અમદાવાદ માં કોરોનાનાં પોઝિટિવ કેસમાં વધારો, સિંગાપોરથી પરત ફર્યા બાદ એક વ્યક્તિ પોઝિટિવ

corona-ahmedabad

સરખેજ અને રાણીપમાં નોંધાયા કોરોના કેસ, ગઈકાલે પાંચ જ્યારે આજે બે કેસ પોઝિટિવ
હાલ દેશમાં કોરોના વેક્સિનના ચોથા ડોઝની જરૂર નથીઃ INSACOG ચીફ
જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે તે લોકો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ લઈ શકે છે

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના વધુ બે કેસ પોઝિટિવ સામે આવ્યા છે. જેમાં સરખેજ અને રાણીપમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. એક મહિલા અને એક પુરુષ કવિડ પોઝિટિવ છે. એક દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી વિદેશની હોવાનું સામે આવ્યું છે. સિંગાપોરથી પરત ફર્યા બાદ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમજ અમદાવાદમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 35 થઈ છે. ગઈકાલે પાંચ જ્યારે આજે બે કેસ પોઝિટિવ છે.

કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. અગાઉ અમદાવાદમાં કોરોનાના 11 કેસ હતા જેમાં 7 પુરુષ અને 4 મહિલા દર્દીઓના સમાવેશ થાયો હતો. નોંધાયેલા કેસમાં થલતેજ, બોડકદેવ, નવરંગપુરા, સાબરમતી, એસપી સ્ટેડિયમ, વટવા અને જોધપુરમાં કોરોના વાયરસના નવા કેસ નોંધાયા હતા. સંક્રમિત દર્દીઓ દુબઇ, કેરેલા, હૈદરાબાદ, અમેરિકા, કેનેડા, કઝાકસ્તાનથી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ શહેરમાં હાલ કોવિડના 33ની જગ્યાએ 35 એક્ટિવ કેસ થયા છે. નવા નોંધાયેલા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીમાં હાલ 6 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. જેમાં 1 દુબઈ, 1 કેરળ, 1 હૈદરાબાદ, 1 કેનેડાથી ગુજરાત આવ્યા છે. જ્યારે 1 અમેરિકા અને 1 કઝાકિસ્તાનથી ગુજરાતમાં આવ્યા છે.

રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરાઈ રહી છે. ક્રિસમસની રજા પૂર્ણ થતા આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્યની સરકારી હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો સહિતના સ્થળોએ કોરોનાના ટેસ્ટિંગ શરૂ કરાશે. હાલ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે. સોલા સિવિલમાં કોરોના માટે 25 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે. આ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવાયા છે.

દેશમાં સાર્સ-કોવ-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ એટલે INSACOGના ચીફ એન કે અરોરા મુજબ હાલ દેશમાં કોરોના વેક્સિનના ચોથા ડોઝની જરૂર નથી. ભલે કેસ વધી રહ્યા છે પણ કોઈ ગંભીર જોખમ નથી. જે લોકોને કોઈ ગંભીર બીમારી છે અથવા તો જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે, તે બચાવ માટે ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ લઈ શકે છે. જે લોકોને કોઈ મુશ્કેલી નથી, હાલમાં તેમને ચોથો ડોઝ લેવાની જરૂર નથી.