થશે..અલ્લાહ રહેમ કરે.”
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરને લઈને Farooq Abdullahનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગત ગુરુવારે પૂંછમાં આતંકવાદીઓએ સેનાના જવાનો પર ઓચિંતો હુમલો કર્યો હતો, જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. બીજી તરફ ગાઝાને લઈને પેલેસ્ટાઈન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધના કારણે પેલેસ્ટાઈનમાં અત્યારસુધીમાં 20 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે.
અગાઉ આર્મી ચીફ મનોજ પાંડેએ સોમવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પૂંછ જિલ્લાની મુલાકાત લીધી હતી અને સ્થાનિક સૈનિકોને ગુફાઓને નષ્ટ કરવા કહ્યું હતું, જેનો આતંકવાદીઓ દ્વારા છુપાયેલાં સ્થળો તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમણે આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના રાજૌરી સેક્ટરમાં આતંકવાદીઓએ સેનાની એક ટ્રક અને જિપ્સી પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. સેનાના 2 વાહનો પર થયેલા હુમલામાં 4 જવાન શહીદ થયા હતા જ્યારે 3 ઘાયલ થયા હતા. આ મહિનાની અંદર આ વિસ્તારમાં સેના પર આ બીજો આતંકી હુમલો હતો.